Homeઈન્ટરવલગાળો બોલવી એ લેટેસ્ટ ફેશન છે?

ગાળો બોલવી એ લેટેસ્ટ ફેશન છે?

ફોકસ -અભિમન્યુ મોદી

ગાળો શું છે? ભદ્ર સમાજમાં જાહેરમાં ન બોલાય એવા શબ્દો. પણ એ જ ભદ્ર સમાજના બધા સભ્યો અંગત રીતે કે મોકો મળે ત્યારે મણ – મણની ગાળો બોલી લેતા હોય છે. અમુક મૌખિક રીતે નથી બોલતા તો મનમાં બોલે છે. પણ એવા લોકોની સંખ્યા ઓછી છે. બહુધા લોકો ગાળો બોલે જ છે અને ખૂબ બોલે છે. નવી જનરેશન તો ગાળો શીખીને જ જન્મી છે જાણે. નવી પેઢીમાં ગાળો બોલવા બાબતે કોઈ નિષેધ નથી કે કોઈ સંકોચ નથી. ગાળો બાબતે કોઈ જ જાતિગત ભેદભાવ હવે આવતા નથી. ડીવાઈડેડ બાય લેંગવેજ યુનાઈટેડ બાય ગાળો. ભાષા કોઈ પણ હોય પણ ગાળોનો ધ્વનિ પરખાય જાય. પંજાબી હોય કે હિન્દી કે મરાઠી કે ગુજરાતી – અપશબ્દોના બેઝિક તત્ત્વો એ જ રહે છે. માટે ભાષા બદલાય તો પણ ગાળો ખાસ બદલાતી નથી. માટે પણ ગાળોનો પ્રચાર પ્રસાર નેશનલ સ્તરે વ્યવસ્થિત થયો છે.
પ્રોફેશનલ કૉલેજમાં એડમિશન મેળવવા માટે જાણે વિદ્યાર્થી ભાઈ કે વિદ્યાર્થિની બહેનને ગાળો આવડવી ફરજિયાત હોય એવો માહોલ છે. દરેક કોલેજમાં ભણતું લગભગ દરેક બાળક રોજબરોજની જિંદગીમાં ગાળો બોલે જ છે. ફક્ત સુરતી ભાષા ગાળો માટે બદનામ છે. હકીકતે ગાળો દરેક બોલીમાં વણાય ગઈ છે. છોકરાઓ તો બોલતા જ પણ હવે છોકરીઓનું ગાળો બોલવાનું પ્રમાણ વધ્યું છે. છોકરીઓ વધુ સાહજિકતાથી તીવ્રતા સાથે ગાળો બોલે છે, બોલી શકે છે. મેસેજમાં ગાળોના ટુંકાક્ષરી ફોર્મ પણ બની ગયા છે. માટે મસ્તી મજાકમાં કે લાગણીની વાતમાં પણ ગાળોનાં ટુંકાક્ષરી ફોર્મ વપરાય છે. નાની ઉંમરના બાળકો પણ ગાળો બોલે છે. સ્કૂલ જ ગાળો શીખવાનો પાયો પાક્કો કરી દે છે. કૉલેજ પહોંચે ત્યાં સુધીમાં તો છોકરાં એટલા તૈયાર થઈ જાય છે કે પોતાની નવી ગાળો જાતે શોધી શકે. ઈંગ્લીશ અને લોકલ બન્ને ગાળોમાં યુવા પેઢી પાવરધી બની ગઈ છે.
ગાળો બોલવાનું પ્રોત્સાહન આસપાસનો માહોલ આપે છે. માણસ ઘરની બહાર નીકળે ને તેના કાને ગાળો પડે છે. પાડોશી ગાળો બોલતા હોય શકે, સિક્યોરીટી ગાર્ડના મોઢે ગાળો સાંભળી શકાય, રસ્તા ઉપર જઈએ તો ટ્રાફિક પોલીસ બોલતા હોય, રસ્તે ઊભા રહેલા લોકો પણ ગાળો બોલતા હોય તો એ પણ કાને પડે. ગાળો શીખવી ન પડે. દુનિયા શીખવાડી દે છે. ન સાંભળવી હોય તો પણ શહેર ગાળો શીખવાડી દે છે. ઘણા કિસ્સામાં તો ગાળો શીખવા માટે ઘરની બહાર પણ પગ મૂકવો પડતો નથી. ઘરમાં જ એટલી ગાળો બોલાતી હોય છે.
હવેના મલ્ટી-મીડિયા સાધનો પણ ગાળોને ઉત્તેજન આપે છે. દસેક વર્ષથી ઓટીટી પ્લેટફોર્મની સંખ્યા વધી છે. અત્યાર સુધી ફિલ્મોમાં શારીરિક નગ્નતા બતાવવામાં આવતી, પણ હવે એનું સેચ્યુરેશન આવી ગયું. સંપૂર્ણ નગ્નતા બતાવી દીધા પછી હવે શું? પબ્લિકને વધુ કીક લાગે એવું શું કરવું? તો શારીરિક નગ્નતા પછી બધા માનસિક નગ્નતા તરફ વળ્યા. માટે ફિલ્મોમાં ગાળો આવવા માંડી. ફિલ્મોમાં ગાળોની એક મર્યાદા હતી અને અમુક અંશે હજુ છે. તો વેબ સિરીઝની હારમાળા શરૂ થઈ. જેમાં ધાણીફૂટ ગાળોનો સમાવેશ થયો. ફિલ્મોમાં તો એકાદી પાત્ર એક સીન પૂરતી કોઈ ગાળ બોલે. વેબ સિરીઝમાં તો એક કરતાં વધુ પાત્રો સતત ગાળો બોલે. અમુક વેબ સિરીઝ તો પ્રચલિત જ એટલે થઈ કે તેમાં ભરપૂર ગાળો હતી. સાવ સાદી સિરિયલ હોય તો એમાં પણ એકાદા એપિસોડમાં ગાળ આવી જ જાય છે.
ગાળો આખા દેશે એકસાથે ‘જોઈ’ હોય એવો કેસ બન્યો ક્રિકેટમાં. વિરાટ કોહલી જે રીતે મેદાનમાં ગાળો બોલે છે તે ગજબ વાત છે. કારણ કે આખો દેશ વિરાટ કોહલીને જુએ છે અને વિરાટ ગાળો બોલે છે તે પણ જુએ છે. હમણાં વીરેન્દ્ર સેહવાગે પણ કહ્યું કે મારું નાનું બાળક પણ કોહલીના હોઠની મૂવમેન્ટ જોઈને સમજી જાય છે કે કોહલી સાહેબ ગાળ બોલ્યા. કપિલના શોમાં આ વાતને લઈને મજાક પણ ઉડાવવામાં આવી કે વિરાટ કોહલી બેન સ્ટોક્સ નામના ખેલાડીને બહુ યાદ કરતો લાગે છે. બધા હસ્યા. સ્ત્રી હોય કે પુરુષ, બાળકો હોય કે વડીલ, કોઈને કંઈ અજુગતું ન લાગ્યું. જાણે બધાએ વધાવી લીધું. મોટો ખેલાડી ગાળો બોલે એ તો ચાલે જ ને – એવો બધાનો સૂર હશે એવી અનુભૂતિ થઈ.
આ જ વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઇપીએલમાંથી બહાર ફેંકાઈ ગઈ. જે અગ્રેશન ખેલાડીઓ ગાળો બોલવામાં બતાવે છે એ જ અગ્રેશન ક્રિકેટ રમવામાં બતાવ્યું હોત તો? પણ વિરાટ કોહલી અને તેની ટીમના અમુક ફેન પણ એવા કે શુભમન ગીલ અને તેની બહેનને પણ ઓનલાઇન ગાળો દેવા લાગ્યા. સાવ હલકી કક્ષાની ગાળો પડી. પોલીસ સુધી વાત પહોંચી. ભારતીય સંસ્કૃતિની દુહાઈઓ આપતા નાગરિકોએ કલંક પહોંચે એવી વૃત્તિ કરી.
ગાળો બોલતી ટીમ માટે થઈને તે જ ટીમના ચાહકો હલકી કક્ષાએ ઉતરી આવ્યા. હવે વિચારો કે ગાળો સારી વસ્તુ છે ખરી?
ગાળો બોલતા માણસો વધુ બુદ્ધિશાળી હોય કે પુરુષો ગાળો બોલે એટલે એનો માનસિક સ્ત્રાવ થઈ જાય ને આ બધી વાત નોનસેન્સ છે. બહુ બહાદુર અને બળવાન લોકો ભારતના ઇતિહાસમાં થઈ ગયા છે. પ્રાચીન ભારતે ઘણા યોદ્ધાઓ અને વીર સપૂતો આપ્યા છે. ક્રાંતિકારીઓ અને નેતાઓની મોટી વિરાસત લઈને આપણે બેઠા છીએ. ભગતસિંહને તો અંગ્રેજો વિરુદ્ધ કેટલો ગુસ્સો આવતો હશે પણ એમણે એસેમ્બલીમાં બોમ્બ ફેંકેલો, ગાળો નહોતી બોલી. આઝાદી સમયે ગમે તેવા હિંસક ક્રાંતિકારી કે અહિંસક નેતા હોય, એમણે ગાળો નથી આપી. ગાળો બોલવામાં ઊર્જા વ્યય કરવાને બદલે પોતાના કામમાં ફોકસ કર્યું છે. ગાળો તો તે સમયે પણ હતી. પણ એ સમયે સમજદારી વધુ હતી, પરિપક્વતા વધુ હતી. આજની પેઢીને ગાળો બોલવી કુલ લાગે છે. આદર્શ વ્યવસ્થા એ જ છે કે દરેક માણસનો તેની ઉપર કંટ્રોલ હોય અને ગંદા શબ્દો ગમે તેવી સ્થિતિમાં પણ ન નીકળે. નહિતર આર.સી.બી જેવી હાલત થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -