Homeપુરુષમિનિમલિઝમ (લઘુત્તમવાદ)ને આધ્યાત્મિકતા સાથે સંબંધ છે?

મિનિમલિઝમ (લઘુત્તમવાદ)ને આધ્યાત્મિકતા સાથે સંબંધ છે?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

સ્પિરિચ્યુઅલ વેલ્થની વાત ચાલતી હોય અને આપણે મિનિમલિઝમની વાત ન કરીએ તો ન ચાલે. કારણ કે મિનિમલિઝમને અધ્યાત્મ સાથે સીધો સંબંધ છે. મિનિમલિઝમ શબ્દ બોલવામાં જેટલો સરળ લાગે છે એટલું એનું આચરણ સરળ નથી. કારણ કે મિનિમલિઝમને સ્વીકારવું એટલે ભૌતિકજીવનમાં જીવતા હોવા છતાં ભૌતિક્તાને ત્યજવાનો પડકાર છે અને એ પડકાર ઝીલવાનું કામ કંઈ કાચાપોચાનું કામ નથી. મિનિમલિઝમ સંન્યાસ પછી સ્વીકારો તો એમાં કોઈ સૌંદર્ય નથી. કારણ કે સંન્યાસમાં તો સ્વાભાવિક રીતે ભૌતિક જીવનથી માણસે દૂરી કરી લીધી હોય છે. અલબત્ત, એ સંન્યાસને પણ નિભાવવો એ કંઈ નાનીસૂની વાત નથી. છતાંય સંન્યાસમાં તો માણસ મનની એક અવસ્થાએ પહોંચ્યો હોય છે એટલે એને કશું સ્પર્શતું નથી. પરંતુ સંસારમાં રહીને મિનિમલિઝમ સ્વીકારવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર કામ છે.
અત્યાર સુધીમાં આપણે ગાંધીજી અને સ્ટીવ જોબ્સના બે ઉદાહરણો જોયા, જેમણે સંસારમાં રહીને પોતાની વ્યક્તિગત જરૂરિયાતો અત્યંત ઘટાડી કાઢી હતી. આપણી જરૂરિયાતો વિશે આપણે જરા આત્મમંથન કરીશું તો આપણા ઘરમાં, આપણા જીવનમાં કે આપણા શરીર પર એવી અનેક બાબતો હાજર હશે, જેની આપણને ખરેખર કોઈ જરૂર નથી. જેમ શરીર પર મેદ હોય એમ એવી બાબતોને જીવનનો મેદ કહી શકાય, જે બાબતો આપણને મેન્ટલી ફિટ રહેવામાં કે સ્ટેબલ્ડ રહેવામાં ઘણી ખલેલ પહોંચાડે છે.
અને ખલેલની વાત તો મૂકી દો. એ ફાલતુ કહી શકાય એવી જરૂરિયાતોને પામવા માટે આપણે જે દોડાદોડ કરીએ છીએ કે આપણી અંદર જે કોલાહલ સર્જીએ છીએ એ આપણો આપણી જાત સાથેનો અન્યાય છે. અહીં આપણો ઉદ્દેશ્ય જીવવાનો છે કે માણવાનો છે. અહીં આપણે આપણા જીવનની આસપાસ કચરો ભેગો કરવા માટે નથી આવ્યા. પણ આપણે છીએ કે અમુક બેઝિક બાબતો ઉપરાંતની થોડી સગવડો મેળવી લીધા પછી પણ હજુ, વધુ હજુના ન્યાયે મચેલા જ રહીએ છીએ. જેમાં આપણે અંતત: માણસ નથી રહેતાં, પરંતુ ધાણીના બળદ બની જઈએ છીએ. વળી, અનેક ફાલતુઓ વસ્તુઓ અથવા જેને આપણે સગવડ કહીએ છીએ એવી બાબતો ભેગી કર્યા પછીય જેને ખરેખરું સુખ કહેવાય છે એ પામી શકીએ છીએ ખરા? કદાચ નહીં જ. તો પછી આ રેટરેસ શેના માટે? એના કરતા પહેલાં વસ્તુઓ અને પછી અમુક વ્યક્તિઓ પરનો આપણો આધાર જ ઘટાડી દઈએ તો? કારણ કે મિનિમલિઝમ માત્ર વસ્તુઓને જ થોડું લાગું પડે છે? મિનિમલિઝમ તો સંબંધો બાબતે પણ લાગુ પડે છે અને સંબંધો બાબતો આપણે જેટલા સીમિત અને સિલેક્ટિવ રહીશું એટલા જ આપણે સુખી રહીશું એ વાત નક્કી છે.
આપણે જીવનમાં બહુ વહેલા એ વિચાર કરી લેવાનો છે કે વસ્તુઓ અને વ્યક્તિઓ પરના આધારથી આપણે સમૃદ્ધ થઈએ છીએ કે રાંક બનીએ છીએ? અહીંના પ્રવાસ દરમિયાન આપણે જેની સાથે સૌથી વધુ સમય પસાર કરવાનો છે એ આપણી જાત છે. અને આપણે છીએ કે કમાતા થઈએ છીએ ત્યારથી સગવડ, લક્ઝરી કે સ્ટેટ્સ સિમ્બોલને નામે આપણી આસપાસ સતત કોઈને કોઈ વસ્તુઓનો ખડકલો કરતા રહીએ છીએ. પણ એક વાત આપણે ગાંઠે બાંધવી પડશે કે આપણી જરૂરિયાતો જેટલી ઓછી હશે એટલી અન્યો પરની આપણી અધારિતા ઓછી હશે અને જેટલી આધારિતા ઓછી હશે એટલો આપણને સંતાપ ઓછો હશે. અને સંતાપ ઓછો હોય તો આપણે સ્વાભાવિક જ સુખી હોવાના. તો પછી હવે આપણે નક્કી કરવાનું છે. આપણા આધાર વધારવા છે? કે આપણો સંતાપ ઘટાડવો છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular