લાખો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે?

વીક એન્ડ

હિન્દુ-મુસ્લિમ સંબંધોમાં ખટાશ અને મીઠાશ બન્ને આ સપ્તાહમાં જોવા મળી

કવર સ્ટોરી -મુકેશ પંડ્યા

દેશ સ્વતંત્ર થયાને પંચોતેર વર્ષ પૂર્ણ થયાં. આજે આપણે આઝાદીનો અમૃત કાળ ઊજવી રહ્યા છીએ ત્યારે તેમાં કોમવાદનું ઝેર ભળે કે પછી સંવાદિતાનું અમૃત ભળે એવા બેઉ યોગ એકસાથે થઇ રહ્યા છે. આ સપ્તાહે ઘટનાઓ જ કંઇક એવી બની છે જેને લીધે સામાન્ય માણસના દિમાગમાં અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થાય. ચાલો જરા વિસ્તારપૂર્વક જાણીએ.
તમે ધ્યાનપૂર્વક છેલ્લા કેટલાક સમયનો ઘટનાક્રમ નિહાળશો તો તમને ખ્યાલ આવશે કે એક બાજુ ભાજપ સરકારના રાજમાં મદરેસાઓના સર્વે ચાલુ થયા છે, વક્ફ બોર્ડ પર પણ તવાઇ આવી રહી છે. ઇસ્લામિક જૂથ પોપ્યુલર ફ્રન્ટ (પીએફઆઇ)નાં દેશભરનાં ઠેકાણાંઓ પર દરોડા પડી રહ્યા છે. ગુરુવારે દેશનાં પંદર રાજ્યોમાં જુદાં જુદાં ૯૩ સ્થળેથી ૧૦૬ શકમંદોની ધરપકડ કરવામાં આવી. ટેરર ફંડિંગનો ભય વધ્યો છે. આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને આતંકીઓ માટે તાલીમ શિબિર યોજવા ભારતની ભૂમિનો ઉપયોગ વધી રહ્યો છે. દેશવિરોધી પ્રવૃત્તિઓ, ઉત્તર પ્રદેશના હાથરસમાં કરવામાં આવેલા કથિત સામૂહિક બળાત્કાર અને દલિત મહિલાઓનાં મૃત્યુ સહિતની ઘટનાઓમાં પીએફઆઇની સંડોવણી અંગે ઇડી તપાસ કરી રહી છે. અનેક પીએફઆઇ એક્ટિવિસ્ટો સામે કોમી વેરભાવના ફેલાવતી ગેરકાયદે પ્રવૃત્તિ અને રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ છેડવાના આરોપો થયા છે. બ્રિટનમાં પણ આ બે કોમો વચ્ચે તણાવ પેદા થયો છે. આ તણાવને હિન્દુ-મુસ્લિમની જગ્યાએ ભારતીયો અને પાકિસ્તાનીઓ વચ્ચેનો તણાવ એવું રૂપકડું નામ અપાયું છે. જોકે સામાન્ય જનતા તો બધું સમજી જ જાય છે કે અસલી તણાવ તો કોમી તણાવ જ છે. લેસ્ટર અને બર્મિંગહૅમમાં ભારતીય સમુદાયો પર હુમલા થયા છે. લેસ્ટરમાં હિન્દુ વિસ્તારોમાં ભાંગફોડની ઘટનાઓ બની છે. વિદેશ મંત્રાલયે ભારતીયો વિરોધી હિંસાને વખોડતું નિવેદન પણ કર્યું છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે ન્યુ યોર્કમાં બ્રિટનના વિદેશપ્રધાન જેમ્સ કલેવર્લી જોડે મંત્રણામાં ભારતીયો અને ખાસ કરીને હિન્દુ સમુદાયને લક્ષ્ય બનાવીને કરવામાં આવતા હુમલા બાબતે ચર્ચા કરી હતી. બ્રિટનમાં મંદિરો પર હુમલા થયા એ બાબત કોમવાદી તણાવની સાક્ષી પૂરી પાડે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારતીય મૂળના અને પોતાની જાતને હિંદુ ગણવામાં ગૌરવ અનુભવતા રાજકારણી રિશી સૂનક થોડા મતો માટે બ્રિટનના વડા પ્રધાન બનતાં રહી ગયા હતા. જોકે બ્રિટનના રાજકારણમાં ભારતીયોનો અને હિંદુઓનો દબદબો વધતો જાય છે એ તો સર્વમાન્ય હકીકત છે.
દેશભરમાં અરે, એમ કહોને કે દુનિયાભરમાં છેલ્લાં આઠ વર્ષોમાં ભારતીયો અને હિંદુઓની લોકપ્રિયતા અને ધાક વધી છે તે ઘણાને સહન ન થાય એ શક્ય છે, પરંતુ તોડફોડ કે કોમી વૈમનસ્ય એ કંઇ તેનો ઇલાજ નથી. દુનિયાભરમાં હિંદુઓ આગળ આવ્યા છે તે તેમની શાંતિપ્રિયતા અને અન્ય લોકોમાં દૂધમાં સાકર ભળી જાય એ રીતે ભળવાની ચાહતને કારણે છે. બીજાઓમાં ભળવું હોય ત્યારે માત્ર રૂઢિચુસ્ત વિચારધારા ન ચાલે એ અન્ય કોમોએ પણ જાણવું જોઇએ. પોતાની લીટી મોટી થાય એ માટે પ્રયત્નો થાય પણ બીજાની લીટી નાની કરવા જે હિંસક પ્રયાસો થાય છે એ ખરેખર વખોડવાલાયક છે. હવે આટલું જાણ્યા પછી બીજી એક સારી બાબત ગુરુવારે દેશમાં બની એ ખરેખર આવકાર્ય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંસ્થા (આરએસએસ)ના વડા મોહન ભાગવત અને ઑલ ઇન્ડિયા મુસ્લિમ ઇમામ ઓર્ગેનાઇઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલિયાસી સહિત અનેક મુસ્લિમોને મળ્યા. ભાગવત એક મહિનામાં બીજી વાર મુસ્લિમોને મળ્યા. અગાઉ ઑગસ્ટ મહિનામાં પણ તેઓ મુસ્લિમ બૌદ્ધિકોને મળ્યા હતા. અગાઉ ઘણી વાર મુસ્લિમ સમાજ પર હિંદુઓ દ્વારા એવાં મહેણાં-ટોણાં મારવામાં આવતાં હતાં કે સમાજમાં કેટલાક રૂઢિચુસ્તો દ્વારા રાષ્ટ્રવિરોધી અને કોમી વૈમનસ્ય ફેલાવે એવી પ્રવૃત્તિઓ થાય છે, છતાં શિક્ષિત મુસ્લિમ વર્ગ કે બૌદ્ધિક વર્ગ તેનો વિરોધ કરવા બહાર નથી પડતો.
જોકે ઇલિયાસીએ આ મહેણું ભાંગ્યું છે. ભાગવત અને ઇલિયાસીના મળવાથી બે ચોખ્ખા ફાયદા તો થઇ જ ગયા છે. આરએસએસ નામની રાષ્ટ્રવાદી સંસ્થા કટ્ટર હિન્દુવાદી અને મુસ્લિમ વિરોધી છે એ છાપ ભૂંસાતી જશે અને બીજું શિક્ષિત અને બૌદ્ધિક મુસ્લિમ સમાજ દેશની એકતા અને અખંડિતતા જાળવવા તેમ જ કોમી સંવાદિતા જાળવવા બહાર પડ્યો છે તેવો સંદેશ ભારતની બહુમતી પ્રજામાં પણ જશે.
ઇલિયાસીએ અગાઉના ભાગવતજીના નિવેદનને દોહરાવતાં કહ્યું હતું કે ભારતના હિંદુ અને મુસ્લિમોના ડીએનએ એક જ છે, અર્થાત્ મૂળિયાં એક જ છે. વાત સાચી પણ છે. વર્ષો અગાઉ બેઉ કોમોના પૂર્વજો એક જ હતા. ભાગવતે તો ત્યાં સુધી કહેલું કે ભારતમાં રહેનારા બધા જ લોકોના ડીએનએ એક જ છે અને ધારો કે ડીએનએ અલગ હોય તો પણ કોમી વૈમનસ્યતા તો ન જ રાખી શકાય. હિંદુઓ વિશ્ર્વના અલગ અલગ દેશમાં અન્ય ડીએનએ ધરાવતા લોકો સાથે મૈત્રીભાવથી રહે છે તો મુસ્લિમો કેમ નહીં એવું શિક્ષિત, બૌદ્ધિક અને શાંતિપ્રિય મુસ્લિમોએ પણ વિચારવું જ રહ્યું. દેશના બન્ને કોમના લોકો પોતાનો કટ્ટરપંથ છોડી રાષ્ટ્રધર્મને પ્રાધાન્ય આપે તો એકમેકની આંખોમાં કણાની જેમ ખૂંચવાને બદલે દૂધમાં સાકરની જેમ ભળી શકે છે. ઇલિયાસીએ મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહ્યા. ભલે કહ્યા, પણ હવે શાંતિ અને અમન ચાહતા મુસ્લિમોએ પણ રાષ્ટ્રના હિતમાં વિચારવું અને કામ કરવું જ રહ્યું અને એ રીતે તેઓ પણ રાષ્ટ્રવાદના જનક તરીકે ઓળખાશે.
ભાગવત અને ઇલિયાસી બન્નેએ દેશના કરોડો લોકોની આંખમાં શાંતિનાં આંજણ આંજ્યાં છે. લાખો નિરાશામાં એક અમર આશા છુપાઇ છે. ભારતમાં હિન્દુ-મુસ્લિમ એક બનીને રહે તો તેનો પડઘો વિશ્ર્વભરમાં પડે. ભારત ખરેખર મજબૂત રાષ્ટ્ર બનીને દુનિયામાં વિહરી શકે. અત્યારે તો આ કલ્પના ખયાલી પુલાવ જેવી લાગે છે, પણ આરએસએસ અને મુસ્લિમ સમાજ દિલ્હીમાં મળ્યા એ પછી નવરાત્રિની પૂર્વસંધ્યાએ એક આશાનું કિરણ તો જરૂર ફૂટ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.