ભારત આર્થિક મંદી તરફ ધકેલાઈ રહ્યું છે?

વીક એન્ડ

કવર સ્ટોરી-પ્રથમેશ મહેતા

૫મી ઓગસ્ટે રિઝર્વ બેન્કના ગવર્નરે રેપો રેટમાં વધારો કર્યો. જીડીપી, મોંઘવારી, મંદી વિષે તેમણે પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યા. વિશ્ર્વની પરિસ્થિતિ અને તેની સરખામણીમાં ભારતની સ્થિતિનો ઉલ્લેખ પણ કર્યો. આપણા જેવા સામાન્ય લોકોને અર્થશાસ્ત્રની તકનિકી ભાષામાં કંઈ ન સમજાય, પણ એટલું સમજાય કે રિઝર્વ બેન્કના ગવર્નરનાં નિવેદનો અને રેપો રેટ પરિવર્તન ભારતના અર્થતંત્ર વિષે સંકેત આપે છે અને શેરબજાર ઉપરનીચે થાય છે. ચાલો, આપણે થોડું ઊંડાણમાં સમજવા પ્રયત્ન કરીએ કે આ મોંઘવારી અને મંદી આખરે છે શું?
મંદીનો અર્થ એ છે કે કોઈ પણ વસ્તુ ધીમી પડે છે અથવા લાંબા સમય સુધી સુસ્ત થઈ જાય છે અને જ્યારે આ અર્થતંત્રના સંદર્ભમાં કહેવામાં આવે છે ત્યારે તેને આર્થિક મંદી કહેવાય છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થા લાંબા સમય સુધી ધીમી અને સુસ્ત બને છે ત્યારે તે પરિસ્થિતિને આર્થિક મંદી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
સોમવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ભારતમાં આર્થિક મંદીને લગતી આશંકાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાં જવાનો સવાલ જ ઊભો થતો નથી, પરંતુ સવાલ એ થાય છે કે દેશની અર્થવ્યવસ્થા મંદીમાં કેવી રીતે જાય છે?
મંદી ક્યારે આવે છે?
જ્યારે અર્થતંત્રમાં જીડીપી વૃદ્ધિ સતત બે ત્રિમાસિક ગાળા માટે ઘટે છે ત્યારે તેને તકનિકી રીતે મંદી કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહીએ તો, જ્યારે અર્થવ્યવસ્થા વધવાને બદલે ઘટવા લાગે છે અને આ સતત કેટલાંક ક્વાર્ટર સુધી ચાલુ રહે છે ત્યારે દેશમાં આર્થિક મંદીની સ્થિતિ શરૂ થાય છે.
આ સ્થિતિમાં મોંઘવારી અને બેરોજગારી ઝડપથી વધે છે, લોકોની આવકમાં ઘટાડો થવા લાગે છે, શેરબજારમાં સતત ઘટાડો જોવા મળે છે. માત્ર દેશના જીડીપીના આંકડા (દેશમાં એક વર્ષમાં ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું કુલ મૂલ્ય) દર્શાવે છે કે દેશની અર્થવ્યવસ્થા ફૂલીફાલી રહી છે અથવા મંદીનાં વાદળો ઘેરાવા લાગ્યાં છે.
મંદી અને સ્ટેગફ્લેશન વચ્ચે
શું તફાવત છે?
મંદીની સાથે અર્થતંત્રના સંદર્ભમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો બીજો શબ્દ સ્ટેગફ્લેશન છે. સ્ટેગફ્લેશન એ પરિસ્થિતિ છે જ્યારે અર્થતંત્ર સ્થિર થઈ જાય છે. મંદીમાં જ્યાં અર્થવ્યવસ્થામાં ઘટાડો થાય છે, સ્ટેગફ્લેશનમાં અર્થતંત્ર ન તો વધે છે કે ન ઘટે છે. એટલે કે વૃદ્ધિ શૂન્ય છે.
વિશ્ર્વભરના દેશો હાલમાં મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. તેમાં વિશ્ર્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોનો સમાવેશ થાય છે. પ્રથમ કોરોના રોગચાળા, રશિયા-યુક્રેન યુદ્ધ અને હજી પણ લોકડાઉનના પડછાયામાં રહેલાં ચીનનાં ઘણાં મોટાં શહેરોને કારણે માલસામાનની સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પડ્યો છે. તેના કારણે વૈશ્ર્વિક સ્તરે મંદીના ડંકા સંભળાવા લાગ્યા છે. વધતા જતા ફુગાવાને ઘટાડવા માટે મોટા ભાગના દેશોની મધ્યસ્થ બેંકો તેમના વ્યાજદરોમાં વધારો કરી રહી છે, ભારત પણ તેમાંથી એક છે, પરંતુ ઊંચા વ્યાજદરો આર્થિક પ્રવૃત્તિને અવરોધે છે.
ફોર્બ્સ એડવાઈઝરમાં પ્રકાશિત એક લેખ અનુસાર, ૧૯૭૦ના દાયકામાં અમેરિકામાં ભારે મોંઘવારી એક મોટી સમસ્યા બની ગઈ હતી. ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો, જેના કારણે મંદી આવી. આર્થિક બાબતો અને જેએનયુના પ્રોફેસર રહી ચૂકેલા અરુણ કુમારનું પણ માનવું છે કે વ્યાજદરમાં વધારાને કારણે બજારમાં માગ ઘટે છે અને માગ ઓછી થવાને કારણે અર્થવ્યવસ્થાનો વિકાસ દર પણ ધીમો પડી જાય છે.
જોકે ડિફ્લેશન અર્થાત્ કે ફુગાવાના દરમાં તીવ્ર ઘટાડો પણ મંદીનું કારણ બની શકે છે. મોંઘવારી કરતાં ડિફ્લેશન વધુ ખતરનાક છે. ડિફ્લેશનને કારણે ભાવ ઘટે છે, જેના કારણે લોકોનો પગાર ઘટે છે અને વસ્તુઓના ભાવ વધુ નીચે આવે છે. સામાન્ય લોકો અને ઉદ્યોગપતિઓ ખર્ચ કરવાનું બંધ કરી દે છે, જેનાથી અર્થવ્યવસ્થા નબળી પડી જાય છે અને મંદી દરવાજો ખટખટાવવા લાગે છે. ૧૯૯૦ના દાયકામાં જાપાનમાં મંદીનું કારણ અતિશય ડિફ્લેશન હતું.
ભારતમાં મંદી ક્યારે આવી?
જો આપણે ભારતીય રિઝર્વ બેંકના જીડીપી ગ્રોથ ડેટા પર નજર કરીએ તો ભારતમાં આઝાદી પછી કુલ ચાર મંદી જોવા મળી છે. તે વર્ષ ૧૯૫૮, ૧૯૬૬, ૧૯૭૩ અને ૧૯૮૦માં આવી હતી.
૧૯૫૭-૫૮ની વચ્ચે ભારતે તેની અર્થવ્યવસ્થામાં પ્રથમ ઘટાડો નોંધ્યો જ્યારે જીડીપીનો વિકાસ દર માઈનસમાં ગયો. આ વર્ષે જીડીપી વૃદ્ધિ દર -૧.૨ ટકા નોંધાયો હતો.
તેની પાછળનું કારણ આયાત બિલમાં ભારે વધારો હતો, જે ૧૯૫૫ અને ૧૯૫૭ વચ્ચે ૫૦ ટકાથી વધુ વધ્યું હતું. ગંભીર દુષ્કાળના કારણે નાણાકીય વર્ષ ૧૯૬૫-૬૬માં ભારતની જીડીપી વૃદ્ધિ ફરીથી નકારાત્મક રહી. તે વર્ષે તે -૩.૬૬% હતો, તો ૧૯૭૩ની મંદીનું કારણ તેલ સંકટ બન્યું. ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ પ્રોડ્યુસિંગ આરબ ક્ધટ્રીઝે તમામ દેશોને તેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો જે યોમ કિપ્પુર યુદ્ધમાં ઈઝરાયલ સાથે હતા. તેના કારણે છેલ્લા કેટલાક સમયથી તેલના ભાવમાં ૪૦૦ ટકાનો વધારો થયો હતો. ૧૯૭૨-૭૩માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર -૦.૩ ટકા હતો.
છેલ્લું એટલે કે વર્ષ ૧૯૮૦માં મંદીનું કારણ ઈરાની ક્રાંતિ હતી. ઈરાની ક્રાંતિના કારણે વિશ્ર્વભરમાં તેલ ઉત્પાદનને મોટો ફટકો પડ્યો હતો. તેલની આયાતના ભાવમાં ઝડપથી વધારો થયો હતો.
ભારતનું તેલ આયાત બિલ પણ લગભગ બમણું થઈ ગયું હતું અને ભારતની નિકાસમાં આઠ ટકાનો ઘટાડો થયો. વર્ષ ૧૯૭૯-૮૦માં ભારતનો જીડીપી ગ્રોથ -૫.૨ ટકા હતો.
વર્ષ ૨૦૨૦માં જ્યારે આખું વિશ્ર્વ કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયું હતું, ત્યારે ફરી એક વાર ભારતની અર્થવ્યવસ્થાની હાલત કફોડી થઈ ગઈ હતી.
પૂર્વ રાજ્યસભા સાંસદ અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મંદી પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણના નિવેદનને યોગ્ય ઠેરવતાં ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેઓ કહે છે, ‘ભારત મંદીમાં જવાનો સવાલ જ ઊભો થતો નથી, નાણાપ્રધાન સાચાં છે, કારણ કે ગયા વર્ષે જ ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાં ગઈ હતી.’
ઘણી વખત પોતાની જ પાર્ટીના નેતાઓને સવાલોના ઘેરામાં લઈ ચૂકેલા સુબ્રમણ્યમ સ્વામીની આ ટિપ્પણીને કેટલી ગંભીરતાથી લેવી જોઈએ તેવા પ્રશ્ર્નના જવાબમાં આર્થિક બાબતોના નિષ્ણાત અને જેએનયુના પૂર્વ પ્રોફેસર અરુણ કુમારનું કહેવું છે કે સુબ્રમણ્યમ સ્વામીની વાતને સાવ ખોટી ન કહી શકાય. દેશની અર્થવ્યવસ્થા પહેલેથી જ સ્ટેગફ્લેશનમાં છે અને હવે તે મંદી તરફ આગળ વધી રહી છે.
તેઓ કહે છે, ‘નિર્મલા સીતારમણ જે પણ દાવાઓ અથવા આંકડાઓ રજૂ કરી રહ્યાં છે, તે સંગઠિત ક્ષેત્રના ટાંકીને આપી રહ્યાં છે. તેમાં અસંગઠિત ક્ષેત્રના આંકડાઓ સામેલ નથી. એ વાત એકદમ સાચી છે કે સંગઠિત ક્ષેત્ર સારું કામ કરી રહ્યું છે, પરંતુ અસંગઠિત ક્ષેત્રની સ્થિતિ બગડી રહી છે. તેમની બગડતી સ્થિતિને કારણે જ માગ સંગઠિત ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે. સરકારે પહેલાં જણાવવું જોઈએ કે અસંગઠિત ક્ષેત્રમાં કેટલો વિકાસ થઈ રહ્યો છે, પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ. ફક્ત સંગઠિત ક્ષેત્રના ડેટાનો ઉલ્લેખ કરીને તમે એમ ન કહી શકો કે મંદી ન હોઈ શકે.’
અરુણ કુમારનું કહેવું છે કે વ્યાજદર વધી રહ્યા છે, વિશ્ર્વના અન્ય દેશો પણ વ્યાજદરમાં વધારો કરી રહ્યા છે, તેનાથી સમગ્ર વિશ્ર્વમાં માગ ઘટશે. ‘બીજી તરફ, રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીનનાં મોટાં શહેરોમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે સપ્લાય ચેઇનને અસર થઈ છે, જેની અસર એ છે કે ફુગાવો ઓછો નથી થઈ રહ્યો, તેથી જ્યાં સુધી ફુગાવો વધતો રહેશે ત્યાં સુધી અસંગઠિત ક્ષેત્રો પ્રભાવિત થશે અને આપણી અર્થવ્યવસ્થા ધીમી પડવા તરફ જશે.’
પ્રોફેસર અરુણ કુમાર જણાવે છે કે કોઈ પણ દેશને મંદીમાંથી બહાર કાઢવા માટે સૌથી પહેલાં તેની અર્થવ્યવસ્થામાં રોકાણ વધારવું જરૂરી છે. રોકાણ વધશે તો રોજગારીનું સર્જન થશે, લોકોના હાથમાં પૈસા આવશે અને તેમની ખરીદશક્તિ વધશે.
ભારતના સંદર્ભમાં રોજગાર એ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાને રોજગાર ગેરંટી યોજના દ્વારા શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ઉકેલી શકાય છે. સાથે જ, જીએસટી દર જેવા પરોક્ષ કરને પણ ઘટાડવાની જરૂર છે. જો ઉત્પાદનો પર જીએસટી ઘટશે તો લોકોની બચત વધશે અને તેઓ બજારમાં વધુ રોકાણ કરશે.
સરકારે જીએસટી સુધારાઓ પર પણ વિચારવાની જરૂર છે. જીએસટી દ્વારા અસંગઠિત ક્ષેત્રને ભારે ફટકો પડ્યો છે. આ ઉપરાંત, સરકારે જે સતત નફાકારક છે એવા કોર્પોરેટ ક્ષેત્ર પર વિન્ડફોલ ટેક્સ વસૂલવાની જરૂર છે. વિન્ડફોલ ટેક્સ એક એવો પ્રકાર છે, જે સરકાર કંપનીઓ પર લાદે છે. જ્યારે કંપની કોઈ માધ્યમ દ્વારા નફો કરે છે, ત્યારે તેને વિન્ડફોલ પ્રોફિટ કહેવામાં આવે છે.
સરકાર કંપનીના આ નફા પર ટેક્સ વસૂલે છે, તેથી તેને વિન્ડફોલ ટેક્સ કહેવામાં આવે છે. એટલે કોર્પોરેટ કંપનીઓ પર ટેક્સ લગાવવાથી, પરોક્ષ ટેક્સ ઘટાડવામાં સરળતા રહેશે. તેનાથી સામાન્ય લોકોનાં ખિસ્સાંમાં વધુ પૈસાની બચત થશે અને તેઓ વધુ રોકાણ કરવા સક્ષમ બનશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.