Homeઉત્સવઆઈક્યુ અને ઇન્કમ: બહુ ડાહ્યો બહુ ખરડાય

આઈક્યુ અને ઇન્કમ: બહુ ડાહ્યો બહુ ખરડાય

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

એક મોંકાણ’ના સમાચાર છે. સ્વીડનની લિન્કોપિંગ યુનિવર્સિટીમાં એનાલિટિકલ સોશિયોલોજીના પ્રોફેસર માર્ક કયુશિંગ અને તેમની ટીમે એક અભ્યાસમાં કહ્યું છે કે, નોકરીમાં તમને પગાર ઓછો મળતો હોય તેનાથી અથવા અયોગ્ય સહકર્મચારીને વધુ મળતો હોય તેનાથી તમે જો દુ:ખી થતા હો તો, તેનું કારણ બેકદર મેનેજમેન્ટ નહીં, પણ તમારી બુદ્ધિ છે.
યુરોપિયન સોશિયોલોજીકલ રિવ્યૂ પત્રિકાના જાન્યુઆરી અંકમાં પ્રકાશિત, સરવે આધારિત આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉચ્ચતમ બુદ્ધિ હોય તો વાર્ષિક ૫૭,૩૦૦ ડોલરના સ્તર સુધી જ પગાર વધારો થઇ શકે. એ પછી વેતનમાં વધારો ચાલુ રહે છે, પણ વ્યક્તિની ક્ષમતા સ્થિર થઇ જાય છે. અભ્યાસ પ્રમાણે, સૌથી વધુ વેતન મેળવતા ટોચના ૧ ટકા લોકો, બૌદ્ધિક ક્ષમતાની દ્રષ્ટિએ તેમની નીચેના સ્તરે વેતનવાળા લોકો કરતાં બદતર હતા.
દુનિયાભરના સમાજોમાં વેતનની અસમાનતા કેમ છે તેને સમજવાના આશયથી સ્વીડનના ૫૯ હજાર નોકરિયાતો પર ૧૧ વર્ષ સુધી આ સરવે કરવામાં આવ્યો હતો. અભ્યાસકર્તાઓ લખે છે, ઉચ્ચ હોદ્દા પર બેઠેલા
જે લોકો અસાધારણ વેતન મેળવે છે તેઓ એ કામ અને વેતન માટે વધુ લાયક છે અને તેમનાથી ઓછું વેતન મેળવતા લોકો ઓછા લાયક છે એવું અમને આ અભ્યાસમાં જાણવા મળ્યું નથી.
આ અભ્યાસ આપણી પરંપરાગત માન્યતાનું ખંડન કરે છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે પૈસા બુદ્ધિના હોય છે. જેમ બુદ્ધિ વધુ તેમ તે વધુ કમાણી કરવામાં કામ આવે. બુદ્ધિ ઓછી, તો કમાણી પણ ઓછી. આ માન્યતા તદ્દન ખોટી પણ નથી. આર્થિક સફળતાના બીજા અનેક અભ્યાસોમાં એટલું તો સાબિત થયું છે કે આઈક્યુ (ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ) અને ઇન્કમ વચ્ચે સંબંધ છે, પણ પાતળો છે.
૮૦થી નીચેનો આઈક્યુ સ્કોરવાળા લોકો ઓછા વેતનવાળા કામોમાં જ પસંદગી પામે છે. તેની સામે, એન્જિનિયર કે વિજ્ઞાની જેવા વ્યવસાયમાં ૧૨૦થી ઓછા સ્કોરવાળા લોકો પસંદગી પામે તેવી શક્યતા ઓછી હોય છે, પણ આ વ્યવસાયમાં વેતન ઊંચું નથી હોતું. સેલ્સ અથવા બિઝનેસ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રમાં મધ્યમ આઈક્યુ વાળા લોકો તેમની કુશળતાથી સૌથી વધુ પૈસા કમાઈ શકે છે.
અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચ સાયન્ટિસ્ટ જય ઝકોરસ્કીનો એક અભ્યાસ કહે છે કે અમેરિકામાં સરેરાસ બુદ્ધિ વાળા લોકો લગભગ એટલા જ સમૃદ્ધ છે જેટલા ઊંચો આઈક્યુ ધરાવતા લોકો છે. મજાની વાત એ છે કે આ અભ્યાસમાં અનેક અત્યંત બુદ્ધિશાળી લોકોએ એકરાર કર્યો હતો કે તેઓ ખરાબ આર્થિક સંકડામણમાંથી પસાર થયા છે. હોંશિયારી હોય એટલે પૈસાવાળા ન થઇ જવાય, જય ઝકોરસ્કી લખે છે, તમારા આઈક્યુને તમારી સમૃદ્ધિ સાથે સંબંધ નથી અને તમે બહુ હોંશિયાર હો એનો અર્થ એ નથી કે તમે આર્થિક લોચામાં નહીં ફસાવ.
કેમ એવું? એક બહુ જ પ્રચલિત માન્યતા એવી છે કે જેનામાં બુદ્ધિ હોય તો તેની નિર્ણયશક્તિ ઉત્તમ હોય. એનાથી ઊંધું પણ થાય છે. હોંશિયાર લોકો બેવકૂફીભર્યા નિર્ણયો પણ કરતાં હોય છે. બુદ્ધિશાળી વ્યક્તિની એક સમસ્યા એ હોય છે કે તે દરેક બાબતનું ગહેરાઈથી વિશ્ર્લેષણ કરે, પણ મુસીબત એ છે કે એ તેમાં ઓબ્જેક્ટિવ રહી શકતા નથી. સરેરાશ લોકો જે તે બાબતને ફેસ-વેલ્યૂ પર લે છે, પણ હોંશિયાર લોકો તેને તેમના જ્ઞાનમાં ફ્રેમ કરીને સમજવાની કોશિશ કરે છે એટલે તેમાં પૂર્વગ્રહ આવી જાય છે.
આપણી એક કમજોરી છે: આપણે બીજા લોકોને તેમના એક્શનથી મૂલવીએ છીએ, પણ આપણને આપણા ઈન્ટેશનથી સમજીએ છીએ. દાખલા તરીકે, તમે કોઈને મળવાનો ટાઈમ આપ્યો છે. તમે સમય પહેલાં પહોંચી જાવ છો, પણ સામેની વ્યક્તિ ૩૦ મિનિટ મોડી આવે છે. તમે રાહ જોઇને અકળાવ છો. એ માફી માગે છે, મોડા આવવાનું કારણ આપે છે, પણ તમે કહો છો કે, “મોડા આવવાનું તારા સ્વભાવમાં છે, તને સમયની કિંમત નથી.
ધારો કે એનાથી ઊંધો સીન છે; એ વ્યક્તિ સમય પહેલાં આવે છે અને તમે ૩૦ મિનિટ મોડા પડો છો. તમે તમારા સ્વભાવને દોષ નહીં આપો. તમે મોડા આવવા માટે ટ્રાફિકનું કારણ આપશો, અને સામેની વ્યક્તિ તે માની લે તેવી અપેક્ષા પણ રાખશો. તમે જો રસ્તા પર ગબડી પડો, તો ખાડા-ટેકરાનો દોષ કાઢશો, પણ બીજું કોઈ પડી જાય, તો તમે કહેશો કે એ આંધળો છે, ખાડા નથી દેખાતા.
આપણે બીજી વ્યક્તિના વર્તન પાછળના વિચારોને સમજવામાં નબળા તો છીએ જ, પરંતુ આપણને એવોય ભ્રમ છે કે મારી જાતને હું જ સારી રીતે સમજી શકું છું, એટલે મારા વર્તન પાછળના વિચારોની મને જ ખબર પડે. એટલા માટે આપણે આપણા અયોગ્ય એક્શન પાછળનો ઇન્ટેશન સમજાવીને તેને ઉચિત ઠેરવીએ છીએ.
જેમ વધુ બુદ્ધિ હોય તેમ પોતાની ભૂલો કે અયોગ્ય નિર્ણયોને ઉચિત ઠેરવવાની ક્ષમતા પણ વધુ હોય. લેબાનીઝ-અમેરિકન વિચારક નસિમ નિકોલસ તાલેબનું એક જાણીતું પુસ્તક છે, ‘એન્ટિફ્રેઝાઈલ’- જે મુલાયમ (ફ્રેઝાઈલ)નું વિરોધી છે, જે મુસીબતોમાં મજબૂત થાય છે તે. તે પુસ્તકમાં તાલેબે એક પ્રચલિત માન્યતાનું ખંડન કર્યું છે કે કોઈ વ્યક્તિને તેના ક્ષેત્રનું જેટલું વધુ જ્ઞાન હોય, તો તે એટલી વધુ સફળ હોય. તાલેબ કહે છે કે વ્યક્તિને સફળ થવા માટે માત્ર પાયાના અને સૌથી પ્રાસંગીક જ્ઞાનની જ જરૂર હોય છે. તેને મનોવિજ્ઞાનની ભાષામાં ગ્રીન લંબર ફેલસી કહે છે.
એક વેપારી લીલાં લાકડાં (ગ્રીન લંબર)ની લે-વેચનો ધંધો કરતો હતો. તેણે એમાં બહુ પૈસા બનાવ્યા હતા. જો કે, એને એ ખબર નહોતી કે લાકડાં લીલાં (એટલે કે તાજાં) કાપેલાં છે. એ એવું માનતો હતો કે ગ્રાહકોને ભરમાવા માટે લાકડાંને લીલો રંગ કરવામાં આવ્યો છે. વેપારીના એ અજ્ઞાનની તેના ધંધા પર કોઈ અસર પડી નહોતી.
એવું જ એક ઉદાહરણ સ્વિઝ ફ્રાન્ક (સ્વિઝ ચલણ)નો બિઝનેસ કરતા એક માણસનું છે. એને ખબર નહોતી કે નકશા પર સ્વિત્ઝર્લેન્ડ ક્યાં આવ્યું. એ અજ્ઞાન છતાં તેણે સ્વિઝ કરન્સીમાં જબરદસ્ત ધંધો કરીને બહુ પૈસા કમાયા હતા.
બીજી રીતે કહીએ તો, તમે જેટલા ઊંડા ઊતરો એટલું એ જ્ઞાન અવિશ્ર્વસનીય બનતું જાય, કારણ કે એમાં તમને કામનું ન હોય તેવું પણ જ્ઞાન એકઠું થતું જાય. એ ‘નકામું’ જ્ઞાન વળતામાં જે કામનું જ્ઞાન હોય તેને પ્રભાવિત કરતું જાય. ગુજરાતીમાં કહેવત છે કે “બહુ ડાહ્યો બહુ ખરડાય, એ આ અર્થમાં છે.
આને બર્ડન ઑફ ઇન્ટેલિજન્સ પણ કહે છે- બુદ્ધિનો ભાર. તમે જેટલા વધુ બુદ્ધિશાળી, એટલા તમે જે તે બાબતની જટિલતાઓથી વધુ સાવધ થઇ જાવ. તેનાથી તમારામાં નકારાત્મકતા અથવા નિરાશાની વૃત્તિ વધે. જેટલું જ્ઞાન વધુ, એટલા સંદેહ વધુ. ઉત્ક્રાંતિના જનક ચાર્લ્સ ડાર્વિને લખ્યું હતું કે, “આત્મવિશ્ર્વાસનો જન્મ જ્ઞાન કરતાં અજ્ઞાનમાંથી વધુ થાય છે.
તમે જો ફંડ મેનેજર હો અને તમને ખરાબ રિટર્ન મળતું હોય, તો હું તરત જ તમારી ભૂલ બતાવી શકીશ, પણ હું જો ફંડ મેનેજર હોઉં અને ખરાબ રિટર્ન મળતું હોય, તો હું મારી ભૂલ સમજવાને બદલે મારા નિર્ણયને ઉચિત ઠેરવે તેવી વાર્તા ઘડી કાઢીશ. માણસ જેટલો વધુ હોંશિયાર, તેટલો તે ખુદને સાચો સાબિત કરવા વધુ સક્ષમ. ઓછા હોંશિયાર માણસને પોતાની ત્રુટી સ્વીકારતાં વાર ન લાગે, પરિણામે તેની ભૂલોનું પુનરાવર્તન ન થાય.
જીવનમાં ઘણીવાર સૌથી જટિલ સમસ્યાઓનાં સમાધાન એકદમ સાધારણ હોય છે, પણ હોંશિયાર માણસોને સાધારણ સમાધાનોમાં વિશ્ર્વાસ નથી હોતો. બુદ્ધિમાં વધારો થાય તેમ બેવકૂફી કરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે, કારણ કે તે અતિઆત્મવિશ્ર્વાસ તરફ લઇ જાય છે. સરેરાસ માણસો ગભરુ હોય છે અને જલદીથી શીખી લે છે, જે તેમની સફળતામાં કામ આવે છે. હાર્યો જુગારી બમણું રમે તેનું કારણ તેનો અતિઆત્મવિશ્ર્વાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular