પ્રથમેશ મહેતા

‘ખલ્લાસ ગર્લ’ તરીકે બોલીવૂડમાં ધૂમ મચાવનાર અભિનેત્રી ઈશા કોપ્પીકરે તાજેતરમાં જ રામ ગોપાલ વર્માની વેબ સિરીઝ ‘દહનમ’થી પુનરાગમન કર્યું હતું. ‘કાંટે’, ‘પિંજર’, ‘ક્યા કૂલ હૈં હમ’ અને ‘એક વિવાહ ઐસા ભી’, ‘શબરી’ જેવી ફિલ્મોમાં ઈશા કોપ્પીકરને અલગ અલગ લુકમાં જોયા બાદ તે ફરી એક વાર તેની નવી ફિલ્મ ‘લવ યુ લોકતંત્ર’થી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેઓ રાજનેતા ગુલાબ દીદીના રોલમાં જોવા મળશે. તેમની સાથે ખાસ મુલાકાત.
પ્રશ્ર્ન: તમે તમારી આગામી ફિલ્મ ‘લવ યુ લોકતંત્ર’માં રાજકારણી ગુલાબ દીદીનું પાત્ર ભજવી રહ્યાં છો. સાંભળ્યું છે કે આ પાત્ર માટે તમારું વજન વધાર્યું છે?
ઈશા: હા, મેં મારા રોલ માટે પાંચ કિલો વજન વધાર્યું છે. વજન વધારવું મારા માટે ડરામણું હતું, કારણ કે તમે જાણો છો કે અમને અભિનેત્રીઓને વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે કેટલી મહેનત કરવી પડે છે. પહેલા લોકડાઉનમાં મેં ઘણું વજન ઘટાડ્યું હતું, પરંતુ આજથી દોઢ વર્ષ પહેલાં જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે મારે પાત્ર માટે વજન વધારવું પડ્યું હતું, તેથી મેં એક લોકડાઉનમાં વજન ઘટાડ્યું અને બીજામાં વધાર્યું. ખરેખર, ગુલાબ દીદી ખૂબ જ મજબૂત અને નિર્દયી રાજકારણી છે. તેમની રાજનીતિ, સત્તા અને કામ સિવાય તેમને કંઈ દેખાતું નથી. આખી ફિલ્મ બે સીએમ વચ્ચેની લડાઈ પર આધારિત રાજકીય વ્યંગ છે. તેની કોમેડી લોકોને હસાવી હસાવીને ઊંધા કરી નાખશે. અદ્ભુત વાત એ છે કે જ્યારે અમે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે અમે વિચાર્યું નહોતું કે આજે આપણી રાજનીતિમાં જે ચાલી રહ્યું છે, તે અમે શૂટ કરી ચૂક્યા હોઈશું. તાજેતરમાં ધારાસભ્યો ગાયબ થયા હતા, કેટલાકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અમે બધાએ દોઢ-બે વર્ષ પહેલાં આનું શૂટિંગ કર્યું હતું. આજના રાજકારણમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તે તમને અમારી ફિલ્મમાં જોવા મળશે. આ જ ફિલ્મની યુએસપી છે.
પ્રશ્ર્ન: શું તમે વાસ્તવિક મહિલા રાજકારણી પાસેથી પ્રેરણા લીધી છે?
ઈશા: ના, મેં કોઈ વાસ્તવિક મહિલા રાજકારણી પાસેથી પ્રેરણા લીધી નથી. તાજેતરમાં, લારા દત્તા અને હવે કંગના રનૌત ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે, રિચા ચઢ્ઢા ‘મેડમ ચીફ મિનિસ્ટર’માં માયાવતી તરીકે જોવા મળી હતી, પરંતુ મારું પાત્ર કાલ્પનિક છે, તે કોઈ વાસ્તવિક જીવનના રાજકારણી પર આધારિત નથી. મારું પાત્ર સંપૂર્ણપણે ડિરેક્ટરના વિઝન પર આધારિત છે.
પ્રશ્ર્ન: હવે તમે રાજકીય મંચ પર પણ જોવા મળો છો. તાજેતરમાં તમે હર ઘર તિરંગા અભિયાનમાં દેખાયાં હતાં.
ઈશા: જુઓ, મેં નીતિન ગડકરીજીના માર્ગદર્શન હેઠળ ૨૦૧૯માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. વિનોદ તાવડે, આશિષ શેલાર અને મારા ભાઈ સમાન હાજીભાઈ અરાફાત શેખ પણ મને માર્ગદર્શન આપવા ત્યાં હતા. હું હાજીભાઈને ઘણા સમયથી ઓળખું છું.
હું રાજકારણમાં એટલે જોડાઈ, કારણ કે મને પીએમ મોદીનું શાસન ગમે છે. જોકે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું રાજકારણમાં પગ મૂકીશ, પરંતુ આજે મને લાગે છે કે આજે હું સમાજના કોઈ સ્થાને પહોંચી છું તો મારે સમાજની સેવા કરવી જોઈએ, પરંતુ આ ત્યારે જ શક્ય છે જો હું મારા પદ અને સંપર્કોને યોગ્ય રીતે ચેનલાઈઝ કરી શકું. મારામાં હંમેશાં સેવાની ભાવના અને સમાજ માટે કંઈક કરવાની ખેવના હતી. શાળામાં પણ જ્યારે અમે ‘ખરી કમાઈ’ માટે લોકોની ગાડીઓ ધોતાં અને અખબારો વેચતાં, ત્યારે પણ એ વાત તો હતી જ. ત્યારે સ્વાભિમાન પણ હતું અને સેવાની ભાવના પણ હતી, તેથી હું રાજકારણ દ્વારા સેવાની આ ભાવનાને આગળ લઈ જવા માગું છું.
પ્રશ્ર્ન: રાજકારણમાં જોડાયા પછી તમે કયા મહિલા મુદ્દાઓ પર કામ કરવા માગો છો?
ઈશા: મુદ્દાઓ ઘણા છે, પરંતુ જ્યારે હું તેમના પર કામ કરીશ ત્યારે હું તેમના વિશે વાત કરવા માગું છું. મને લાગે છે કે શિક્ષણ એ એક મોટી સમસ્યા છે. આપણા દેશમાં તેને મહત્ત્વ મળવું જરૂરી છે. હું માનું છું કે એવી સ્ત્રીઓ છે જે દરેક રીતે સક્ષમ છે, પરંતુ મોટા ભાગની સ્ત્રીઓ પોતાને ઊતરતી ગણે છે. ઘણી છોકરીઓને નાનપણથી જ મનમાં ઠોકી બેસાડાય છે કે મોટાં થઈને તમારે લગ્ન કરીને બાળકો પેદા કરવાં પડશે. આ વિચારસરણી બદલવી પડશે અને તેમાં ઘણાં વર્ષો લાગશે. આ વિચાર શા માટે? શું સ્ત્રી માત્ર બાળક પેદા કરવાનું મશીન છે? હું બાળકો પેદા કરવાની વિરુદ્ધ નથી. ભગવાને આપણને સ્ત્રીઓને સૃષ્ટિનું વરદાન આપ્યું છે, પણ એનો અર્થ એ નથી કે આપણે માત્ર એટલું જ કરીએ. મને લાગે છે કે આજે સ્ત્રી માટે આર્થિક અને ભાવનાત્મક રીતે આત્મનિર્ભર હોવું જરૂરી છે. આ વાત કેટલી હદે યોગ્ય છે કે આપણે સ્ત્રીઓએ આર્થિક અને ભાવનાત્મક અવલંબનને કારણે લગ્ન કરવાં પડે? પરંતુ આ દેશનું સૌથી મોટું ચિત્ર છે. તેની શરૂઆત શિક્ષણથી થાય છે. તે આપણા ઉછેરમાંથી આવે છે. બાળપણથી જ આપણને એડજસ્ટમેન્ટ, ટોલરન્સ અને કોમ્પ્રોમાઈઝની ઘુટ્ટી ખવડાવવામાં આવે છે. મને લાગે છે કે આ પુરુષોને પણ શીખવવું જોઈએ. તાજેતરમાં જ બેંગલુરુમાં એક અકસ્માત પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં એક મહિલાએ તેની બાળકીને બાલ્કનીમાંથી ફેંકી દીધી હતી અને પછી પોતે જ કૂદી પડી હતી, તો તમે વિચારો છો કે તેને આવું કાયર પગલું ભરવાની ફરજ કેમ પડી હશે? તેના તળિયે જવું પડશે. તેણે શા માટે લગ્ન કર્યાં? બાળક કેમ પેદા કર્યું? જો એમ હોય તો તેને શા માટે માર્યું? તેનાં ઘણાં આર્થિક, સામાજિક અને ભાવનાત્મક પાસાંઓ હોઈ શકે છે. આપણા સમાજમાં મા-બાપ પણ દીકરીઓનાં લગ્ન કરાવીને પોતાની ફરજમાંથી મુક્ત થવા માગે છે. આપણા દેશમાં આજ સુધી સ્ત્રી ભ્રૂણહત્યા થાય છે. મહિલાઓના મુદ્દાઓ પર પરિવર્તન લાવવું એ આપણા દેશમાં સૌથી મોટો પડકાર છે, પરંતુ શરૂઆત કરવી પડશે.
પ્રશ્ર્ન: તાજેતરમાં તમે તમારા સોશિયલ મીડિયા પર પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત સાથે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તમે લોકો રિયુનિયન કરતાં જોવા મળો છો?
ઈશા: મેં સંજુ સાથે ‘કાંટે’, ‘કઘઈ કારગિલ’ અને ‘રુદ્રાક્ષ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને તાજેતરમાં અમે ફરી મળ્યાં. વાસ્તવમાં હું તેની સાથે આંતરરાષ્ટ્રીય ટૂર પર શો માટે જવાની છું. ‘સંજુ બાબા ચલે અમેરિકા’ નામની ઇન્ટરનેશનલ ટૂરમાં બીજા ઘણા લોકો છે. અમારી સાથે મનીષ પોલ, શહનાઝ ગિલ, મૌની રોય, બોમન ઈરાની, અરશદ વારસી પણ છે. ખરેખર મુન્નાભાઈની આખી ટીમ છે. યુએસ અને કેનેડા પ્રવાસ કરવાનાં છીએ.
પ્રશ્ર્ન: તાજેતરમાં તમારી વેબ સિરીઝ ‘દહનમ’ આવી, હવે તમારી ફિલ્મ ‘લવ યુ લોકતંત્ર’ આવવાની છે. તમે રાજકારણમાં પણ સક્રિય થયાં છો, તો તમે તમારા ઘર અને દીકરી રિયાનાના ઉછેર વચ્ચે કેવી રીતે સંતુલન રાખો છો?
ઈશા: મારી પુત્રી રિયાના આઠ વર્ષની છે. તે તદ્દન સ્વતંત્ર છે. આજનાં બાળકો ઘણાં હોશિયાર છે. તે મારી સાથે ખૂબ જ જોડાયેલી છે. જોકે મેં તેને તે જ મૂલ્યો આપ્યાં છે, જે મારાં માતા-પિતાએ મને આપ્યાં હતાં.
જ્યારે હું ઘરે હોઉં ત્યારે તન, મન અને ધનથી માત્ર માતા અને પત્ની હોઉં, પણ જ્યારે હું કામ પર હોઉં ત્યારે તેને પણ ખબર હોય છે કે મમ્મા કામ પર ગઈ છે. મારી કારકિર્દી અને કામ માટે મને હંમેશાં મારા પરિવારનો સપોર્ટ મળ્યો છે. ટિમ્મીજી (તેમના પતિ ટિમ્મી નારંગ) ખૂબ જ સપોર્ટ કરે છે અને મને લગ્નના પહેલા દિવસથી જ તેમનો સપોર્ટ મળી રહ્યો છે.

Google search engine