Homeલાડકીપથ્થર છે કે પારસમણિ, એ નક્કી આપણે જ કરવાનું છે...!

પથ્થર છે કે પારસમણિ, એ નક્કી આપણે જ કરવાનું છે…!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

શું આપણી લાઈફમાં આવનારા દરેક લોકો આપણા હોય છે? આપણે જેને પણ મળીએ છીએ એ વ્યક્તિ સાથે લાઈફટાઈમ કનેક્ટેડ રહેવું જરૂરી છે? કોઈના આવવાથી અને જવાથી આપણામાં શું ફેર પડે છે? કોઈને મળીને એવું થયું કે આ લાઈફમાં કેમ આવ્યો/આવી?
આપણી લાઈફમાં ત્રણ પ્રકારના લોકો આવે છે. એક એવા કે જે આવે છે પણ ક્યારેય જતા નથી. બસ છેક સુધી આપણામય થઈને રહે છે. બીજા એવા કે જે આવે છે અને જતા રહે છે એની આપણને ખબરય પડતી નથી. અને ત્રીજા લોકો એવા જે આવે છે અને જાય છે પણ શીખ આપીને, પાઠ ભણાવીને… આ જે ત્રીજા નંબરની વ્યક્તિઓ છે એ આપણા માટે બહુ અગત્યની છે. એના ગયા પછીની આપણી લાઈફનો આધાર એણે આપેલી શીખ પર હોય છે. એટલે આપણી લાઈફમાં પ્રવેશ કરનારા દરેક લોકો આપણા નથી હોતા. એમાંના કેટલાંક અનાયાસે આવી જતા હોય છે. આપણને ખબર પણ ન પડે એમ, વગર પરમિશને એન્ટ્રી મારીને આપણી એક્ઝિટ થાય ત્યાં સુધી અડિંગો જમાવીને બેસી જતા હોય છે. જે ખરા અર્થમાં આપણી સાથે કનેક્ટેડ છે એમ કહી શકાય. આ પહેલાં ક્રમે આવતી વ્યક્તિ કે વ્યક્તિઓ છે જેના થકી આપણું જીવન ઝગમગી ઊઠે છે. જ્યારે બીજા નંબરની વ્યક્તિની કોઈ મહત્તા હોતી જ નથી.
પણ એનો મતલબ એવો જરાય નથી કે દરેક માણસ કે જે આપણી લાઈફમાં આવે છે, કેટલાક સમય માટે, એ આપણા જ હોય છે. ખરો ખેલ જ આગળ જે કહ્યું એ મુજબ ત્રીજા નંબરની વ્યક્તિઓ ખેલી જાય છે. આવી વ્યક્તિઓ આપણી હોવાનો ડોળ બહુ સહજતાથી કરી લે છે. અને આપણે એમાં જાણે સોયમાં દોરો પરોવાય એમ પરોવાતા જઈએ છીએ. અને પછી એવી ઘૂંચ પડે છે કે જિંદગીભર એનો છેડો જડતો નથી. એક એવી શીખ મળે છે કે હવે પછી આપણી નજીક આવતી દરેક વ્યક્તિ પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન મૂકી દઈએ છીએ. ખરેખર જોવા જઈએ તો આવા લોકો જ આપણા માટે ખૂબ અગત્યના છે કારણ કે એના થકી આપણને દુનિયાદારીનું ભાન થાય છે.
કેટલાંક લોકોને મળવાથી શરૂઆતમાં ખૂબ સારું લાગે છે. ધીમે ધીમે પરિચય વધતાં સત્ય સામે આવતું જાય છે. પછી એક દિવસ અહેસાસ થાય છે કે ‘કેટલીક’ પસંદગી માત્ર આપણી નાદાનિયત હતી, ભૂલ હતી. હવે સૌથી મોટી વાત એ છે કે એનામાંથી બહાર કેમ આવવું? જે બોન્ડિંગ આપણાથી અનાયાસે એની સાથે થઈ ગયું એમાંથી કેમ છૂટવું? જો આપણે એના દ્વારા મળેલા લેસનની જ નોંધ રાખીએ તો કદાચ એમાંથી નીકળી શકાય એમ હોય છે. પરંતુ આપણે એ વખતે માત્ર એટલું જ વિચારાય છે કે, ‘યાર આ મારી લાઈફમાં કેમ આવ્યો/આવી?’ એટલે કોઈના જવાથી આપણે વધુ દુ:ખી થઈએ છીએ.
બીજું એ કે આપણે કોઈની સાથે રહ્યા પછી ક્યારેય એવું વિચાર્યું કે આપણામાં શું પરિવર્તન આવ્યું? સામેવાળી વ્યક્તિની આપણા પર શું અસર થઈ? આપણી અસર એના પર કેવી અને કેટલી થઈ? એની પોઝિટિવિટી કે નેગેટીવિટિને આપણે ઓળખી શક્યા ખરાં? દરેક વ્યક્તિ પોતાના ઓરા લઈને આવે છે. અને એની અસર આપણા સ્વભાવ, વર્તન, ઈવન વિચારવાની ઢબ પર પણ થાય છે. આ બંને પક્ષે લાગુ પડે. હવે એની જે અસરો આપણા પર પડે છે એ જોઈને આપણે નક્કી કરવાનું છે કે એ વ્યક્તિ આપણામાં જે મૂકીને કે છોડીને ગઈ છે, એને સંઘરીને દુર્ગંધિત થઈ જવાનું છે કે પછી પૂરી તાકાત વાપરીને એનો ઘા કરીને ફેંકી દેવાનું છે. જેમ નકામી એપ ડાઉનલોડ કર્યા પછી ખબર પડે કે યાર આ તો નકામી જગ્યા રોકે છે અને કાઈ કામની પણ નથી. એટલે તરત આપણે અનઇન્સ્ટોલ કરી દઈએ છીએ. આમ જ કેટલીક વ્યક્તિ જે પાછળથી પરખાય છે, એને પારખી લીધા પછી હળવેકથી હૃદયમાંથી અનઈન્સ્ટોલ કરી દેવાની છે. જેથી જગ્યા થઈ શકે. પ્લસ આપણું કામ વગર હેંગ થયે થઈ શકે.
એક લેડીને મળવાનું થયું. એનો પતિ બહુ ટોર્ચર કરતો. કોઈને કહી શકાય નહીં અને સહી પણ શકાય નહીં એવી એની હાલત હતી. એવામાં એક છોકરો એની સાથે દોસ્તી કરે છે. મીઠી મીઠી વાતો કરીને એ યુવક પેલી લેડીને વિશ્ર્વાસમાં લઈ લે છે. એટલે એ બહેન પોતાની તકલીફ એ છોકરા સાથે શેર કરવા લાગે છે. ધીમે ધીમે એ યુવક વાતો કરવાનું ઓછું કરી દે છે. એક સમયે તો સાવ બંધ કરી દે છે. હવે પેલાં બહેનને એ વાતનો ડર છે કે એણે શેર કરેલી દરેક પર્સનલ વાતો એનો કહેવાતો મિત્ર અન્ય કોઈને કહી દેશે તો? એક તો એ લેડી પહેલેથી તકલીફમાં હતા ને કોઈ પર વિશ્ર્વાસ કરી વધુ મુસીબતમાં મુકાયા.
એટલે જ આપણે એ નક્કી કરીને ચાલવું પડશે કે આપણી લાઈફમાં એન્ટ્રી કરનારા દરેક આપણા નથી હોવાના. આવી વ્યક્તિને ઓળખીને જો સંબંધ કેળવીએ તો ઘણીબધી ભૂલોમાંથી બચી શકાય એમ હોય છે. રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેનો ભેદ એમાં નિષ્ણાત માણસ ઈઝીલી પારખી શકે છે. એટલે રિયલ ડાયમંડ એ રિયલ જ રહે છે. એમ આપણી સાથે જોડાયેલા, આપણી લાઈફમાં આવતા ‘રિયલ ડાયમન્ડ’ પારખવા ઉત્તમ નિષ્ણાત બનવા ઘસાવું તો પડે જ છે. મુખોટાં પહેરેલાં માણસો, દંભરૂપી આંચળો ઓઢેલા માણસોની લાંબાગાળાની અસરમાંથી પણ ધીરે ધીરે મુક્ત થઈ શકાય છે. પણ આપણે રહ્યા લાગણીઘેલા એટલે એમાં તણાયા જ કરીએ છીએ. પછી એ પ્રચંડ પૂરમાં બરબાદ થવાનો વારો જે તે વ્યક્તિનો આવે છે.
આપણા મોબાઈલમાં કેટલાંક નંબરો એવા હોય છે કે નથી એને કોલ કે મેસેજ કરી શકતા કે નથી બ્લોક કરી શકતા. આ માત્ર નંબર્સ નથી, પણ આપણી જિંદગીની સૌથી મોટી શીખ આપીને ગયેલી એવી વ્યક્તિઓ છે જેણે આપણને એ શીખવાડ્યું કે આપણી લાઈફમાં પ્રવેશનારા દરેક માણસો વિશ્ર્વાસને લાયક હોતા નથી. આમાંથી ઘણા એવા પણ હોય છે કે જેને આપણે ઇચ્છીએ તો પણ આપણી લાઈફમાંથી દૂર નહિ કરી શકીએ. એ સમયે તો વધુ તકલીફ થાય છે. જેમ કે આપણા નજીકના સગા સંબંધીમાં જ આવું કોઈક હોય. જેને ક્યારેક તો મળવાનું થાય. આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાં સાથી કર્મચારીને પણ રોજ મળવાનું થાય. આ એવા લોકો છે જે નથી ગમતાં, જેણે આપ્યું કાંઈ જ નથી, પણ આપણું સુખચેન છીનવી લીધું છે, એને ફિઝિકલી ઇગ્નોર કરી શકાતા નથી. પણ મેન્ટલી એ આપણી આસપાસ છે જ નહીં એવું માનીને એની અસરમાંથી કેટલાંક અંશે મુક્ત થઈ શકાય એમ હોય છે.
———
કલાઇમેકસ:
‘વિશ્ર્વાસ’ અને ‘ભરોસો’ શબ્દ મારી ડિક્શનરીમાં વૅન્ટિલેટર પર છે જ્યારથી તે એનો સાચો મતલબ શીખવ્યો…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular