સમયનાં પતીકાં પાડવાની કલા હજુ ભાખોડિયાં ભરે છે?

ઉત્સવ

કેન્વાસ -અભિમન્યુ મોદી

તમને પેલી ફિલ્મ યાદ છે.. ‘આ દેખે ઝરા’ જો તમે ન નિહાળી હોય તો તમને જણાવી દઉં કે આ ફિલ્મના નાયક પાસે એક કૅમેરો છે. એ જયારે કૅમેરા કોઈ વસ્તુ કે વ્યક્તિનો ફોટો ક્લિક કર્યા બાદ, એ ફોટાને જ્યારે કમ્પોઝ કરે ત્યારે તેમાં તેણે કેદ કરેલ ક્ષણનું ભવિષ્ય દેખાય છે. ફિલ્મનો વિષયનો એવરગ્રીન હતો પણ દુ:ખની વાત તો એ હતી કે ફિલ્મમાં કૅમેરાના એવા કોઈ ખાસ એન્ગલ જ ન હતા. જે તમને ફિલ્મની અનુભૂતિ કરાવે.. તો આ કૅમેરો આપણા જીવનમાં કેટલો અગત્યનો ભાગ ભજવે છે. ક્યારેય વિચાર્યું છે. તમે જ્યારે તમારા સ્નેહીજનને યાદ કરો છો તો મનમાં એક તસવીર તરી આવે છે. તો આ તસવીર આવી ક્યાંથી..? કૅમેરામાંથી..
જરા ધ્યાન આપો, આપણે કેટલા આગળ વધી ચૂક્યા છીએ. હવે, આપણી પાસે સુપર ફ્રેન્ડલી કેમેરા છે, પણ એક સમય હતો, જ્યારે આ કૅમેરા એટલા સાનુકૂળ ન હતા, પોસાતા ન હતા અને પોર્ટેબલ પણ ન હતા. એ દિવસ યાદ કરો, જ્યારે ફોટોગ્રાફી માત્ર પસંદગીના અને ખાસ પ્રસંગોની તસવીરો લેવા પૂરતી જ મર્યાદિત હતી. કેવી રીતે આપણે તૈયાર થઇને કૅમેરા સામે પોઝ આપતા હતા! પણ હવે સ્માર્ટફોનના આગમન સાથે આપણી પાસે આપણા જીવનની પ્રત્યેક વિગતને ઝડપી લેવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. વર્તમાન સમયમાં, ઘણી વખત આપણે આપણા કૅમેરાને હળવાશથી લઇએ છીએ અને ફોટોગ્રાફ એ કોઇ નવી બાબત રહી નથી. પરંતુ કદાચ આપણે એ ભૂલી ગયાં છીએ કે આ કળાએ કેવી રીતે આપણા વિશ્ર્વમાં ક્રાંતિ લાવી દીધી. આધુનિક સમયના કૅમેરા લાંબો ઇતિહાસ ધરાવે છે. આ ફોટોગ્રાફી શબ્દનું જ વિશ્લેષણ કરીએ તો ગ્રીક શબ્દ “graphos’ એટલે પ્રકાશ અને ગ્રીક શબ્દ”photos’ એટલે લખાણ. તેથી ફોટોગ્રાફી- “Photography’ એટલે સપાટ ફલક પર પ્રકાશ વડે કરાતું અંકન. તેની કલા તે છબીકલા. તેના સપ્તરંગી ઇતિહાસ પર નજર કરીએ તો ૧૫મી સદીમાં કલાકાર લિયોનાર્દો દ. વિન્ચીએ પોતાની નોંધપોથીમાં “Camera-obscura’ ‘કૅમેરા’ એટલે ઓરડો, ‘ઑબ્સ્કુરા’ એટલે અંધારુંના ઉલ્લેખ કર્યો છે. અંધારા ચોરસ-ઘન ખોખામાં એક સપાટીએ માત્ર એક કાણું પાડવાથી સામેની અંદરની સપાટી પર બહારના દૃશ્યનું ઊંધું પ્રતિબિંબ પડે છે એ હકીકતની નોંધ તેણે કરી છે. ૧૬મી સદીમાં આવા ખોખામાં એક સપાટી પર વચ્ચે કાણું પાડી ત્યાં લેન્સ બેસાડવાનું કાર્ય વિજ્ઞાની જિયોવાની બાતિસ્તા દેલા પોર્તાએ કર્યું હતું.
જોકે, દ્રશ્યની છાપ મળી શકે તેવો પ્રથમ કૅમેરા ફ્રેંચ ચિત્રકાર જાક દેગ્વારે ૧૮૩૯માં શોધ્યો. તેણે તાંબાની ચાંદીના ઢોળવાળી પ્લેટ સાથે આયોડિનની કે મર્ક્યુરીની વરાળનો ઉપયોગ કરી ફોટોગ્રાફ લેવાનું શરૂ કર્યું. તેમાં મૂળ દ્રશ્યના પ્રકાશિત વિસ્તારો અંધારા દેખાતા અને મૂળ દ્રશ્યના અંધારા વિસ્તારો પ્રકાશિત દેખાતા. આ કૅમેરાનું વજન ૨૩ કિલો હતું.
આવી અનેક શોધ બાદ એક્સ્પોઝર, પ્રક્રિયા અને તેની રીત વધુ ઝડપી બનાવવાનું જરૂરી હતું, કારણ કે એ બધું ગૂંચવણભર્યું અને સમય માગી લે એવું હતું. પ્લેટને કાયમી બનાવવા માટે તેના પર છબીકારોએ મધ, બિયર, ઈંડાં, આદુંનો દારૂ, સ્પેનમાં થતો શેરીનો દારૂ વગેરેથી પ્રયોગો કરતા પણ ૬ માસથી વધુ એ પ્લેટ ચાલતી નહીં. તેથી આજે જે પોઝિટિવ-નેગેટિવ પ્રોસેસ કહે છે તે ૧૮૪૦માં વિલિયમ હેન્રી ફોક્સ ટૅલ્બૉટે શોધી. તે કૅમેરામાં સિલ્વર આયોડાઇડ પેપરને પ્રકાશ વડે એક્સ્પોઝ કરી સિલ્વર નાઇટ્રેટ અને ગેલિક ઍસિડના મિશ્ર દ્રાવણમાં ડેવલપ કરી ફોટોગ્રાફ કાઢતો. ૧૮૫૧માં બ્રિટિશ શિલ્પી એફ. સ્કોટ આર્ચરે પોટેશિયમ આયોડાઇડ-મિશ્રિત નાઇટ્રોસેલ્યુઝના પડથી આચ્છાદિત કાચની પ્લેટને પ્રકાશમાં ઍક્સ્પોઝ કરી સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ડેવલપ કરી ફોટોગ્રાફીની શરૂઆત કરી. પ્રથમ ડ્યુરેબલ કલર ફોટોગ્રાફ ૧૮૬૧માં થોમસ સટ્ટોન દ્વારા લેવામાં આવ્યો હતો. તે લાલ, લીલા અને વાદળી ફિલ્ટર્સ થકી લેવાયેલા ત્રણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સનો સેટ હતો. જોકે, તે સમયે વપરાતાં ફોટોગ્રાફિક ઇમલ્ઝન્સ સ્પેક્ટ્રમ પ્રત્યે અસંવેદનશીલ હોવાથી રિઝલ્ટ અસ્પષ્ટ હતું.
જ્યારથી કેમેરા દ્વારા મુવિંગ દ્રશ્યો લેવાનું શરૂ થયું તે પછી પશ્ર્ચિમના ફિલ્મ સર્જકોને વિચાર આવ્યો કે કોઈ સળંગ ઘટનાને કૅમેરામાં કેદ કરીને ફિલ્મ બનાવીએ તો કેવું રહે…, એટલે શરૂઆત પ્રાણીઓની નાની ફિલ્મો દ્વારા થઈ. એ વખતે કૅમેરા પ્રારંભિક અવસ્થાના હતા. ઉપરાંત ફિલ્મો ધ્વનિ રહિત હતી. છતાં કોઈ વ્યક્તિને હલન ચલન કરતો નિહાળવો હાલતો એ આશ્ર્ચર્યચકિત કરી દેનારી ઘટના હતી. એટલે આ નવી ચીજ તરફ લોકો ઉત્તેજિત હતા. એ જ વિચાર સાથે ૧૮૯૬માં લુમિયર બંધુઓએ પોતાની ફિલ્મો બનાવી.
જેને નિહાળીને મુંબઈમાં હરિશ્ર્ચંદ્ર સખારામ ભાટવડેકર અર્થાત્ સાવેદાદાએ લગભગ ૨૧ ગિનીની કિંમતનો લંડનથી મૉશન પિક્ચર કૅમેરા મગાવી લીધો હતો. ભારતમાં પ્રથમ કથાચિત્ર બનાવવાનું માન દાદાસાહેબ ફાળકેને મળ્યું છે, પણ સાવેદાદાએ તો એનાં પંદર વર્ષ પહેલાં ચિત્રનિર્માણ કર્યું હતું. ઈ. સ. ૧૮૯૯માં તેમણે એ સમયના બે પ્રસિદ્ધ પહેલવાનો પુંડલિક દાદા અને કૃષ્ણા નહાબી વચ્ચેની કુસ્તીની સ્પર્ધાની ફિલ્મનું નિરૂપણ કર્યું હતું. આ તો થઈ શ્ર્વેત શ્યામ રંગો રજૂ કરતા કૅમેરાની વાત. પ્રથમ ડિજિટલ ફોટોગ્રાફ ૧૯૫૭માં લેવાયો હતો, કોડેકના એન્જિનિયરે પ્રથમ ડિજિટલ કૅમેરા શોધ્યો, તેના આશરે ૨૦ વર્ષ પહેલાં. ફોટો એ પ્રારંભમાં રસેલ કર્સના પુત્રને દર્શાવતી ફિલ્મ પર લેવાયેલા શોટનું ડિજિટલ સ્કેન છે અને તે ૧૭૬ડ્ઢ ૧૭૬નું રિઝોલ્યુશન ધરાવે છે.પ્રથમ ડિજિટલ કૅમેરા ડિસેમ્બર, ૧૯૭૫માં સ્ટિવ સેસ્સન દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેઓ ઇસ્ટમેન કોડેકના એન્જિનિયર હતા. આ કૅમેરાનું વજન ૮ પાઉન્ડ હતું અને તેણે ૦.૦૧ મેગાપિક્સલ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા રેકોર્ડ કર્યા હતા. પ્રથમ ફોટોગ્રાફ તેયાર કરતાં ૨૩ સેક્ધડનો સમય લાગ્યો હતો.
પરંતુ હવે તો આ ઇતિહાસ કોઈ વેબસાઈટના નાનકડા વેબ પેજમાં સચવાયને પડ્યો છે. કચકડાની ફ્રેમ હવે મોબાઇલ ફોનમાં સમાઈ ગઈ છે.. હવે તો સ્માર્ટ ફોનના ડિજિટલ કૅમેરામાં ઈચ્છાઅનુસાર સેલ્ફી કિલ્ક કરીને સુખદ ક્ષણોને ડિજિટલી સ્ટોર કરી શકાય છે. હવે મસમોટા આલબમ ઘરના કબાટની જગ્યાએ મેમરી કાર્ડની ચિપમાં સચવાઈ જાય છે, આજે તો ફોટોગ્રાફીના પણ કેટલા પ્રકાર છે, જેમ કે લેન્ડસ્કેપ ફોટોગ્રાફી, પોર્ટ્રેટ ફોટોગ્રાફી, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, ટ્રાવેલ ફોટોગ્રાફી, સ્ટ્રીટ ફોટોગ્રાફી, ન્યૂબોર્ન ફોટોગ્રાફી, મેક્રો ફોટોગ્રાફી.. આ અને આવી અનેક ફોટોગ્રાફી વિકસી છે અને વિશ્ર્વભરમાં વ્યાપી છે. હવે છબીકલામાં કલા ઓછી અને ટૅક્નોલૉજી વધારે હોય છે. સ્માર્ટ ફોનમાં આજે વધુને વધુ મેગા પિક્સેલ્સમાં તસ્વીરો ખેંચીને તેને એડિટ કરવી સરળ બની ગયું છે. તમે લેન્સની પાછળ હોવ, ત્યારે કેટલીક વખત સાધારણ બાબત અસાધારણ બની જાય છે. ફોટોગ્રાફી આપણને વિશ્ર્વ તરફનો એક અલગ, અવર્ણનીય દ્રષ્ટિકોણ આપે છે, એટલું જ નહીં, સાધારણ દ્રશ્યને સાચા સંવેદન સાથે ઝડપી લેવામાં આવે ત્યારે કેટલીક વખત તે ચમત્કાર સર્જી દે છે.તસવીરોએ વિશ્ર્વને આપણી નજીક લાવી દીધું છે. તે જીવનની એક રીત છે, જે પ્રત્યાયનના શક્તિશાળી માધ્યમ તરીકે માનવ જીવનને સ્પર્શવાની કાબેલિયત ધરાવે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.