આવક વધારવા માટે IRCTCની નવી યોજના, ગ્રાહક ડેટા વેચીને 1000 કરોડ એકત્ર કરશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તેની પાસે રહેલા ગ્રાહકોના જંગી ડેટાનું વેચાણ કરીને રૂ. 1000 કરોડની આવક પેદા કરવાની યોજના બનાવી રહી છે. કોર્પોરેશને કન્સલ્ટન્ટની નિમણૂક માટે ટેન્ડર બહાર પાડ્યા છે. તાજેતરમાં રજૂ કરાયેલા ટેન્ડરમાં જણાવાયું છે કે, IRCTC પાસે ડિજિટલ ડેટાનો વિશાળ ભંડાર છે. IRCTCનું લક્ષ્ય ડિજિટલ મુદ્રીકરણ દ્વારા રૂ. 1,000 કરોડની આવક મેળવવાનું છે.
કોર્પોરેશનના આ પગલાનો ગ્રાહકો દ્વારા વિરોધ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે IRCTC પાસે ગ્રાહકોના વ્યક્તિગત ફોન નંબર, ઘરના સરનામા, ગ્રાહકોના બેંક ખાતાની વિગતો જેવા અત્યંત સંવેદનશીલ ડેટા છે. ગ્રાહકો આ સંવેદનશીલ માહિતી IRCTCને એવી ખાતરી પર સોંપે છે કે તેમનો ડેટા કોઈપણ ત્રીજા પક્ષને આપવામાં આવશે નહીં. જો IRCTC આ ડેટાને થર્ડ પાર્ટી સાથે શેર કરે છે તો તે ગ્રાહકોનો વિશ્વાસ તોડવા સમાન હશે.
કોરોના કાળ દરમિયાન IRCTCને ખોટ ગઇ હોય તો પણ હાલમાં તેની કામગીરી સારી ચાલી રહી છે. IRCTCનો આ નાણાકીય વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો સારો રહ્યો હતો. તેણે તેના ચોખ્ખા નફામાં 198 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેનો ચોખ્ખો નફો રૂ. 245.52 કરોડ થયો હતો. નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેની કામગીરીમાંથી આવક પણ 250.34 ટકા વધીને રૂ. 852.59 કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 22 ના પ્રથમ ક્વાર્ટરમાં આવક રૂ. 246.34 કરોડ રહી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.