Homeઉત્સવશું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બગડેલી ઇમેજ માટે ફક્ત મીડિયા જવાબદાર છે?

શું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બગડેલી ઇમેજ માટે ફક્ત મીડિયા જવાબદાર છે?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સ મીડિયા પર ભડકેલા રહે છે. થોડા વર્ષો પહેલા પણ એક વિવાદ ન્યાયપાલિકા સુધી પણ પહોંચ્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક માંધાતા નિર્માતાઓ – પ્રોડક્શન હાઉસ અને સ્ટાર્સ એમ માને છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઇમેજ મીડિયા બગાડી રહી છે. સુશાંતસિંહ રાજપુતના અપમૃત્યુ પછી મીડિયાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગંદકી બહાર લાવવાનું ચાલુ કર્યું. વંશવાદથી માંડીને ડ્રગ્સ સુધીના મામલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત વિવાદોમાં રહી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્થાપના પછી આજ સુધી કેટલાક અપવાદોને બાદ કરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ‘પાપલીલા’ ઢંકાયેલી જ રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી કવર કરનાર મોટા ભાગના પત્રકારોએ માહિતીનાસ્ત્રોત તરીકે કે પછી ફિલ્મો વિશે લખવું હોય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પર જ આધાર રાખવો પડે છે. નવી ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે ફિલ્મને પ્રમોટ કરવા માટે, આર્થિક લાભ મેળવીને પ્રચાર કરી આપનારા મીડિયાના કેટલાક તત્વો જાણીતા અને બદનામ છે.
વર્ષો સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓને મીઠી મધૂર મિઠાઇઓ જ ખાવા મળી છે. હવે એમને કડવી દવા પીવાની આવે છે ત્યારે અજુકતું લાગે એ સ્વાભાવિક છે. મીડિયાએ જ્યારે એમને અરીસો બતાવ્યો ત્યારે તેઓ સમસમી ગયા. ‘ફિસીયાની બિલ્લી ખંભા નોચે.’ અંદરોઅંદર ભારે ઇર્ષ્યા અને નર્યા સ્વાર્થથી પીડાતા પ્રોડક્શન હાઉસ એકાએક મિત્રો બની ગયા. ટૂંક સમય માટે હવે એમનો ટાર્ગેટ એકબીજા નહીં, પરંતુ મીડિયા બની ગયું.
એવું નથી કે મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે હંમેશા મધુર સંબંધ જ રહ્યો છે. આજથી લગભગ ચાર દાયકા પહેલાં જ્યારે ટીવી ચેનલોનો વ્યાપ નહોતો ત્યારે પ્રચાર માટે ફિલ્મીપ્રકાશનો ઉપર જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આધાર રાખવો પડતો હતો. એ વખતે મોટાભાગના ફિલ્મ લાઇન કવર કરતા પત્રકારો સુષ્ટુ સુષ્ટુ જ લખતા હતા. એક દેવિયાની ચૌબલના અપવાદ સિવાય. કોઈ ફિલ્મ સ્ટારને ઇર્ષ્યા આવે એવી લોકપ્રિયતા દેવિયાની ચૌબલની હતી. કોઈની પણ સાડીબારી રાખ્યા વગર દેવિયાની ચૌબલ ફિલ્મ સ્ટારોની અંધારી બાજુ બિંધાસ્ત રીતે ઉઘાડી કરતી હતી. એક જાહેર કાર્યક્રમમાં ધર્મેન્દ્રએ એને મારવા પણ લીધી હતી, પરંતુ એની તેજાબી કલમ અટકી નહોતી. દેવિયાની ચૌબલ ઉપરાંત બીજા કેટલાક ગણ્યાગાંઠ્યા ફિલ્મ સામાયિકો પણ ભલભલા માંધાતાઓને રાડ પડાવી દેતા હતા. ૭૦ના દાયકામાં અમિતાભ બચ્ચન અને ફિલ્મ મીડિયા વચ્ચે ચાલેલા જંગ વિશે બહુ ઓછાને ખબર હશે.
એક અંગ્રેજી ફિલ્મ સામાયિકને કોઈપણ કારણસર અમિતાભ બચ્ચન સાથે વાંકુ પડ્યું. છંછેડાયેલા અમિતાભે એ સામાયિકને મુલાકાતો આપવાની બંધ કરી. એજ વખતે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી જાહેર કરી અને એના ભાગરૂપે સમગ્ર મીડિયા પર સેન્સરશીપ લાદવામાં આવી. ફિલ્મ સામાયિકોએ પણ એમના લેખો સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરવા પડતા હતા. મીડિયાને લાગ્યું કે અમિતાભ બચ્ચનના કહેવાથી જ ફિલ્મ સામાયિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ફિલ્મ મીડિયાએ અમિતાભ બચ્ચનનો બહિષ્કાર કર્યો. અમિતાભનું નામ સુદ્ધા છાપવાનું એમણે બંધ કરી દીધું. જોકે બલિહારી એવી થઈ કે એ સમય દરમિયાન જ અમિતાભ બચ્ચનની શોલે, દિવાર, કબી કભી, મુકદર કા સિકંદર, ડોન … જેવી ફિલ્મો સુપર હિટ નીવડી. ફિલ્મ મીડિયા સમજી ગયું કે એમના બહિષ્કારની અસર અમિતાભ બચ્ચનના ચાહકો પર થઈ નથી. બીજી તરફ અમિતાભ બચ્ચન અને દિલીપકુમાર જેવા અદાકારોએ ફિલ્મ મીડિયાથી નારાજ હોવા છતાં કદી વળતો ઘા કર્યો નહોતો.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે બીજી કોઈપણ ક્ષેત્ર, શું એની ઇમેજ સાચવી રાખવાની જવાબદારી મીડિયાની છે? શું રાજકારણની ઇમેજ સાચવી રાખવા માટે મીડિયાએ રાજકારણીઓ વિરુદ્ધ લખવાનું બંધ કરી દેવું જોઇએ? આપણા હજુ એટલા સારા નસીબ છે કે કોઈ રાજકારણીએ એવો દાવો નથી કર્યો કે મીડિયાને કારણે રાજકીય ક્ષેત્રની ઇમેજ ખરાબ થઈ રહી છે!
મીડિયાને લીધે જ અંતુલેથી માંડીને અશોક ચૌહાણ જેવા રાજકારણીઓએ રાજીનામા આપવા પડ્યા હતા. મીડિયાને કારણે જ બાંગારુ લક્ષ્મણ જેવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે રાજકારણ છોડી દેવું પડ્યું હતું. મીડિયાને કારણે જ સત્તાધિશો અને વિરોધ પક્ષના રાજકારણીઓ કાબુમાં રહે છે. રાજકીય ક્ષેત્રની ઇમેજ સાચવવાની જવાબદારી મીડિયાની નથી. રાજકારણીઓ જો સત્તાનો દૂરઉપયોગ કરતા હોય કે પોતાની સત્તાને કારણે ગોરખધંધા કરતા હોય તો એમને ઉઘાડા કરવા જ પડે. એ જ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ કોઈ પવિત્ર ગાય નથી કે એની ઇમેજ બચાવવા માટે મીડિયા સાચુ લખવાનું કે સાચું દર્શાવવાનું બંધ કરી દે. અહીં આપણે વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની વાત કરવી પણ જરૂરી બને છે. શું વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી કે સુબ્રતો રોય સહારાના કૌભાંડો વિશે લખવાથી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રની ઇમેજ ખરાબ થઈ શકે? આગળ જણાવ્યા છે એ સિવાયના બીજા સેંકડો કૌભાંડો બિઝનેસ પ્રકાશકોએ ઉઘાડા કર્યા છે. ન્યૂઝ ચેનલોએ પણ કૌભાંડી ઉદ્યોગપતિઓના કપડા ઉતારીને એમને જેલ ભેગા કર્યા છે. ક્રિકેટ કે રમતગમતના બીજા ક્ષેત્રે તથા ફિક્સિંગ વિશે પણ સૌપ્રથમ ઘટસ્ફોટ મીડિયાએ જ કર્યો હતો. મીડિયાના સ્ટીંગ ઓપરેશનને કારણે મોહમ્મદ અઝહરુદ્દીન અને અજય જાડેજા જેવા ક્રિકેટરોએ ઘરે બેસવું પડ્યું હતું. શું રમત ગમત ક્ષેત્રની ઇમેજ જાળવી રાખવાની જવાબદારી પણ મીડિયાની છે?

RELATED ARTICLES

Most Popular