રંગીન ઝમાને -હકીમ રંગવાલા

‘બસંતી, ઇન કુત્તોં કે સામને મત નાચના’ એવું બસંતીને કહેનાર વીરુ હજી છે, બસંતી અને જય પણ છે, પણ જેમની સામે બસંતીને નાચવાની મનાઈ કરી હતી એમાંથી કોઈ હવે લગભગ નથી!
‘શોલે’. મુંબઈના મિનર્વા ટોકીઝમાં સાત વરસ સુધી લાગલગાટ ચાલ્યું હતું અને આ થિયેટરમાં પંદરસો દર્શકોની બેઠક ક્ષમતા હતી. સતત પાંચ વરસ તો રનિંગ બધા શોમાં ‘શોલે’ ચાલ્યું હતું! આ પહેલાં કલકત્તાના એક થિયેટરમાં અશોક કુમારની ‘કિસ્મત’ ફિલ્મ લાગલગાટ ૩ વરસ સુધી ચાલી હતી. હિન્દુસ્તાનનાં અસંખ્ય શહેરો અને ગામોમાં ‘શોલે’ ફિલ્મ સૌથી વધારે ચાલી હતી.
‘શોલે’ કોઈ સ્વાંગસંપૂર્ણ ફિલ્મ નહોતી, અનેક ખામીઓ પણ હતી અને કોઈ પણ રીતે એકમાત્ર યુનિક મૌલિક ફિલ્મ પણ નહોતી.
જાપાની ફિલ્મ દિગ્દર્શક અકિરા કુરોસોવાએ એક ફિલ્મ બનાવેલી ‘સેવન સમુરાઈ’. આ ફિલ્મ આખી દુનિયામાં જોવાઈ અને અનેક ભાષાઓમાં આ ફિલ્મ પરથી પ્રેરણા લઈને ફિલ્મો બની છે. ઇંગ્લિશમાં ‘મેગ્નિફિશન્ટ સેવન’ બનેલી અને હિન્દીમાં ‘શોલે’, ‘ખોટે સિક્કે’, ‘ચાઈના ગેટ’ વગેરે ફિલ્મો બની. ‘શોલે’ ફિલ્મમાં સલીમ-જાવેદે પશ્ર્ચિમના સર્જક સર્જિયો લીઓનીની ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન ધ વેસ્ટ’માંથી આખી સિક્વન્સ ઉપાડેલી છે, ઠાકુરના પરિવારને ખતમ કરી નાખતા ક્રૂર ગબ્બર સિંહવાળી સિક્વન્સ બેઠ્ઠી ઉપાડેલી છે. એટલે ‘શોલે’ ફિલ્મ પર પશ્ર્ચિમનો સ્પષ્ટ પ્રભાવ છે જ, પણ એમ છતાં સલીમ-જાવેદ આ ફિલ્મને અસલી ભારતીય ટચ આપવામાં સો ટકા સફળ રહ્યા છે.
નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપરાનાં પત્ની અનુપમા ચોપરા ફિલ્મો વિશે લખે છે અને એમણે એક કિતાબ ‘શોલે’ ફિલ્મ પર જ લખી છે. આ કિતાબ ‘શોલે’ બન્યાનાં લગભગ ૪૫ વર્ષ પછી લખાઈ છે એ જ બતાવે છે કે ‘શોલે’ ફિલ્મ હિન્દી ફિલ્મના ઇતિહાસમાં એક આભૂષણ છે. અનુપમા ચોપરા લખે છે કે ‘ફિલ્મની ટ્રાયલ માટે સમય બચ્યો નહોતો, પણ અંતના રિ-શૂટિંગ વખતે થોડા કલાકારોએ બેંગલોરમાં રશ પ્રિન્ટ જોઈ હતી. શો પૂરો થયો ત્યારે મેકમોહનની આંખમાં આંસુ હતા. બધાએ થોડું પીધું પણ હતું આથી બધાને લાગ્યું કે મેક કદાચ સેન્ટિમેન્ટલ થઈ ગયો છે. ‘ક્યા હુઆ, મેક?’ બધાએ હસતાં હસતાં પૂછ્યું, ‘પાગલ હો ગયા ક્યા, પિક્ચર ઇતની અચ્છી લગી કે રો રહા હૈ?’ મેકે કોઈ જવાબ ન આપ્યો, પણ થિયેટરમાંથી બહાર નીકળતી વખતે એણે રમેશને પૂછ્યું, ‘રમેશજી, આવું કેવી રીતે બન્યું? હું તો ફિલ્મમાં એક એક્સ્ટ્રા બનીને રહી ગયો છું. મને સાવ એડિટ કરી કાઢી નાખવો હતોને! મારે નથી જોઈતું.’ રમેશે જવાબ આપ્યો, ‘મેક, જિતના મૈં કાટ સકતા થા, મૈંને કાટા. જિતના સેન્સર કાટ સકતા થા સેન્સરને કાટા. અબ કુછ નહીં હો સકતા. પર એક બાત સુનલે, જો યે પિક્ચર ચલ ગઈ તો લોગ સાંભા કો કભી નહિ ભૂલ પાએંગે.’
એમના શબ્દો ભવિષ્યવાણી પુરવાર થયા! સાંભા કદાચ સિનેજગતનું એકમાત્ર પાત્ર હશે કે જે ફક્ત ત્રણ શબ્દોથી અમર થઈ ગયું હોય – ‘પૂરે પચાસ હઝાર.’
આગળ અનુપમા ચોપરા લખે છે કે ‘પોલિડોરવાળા વિમાસણમાં હતા. તકલીફ શું હતી? પોલિડોરે તેમના મેનેજરોને પ્રેક્ષકો સાથે થિયેટરમાં બેસી ‘શોલે’ જોવા મોકલ્યા. તેમણે જોયું કે સંવાદોને જબરદસ્ત પ્રતિસાદ
મળી રહ્યો છે. દેખીતી રીતે ‘શોલે’નાં દૃશ્યો અને સંવાદો એટલાં મજબૂત હતાં કે ગીતો પર કોઈનું ધ્યાન જ ન જતું. જો પોલિડોરે વધારે રેકર્ડ વેચવી હોય તો તેમણે પ્રેક્ષકોને થિયેટર છોડીને જતી વખતે જે યાદ રહ્યું હોય તે જ આપવું જોઈએ. ‘શોલે’ રજૂ થવાના મહિના પછી પોલિડોરે ખાસ પસંદ કરેલા સંવાદો ભરેલી અને ગબ્બરના ચહેરાને ચમકાવતી ૫૮ મિનિટની રેકોર્ડ બજારમાં મૂકી.
આ રણનીતિ સફળ થઈ. રેકોર્ડ એવી ચપોચપ વેચાવા લાગી કે પોલિડોરવાળા થાકી ગયા. રેકોર્ડનો એક જથ્થો તો ટેક્નિકલ ખામીવાળો હતો એટલે કંપનીએ રોકી રાખેલો, એ જથ્થો પણ ડીલરોએ ઉપાડી લીધો અને એ પણ વેચાઈ ગયો!
આ કિતાબમાં કે બીજે ક્યાંય આપણે વાચ્યું કે સાંભળ્યું નથી, પણ મારા મનમાં ‘શોલે’ના મશહૂર સીન ‘તેરા ક્યા હોગા કાલિયા!’ વિશે એક વાત છે. ‘શોલે’ ૧૯૭૫ના ઓગસ્ટમાં રજૂ થઈ હતી, જ્યારે ‘ગીતા મેરા નામ’ ફિલ્મ જાન્યુઆરી, ૧૯૭૪માં રજૂ થયેલી. આ ફિલ્મ સાધનાએ ડિરેક્ટ કરેલી. ‘ગીતા મેરા નામ’ ફિલ્મમાં પણ આવો જ સીન ફિલ્માવેલો છે. સુનીલ દત્ત જોની નામનો ગેંગસ્ટર બોસ હોય છે અને એની ગેંગનો મેમ્બર જ્યારે વાંકમાં આવ્યો હોય છે ત્યારે એક રમૂજ કરે છે અને એ રમૂજમાં પેલો વાંકમાં આવેલો મેમ્બર મોતના ડરને લીધે હસતો નથી, ત્યારે એની પાસે આવીને સુનીલ દત્ત સવાલ કરે છે, ‘જોની, જબ લતીફા સુનાયે તો ક્યા કરના ચાહીએ?’ પેલો જવાબમાં કહે છે, ‘હંસના ચાહીએ.’ એટલે સુનીલ દત્ત કહે છે, ‘તો ફિર હંસો!’ અને એ મેમ્બર ધીમે ધીમે હસવાનું શરૂ કરીને અટ્ટહાસ્ય સુધી પહોંચે પછી સુનીલ દત્ત એને મારી નાખે છે.
‘શોલે’ના વાંકમાં આવેલા ત્રણ ડાકુઓને ગબ્બર આ જ રીતે મારે છે એ સીન ખૂબ મશહૂર થયો અને એ સંવાદો પણ આજ સુધી વિખ્યાત છે. આપણે જાણતા નથી કે સલીમ-જાવેદે ‘ગીતા મેરા નામ’ જોયા પછી આ સીન પટકથામાં ઉમેર્યો કે પહેલેથી લખાયેલી પટકથામાં આ સીન હતો જ, ઘણી વખત બે જુદા જુદા સર્જકોને એક સરખી પ્રેરણા પણ થતી હોય છે એટલે એવું પણ બને ‘ગીતા મેરા નામ’ના લેખક કે. એ. નારાયણ અને સલીમ-જાવેદને એક સરખી પ્રેરણા પણ થઈ હોય અથવા ‘ગીતા મેરા નામ’ના સીન પરથી પ્રેરણા લઈને સલીમ-જાવેદે આ સીન રચ્યો હોય પણ ખરો. જે હોય તે, પણ ‘શોલે’માં આ સીન કમાલની માવજતથી ફિલ્માવેલો છે. આ સીન વગરની ‘શોલે’ની કલ્પના પણ નથી આવતી.
ફિલ્મનો અંત: મૂળ ફિલ્મમાં ઠાકુર ગબ્બર સિંહને મારી નાખે છે, જે સામે સેન્સર બોર્ડે વાંધો ઉઠાવતાં અંત બદલાવવો પડેલો.
સલીમ ખાનની હિંદુ પત્ની સલમા (મૂળ હિંદુ નામ-સુશીલા ચરક)ના પિતા મુંબઈના વિખ્યાત ડેન્ટિસ્ટ છે, જેનું નામ છે ડો.બલદેવ સિંહ – જેના નામ પરથી ઠાકુરનું નામ રખાયેલું બલદેવ સિંહ. હેમા માલિની સાથે લગ્નની રેસમાં સંજીવ કુમાર પણ હોવાના કારણે ધર્મેન્દ્રએ અંદર ખાને પ્રોડ્યુસર પર દબાણ કરી હેમા માલિની સાથે સંજીવ કુમારનો એકપણ સીન નહોતો આવવા દીધો.
ટ્રેન સિક્વન્સનું શૂટિંગ ત્રણેક સપ્તાહ સુધી મુંબઈ-પૂના રેલવેલાઇન પર આવેલા પનવેલ સ્ટેશન આસપાસ થયેલું.
સલીમ ખાનના કોલેજકાળના બે ખાસ મિત્રો જય સિંહ અને વીરેન્દ્ર સિંહનાં નામો પરથી ‘જય-વીરુ’નાં નામાભિધાન થયેલાં.
અમિતાભ મૌસી પાસે ધર્મેન્દ્રનું માગું લઈને જાય છે એ પ્રસંગ અગાઉ ‘હાફ ટિકિટ’ નામની ફિલ્મમાં આવી ગયેલો.
આટલી બધી તોતિંગ સફળતા છતાં એ વરસના ફિલ્મફેરના મોટા ભાગના એવોર્ડ યશ ચોપરાની ‘દિવાર’ને ફાળે ગયેલા. ‘શોલે’એ માત્ર એક એવોર્ડથી સંતોષ માનવો પડ્યો અને તે એડિટિંગનો! ગબ્બરના રોલ માટે પહેલાં ડેનીને ઓફર કરી હતી, પણ ડેની એ સમયમાં ‘ધર્માત્મા’ ફિલ્મ માટે અફઘાનિસ્તાન જવાનો હતો તેથી તેણે ના પાડતાં તે નવો નવો અમજદ ખાન ખાટી ગયો અને રેસ્ટ ઈઝ હિસ્ટરી… જયંતના પુત્ર અમજદ અને ઈમ્તિયાઝ… એક જમાનામાં જયંત પણ જોરદાર વિલન અને કેરેક્ટર રોલમાં તેમને જોવાની મજા આવતી. પહાડી શરીર અને અવાજ. ‘હિમાલય કી ગોદ મેં’ હજી યાદ છે. ઈમ્તિયાઝે પણ ઘણી ફિલ્મો કરી, પણ સફળતા અમજદ ખાન જેવી ન મળી. ‘ધર્માત્મા’ ફિલ્મમાં ફિરોઝ ખાનના બનેવીનો રોલ કર્યો હતો. ગુજરાતીના પ્રખ્યાત એક્ટર ગિરેશ દેસાઈની દીકરી કૃતિકા દેસાઈ સાથે લગ્ન થયાં છે. ‘શોલે’ માઇલ સ્ટોન છે અને રહેશે… એ. કે. હંગલ, સચીન, લીલા મિશ્રા, મેકમોહન, વિજુ ખોટે, જગદીપ આ બધા માટે યાદ રહેશે. ‘શોલે’ ફિલ્મનું અદ્ભુત ડિરેક્શન કરનાર રમેશ સિપ્પીનું નામ કાયમ માટે હિન્દી ફિલ્મના માંધાતાઓ સાથે જોડાઈ ગયું. હિન્દી ફિલ્મના રસિકોને ફિલ્મના કલાકાર ઉપરાંત કસબીઓનો પરિચય પણ હોય છે, જ્યારે સામાન્ય દર્શકને કસબીઓનાં નામ પણ નથી ખબર હોતાં, પણ ‘શોલે’ એક એવી ફિલ્મ રમેશ સિપ્પીએ બનાવી છે કે કોઈ પણ સામાન્ય દર્શક ‘શોલે’ના ડિરેક્ટર તરીકે રમેશ સિપ્પીનું નામ જાણે છે.
એક કવ્વાલી ‘શોલે’માં હતી, પણ ફિલ્મ ખૂબ લાંબી થઈ જવાથી છેલ્લે આ કવ્વાલી ફિલ્મમાંથી કાઢી નખાયેલી. આ કવ્વાલીના શબ્દો હતા, ‘ચાંદ સા કોઈ ચેહરા પહેલુ મેં ન હો તો ચાંદની કા મઝા નહિ આતા…’ જેનું રેકોર્ડિંગ જ નહીં, ગબ્બર સિંહના અડ્ડામાં શૂટિંગ પણ થઈ ગયેલું એવી આ મસ્ત કવ્વાલીના ચાર પુરુષગાયકો પણ ‘અજોડ’ છે ફિલ્મ ‘શોલે’ની જેમ જ. આ ચાર ગાયકો છે: કિશોર કુમાર, મન્ના ડે, ભૂપિન્દર અને ચોથા ગાયક આ કવ્વાલી લખનાર ગીતકાર આનંદ બક્ષીસાહેબ!
ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત જબરદસ્ત હતું. ગબ્બર સિંહની એન્ટ્રી સાથે સેલો વાયોલિનનો જે પીસ વાગે છે એ પંચમ દાના સહાયક બાસુ ચક્રવર્તીએ વગાડેલો.
‘ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ’ એવી ટેગ લાઈન ‘શોલે’નાં પોસ્ટરોમાં મુકાઈ હતી જે મોઝિસના ‘એક્સોડસ’ નામના ફિલ્મના પોસ્ટર પરથી સીધી જ ઉઠાવી લેવામાં આવેલી! આખી ફિલ્મ ૩૫ એમ.એમ.માં જ શૂટ થઇ હતી અને લંડનમાં બ્લો-અપ કરીને ૭૦ એમ.એમ.માં રજૂ થઈ હતી. એ આઈડિયા અને એ કમાલ દ્વારકા દિવેચાજીનાં હતાં. એક્શન માટે બે ડિરેક્ટર પણ લંડનથી આવ્યા હતા. (કદાચ તેનાં નામ જીમ અને એલન હતાં.)
‘શોલે’ જ્યારે રિલીઝ થઈ ત્યારે પહેલા અઠવાડિયામાં વિવેચકોની ખૂબ ટીકાઓ પામેલી અને થિયેટરમાં પણ પહેલું અઠવાડિયું લોકોનો મિશ્ર પ્રતિસાદ પામેલી. બીજા અઠવાડિયાથી આ ફિલ્મએ જે ગતિ પકડી હતી તે આજ સુધી ફુલ સ્પીડમાં ધોધમાર ચાલી રહી છે! બેંગલોર પાસે એક ગામનો સેટ ઊભો કરીને આખી ફિલ્મ ત્યાં જ ફિલ્માવેલી.
‘શોલે’ હિન્દી ફિલ્મજગતનો એક એવો માઈલ સ્ટોન છે કે જ્યારે પણ હિન્દી ફિલ્મજગતનું ઐતિહાસિક મૂલ્યકરણ કરવામાં આવશે ત્યારે હિન્દી ફિલ્મ ઈતિહાસના બે સ્પષ્ટ ભાગ પડશે ‘શોલે’ પહેલાં અને ‘શોલે’ પછી! ‘શોલે’ ફિલ્મ હિન્દુસ્તાનમાં સૌથી વધુ લોકોએ ટિકિટ ખરીદીને જોઈ હોય એવી ફિલ્મ છે.

Google search engine