વર્ષે અબજો ડૉલરનો ધંધો કરતી પોર્ન વેબસાઇટોને બંધ કરાવવી શક્ય છે?

ઉત્સવ

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

સમાચાર ચિંતાજનક છે પરંતુ અવગણવા જેવા નથી. તમને ખબર છે પોર્ન ઇન્ડસ્ટ્રી (બીભત્સ ફિલ્મનો ઉદ્યોગ) હોલીવૂડ કરતાં વધુ મોટો છે ? ક્રિકેટ કે ફૂટબોલની મેચ પર રમાતા સટ્ટા કરતાં વધુ રકમની આપ-લે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં થાય છે ? નેટફલીક્સ, એમેઝોન અને ટ્વિટર જેવી સાઇટ્સ પર દર મહિને જેટલા વિઝિટર્સ આવે છે એના કરતાં સેંકડો ઘણા વધારે વિઝિટર્સ પોર્ન સાઇટોની મૂલાકાત લે છે? ‘એક્સ વીડિયોઝ’ નામની એક પોર્ન સાઇટના દર્શકો ન્યૂ યોર્ક ટાઇમ્સ, સીએનએન કે બીબીસીની વેબસાઇટ કરતાં વધારે છે! આ આંકડા તો હજી શરૂઆત છે. રોજેરોજ પોર્ન ઇન્ડસ્ટ્રી વધુને વધુ ફૂલીફાલી રહી છે.
૧૩ થી ૨૪ વર્ષના કિશોર, કિશોરીઓ અને યુવાન, યુવતીઓમાંથી ૬૪ ટકા જેટલા કયારેક ને ક્યારેક પોર્નોગ્રાફીની વેબસાઇટ જોતા હોય છે. અમેરિકામાં થયેલા સર્વે પ્રમાણે ૨૫ વર્ષથી મોટી મહિલાઓ કરતાં ટીનએજ યુવતીઓમાં પોર્ન જોવાનું પ્રમાણ વધારે છે. ૧૪ થી ૧૯ વર્ષની યુવતીઓના થયેલા અભ્યાસ પછી એવું તારણ નીકળ્યું છે કે પોર્નોગ્રાફી જોનાર યુવતીઓ વધુ પ્રમાણમાં બળાત્કાર કે શારીરિક હિંસાનો ભોગ બને છે. સ્વિડનમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે ૧૮ વર્ષની ઉંમરના જે યુવાનો પોર્નોગ્રાફીની વેબસાઇટ પર વધુ સમય પસાર કરે છે તેઓ સેક્સ માટે વધુ પૈસા ખર્ચે છે અને પોતાનું શરીર પણ સેક્સ માટે વધુ પ્રમાણમાં વેચે છે. વિવિધ દેશોમાં થયેલા ૨૨ જેટલા અભ્યાસો પરથી પુરવાર થયું છે કે વારંવાર પોર્નોગ્રાફી જોનારાઓમાં શારીરિક આક્રમકતાનું પ્રમાણ તો વધુ હોય જ છે, પરંતુ તેઓ સેક્સને લગતા વધુ ગુનાઓ પણ કરે છે. હાલમાં જ યુ.કે.માં થયેલા એક સર્વે પ્રમાણે ૧૧ થી ૧૬ વર્ષની ઉંમરના કિશોરોમાંથી જેઓ પોર્નોગ્રાફી જોતા હતા એમાંથી ૪૪ ટકાને વિકૃત સેક્સ માણવા માટેના વિચારો આવ્યા હતા. ઇન્ટરનેટ પર વેબસાઇટ ડાઉનલોડ કરનારાઓમાંથી ૩૫ ટકા જેટલા પોર્ન વેબસાઇટ ડાઉનલોડ કરે છે. ૩૪ ટકા જેટલા ઇન્ટરનેટ વાપરનારાઓ અજાણતા જ જાહેરખબર કે પોપ-અપ દ્વારા પોર્નોગ્રાફી જુએ છે. એક અહેવાલ પ્રમાણે છેલ્લા છ વર્ષ દરમિયાન યુવાન અને યુવતીઓને સમાવિષ્ટ કરતી પોર્ન વેબસાઇટો સર્ચ કરવાનું પ્રમાણ ૩૦ ગણું વધી ગયું છે. ઇન્ટરનેટ પર આપ-લે થતા ડેટાઓમાંથી ૩૦ ટકા જેટલા ડેટા પોર્નને લગતા હોય છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં ૧૦ લાખથી વધુ સ્ત્રી-પુરુષો પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે.
ભારત સરકારે ચાઇલ્ડ પોર્નોગ્રાફી એટલે કે બાળકોને સામેલ કરતી બીભત્સ ફિલ્મો સામે કડક કાયદા બનાવવાનું નક્કી કર્યું છે. જોકે આજના ઇન્ટરનેટ યુગમાં એ કાયદાનો કેટલો અમલ થશે એ આપણે જાણતા નથી. આજે ૧૦માંથી ૯ વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન હોય છે અને આ દરેક સ્માર્ટ ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય એટલે પોર્નોગ્રાફી જોવાનું અઘરું નથી. છેલ્લા કેટલાક સમયથી વિશ્ર્વ આખામાં બાળકોની પોર્નોગ્રાફીનો વ્યવસાય, ઓનલાઇન બિઝનેસમાં ટોચ પર છે ફક્ત અમેરિકામાં જ ૬,૨૪,૦૦૦ જેટલાં બાળકોની પોર્નોગ્રાફીનો ઓનલાઇન વ્યવસાય કરનારાઓને ઓળખી કાઢવામાં આવ્યા છે.
એક અંદાજ પ્રમાણે વિશ્ર્વ આખામાં દર વર્ષે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ૯૭ બિલિયન અમેરિકન ડૉલરનો વ્યવસાય થાય છે. ૨૦૧૮ના વર્ષમાં ૫,૫૧૭,૦૦૦,૦૦૦ જેટલા કલાકો પોર્ન પ્રેમીઓએ ઓનલાઇન પોર્નોગ્રાફી જોવા માટે વાપર્યા હતા. વિશ્ર્વની ૩૦૦ થી વધુ સૌથી લોકપ્રિય વેબસાઇટોમાંથી ૧૧ વેબસાઇટો પોર્નોગ્રાફીની જ છે. લેઝબિયન એટલે કે સજાતીય સ્ત્રીઓને લગતી પોર્નોગ્રાફી જોનારાઓની સંખ્યા સૌથી વધુ છે. નવાઇની વાત એ છે કે વિશ્ર્વની મોટી ફ્રી પોર્ન સાઇટો પર પણ ૨૦૧૮ના વર્ષ દરમિયાન ૩૩,૫૦૦,૦૦૦,૦૦૦ લોકોએ વિઝિટ કરી હતી.
ઉપરના બધા આંકડા વાંચીને તમે કદાચ ચોંકી ગયા હશો, પરંતુ સરકાર અને સમાજ દ્વારા જાગૃતિ લાવવાની કોશિશ કરવા છતાં મોટા ભાગના લોકો એમ માને છે કે પોર્નોગ્રાફી જોવામાં કંઈ ખોટું નથી. હકીકત આનાથી વિપરીત છે. છેલ્લા થોડા સમય દરમિયાન ભારતમાં બાળકીઓ (કે બાળક) પર થયેલા બળાત્કારો કે જાતીય હિંસાના કિસ્સામાં પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મોટા ભાગના આરોપીઓએ એમના ગુનાહિત કૃત્યના થોડા દિવસો પહેલાં પોર્નોગ્રાફી જોઇ હતી અને એને કારણે એમના મગજમાં વિકૃતિ ઘૂસી ગઈ હતી.
‘પોર્ન’ શબ્દ કદાચ વિશ્ર્વમાં સૌથી ઓછો બોલાતો શબ્દ હશે, આમ છતાં વિશ્ર્વમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જિંદગીમાં એક વાર પણ પોર્નોગ્રાફી નહીં જોઈ હોય. અમેરિકા તેમ જ યુરોપનાં કેટલાક દેશોમાં તો ટ્રિપલ એક્સ ફિલ્મો થિયેટરમાં પણ રિલીઝ થતી હોય છે. જોકે એમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેના સામાન્ય જાતીય આવેગનાં દૃશ્યો હોય છે, પરંતુ વિકૃત કે ચાઇલ્ડ સેક્સના દૃશ્યો મોટે ભાગે સેન્સર કરી નાખવામાં આવે છે. આમ છતાં હોલીવૂડમાં કેટલીક ફિલ્મોમાં વાર્તાને આગળ ધપાવવાના બહાને આવાં દૃશ્યો બિન્દાસ્ત રીતે દર્શાવવામાં આવે છે. આપણે ત્યાં પણ હવે વિવિધ વેબ સિરીઝ, જેવી કે સેક્રેડ ગેઇમ્સ કે મિરઝાપુરમાં ખૂલીને નગ્ન દૃશ્યો બતાવાયાં હતા જ. આવા દૃશ્યોમાં કળાત્મકતા કરતાં દર્શકોને જબરદસ્તીથી ગલગલિયાં કરાવવાનો હેતુ વધુ દેખાય છે.
એક જમાનામાં હોલીવૂડના કેટલાક સુપરસ્ટારોએ પણ કરિયરની શરૂઆતમાં પોર્નોગ્રાફી ફિલ્મોમાં કામ કર્યું હતું. અમેરિકામાં તો કેટલાક પોર્ન ફિલ્મોના સ્ટાર્સ એટલી તગડી ફી લે છે કે ત્યાંના પ્રથમ હરોળના હીરો કે હીરોઇન પણ એટલી તગડી ફી લેવાની કલ્પના કરી શકે નહીં. જોકે પોર્નોગ્રાફી વ્યવસાય ફક્ત અમેરિકા પૂરતો સીમિત રહ્યો નથી. એશિયાના કેટલાક ગરીબ દેશોમાં તો બાળકોથી માંડીને યુવાન યુવતીઓને આવી ફિલ્મમાં કામ કરાવીને એમનું ભારે શોષણ થાય છે. ભારત સહિત બાંગ્લાદેશથી માંડીને વિયેટનામ અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં આવી ફિલ્મનો વ્યવસાય કરનારાઓ દિવસો સુધી કેટલીક બદનામ હોટલો ભાડે રાખીને ફિલ્મ શૂટિંગ કરવાના બહાને પોર્નોગ્રાફી ફિલ્મો બનાવે છે. આવી ફિલ્મોમાં એકાદવાર અકસ્માતે કામ કરનાર યુવતીઓને પાછળથી ડ્રગ્સના બંધાણી બનાવી દેવામાં આવે છે અને તેમનું વારંવાર શોષણ થાય છે. હંમેશ માટે આવી યુવતીઓ નર્ક જેવા માહોલમાં ધકેલાય જાય છે અને પછી કેટલીક યુવતિઓને વૈશ્યા વ્યવસાય તરફ વાળી દેવામાં આવે છે. અમેરિકામાં પણ પોર્નોગ્રાફીના વ્યવસાયમાં કેટલીક હદે કાયદેસર રીતે સંરક્ષણ મળે છે, પરંતુ ત્યાં પણ બે નંબરમાં એશિયાના બીજા દેશોની જેમ જ
યુવતીઓની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવામાં આવે જ છે.
કમનસીબે આપણે ત્યાં જેમ ડ્રગ અને દારૂની બદી નાથવા માટે સત્તાધીશોએ કેટલાક સ્પેશિયલ સેલ ઊભા કર્યા છે એ રીતે પોર્નોગ્રાફી વ્યવસાય પર રોક લગાવવા માટે હજી કોઈ સેલની સ્થાપના થઈ નથી. જો વિશ્ર્વના તમામ દેશો આ બાબતે હજી પણ જાગૃત નહીં થાય તો ભવિષ્યમાં આ બદી કેટલાનો ભોગ લેશે એ તો સમય જ કહેશે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.