ગ્લોબલ સંજોગોને લીધે આઈપીઓની કતાર પર કાતર ફરી શકે

ઉત્સવ

ફુગાવો આઇપીઓના ફુગ્ગાને ફૂલવા દેશે નહીં

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

સેક્ધડરી માર્કેટ-શૅરબજાર ડામાડોળ કે અનિશ્ર્ચિત હોય ત્યારે પ્રાઈમરી માર્કેટ-નવા ઈસ્યૂઓની બજાર પણ ડામાડોળ થવું સહજ છે. સંખ્યાબંધ ભારતીય કંપનીઓ આઈપીઓ લાવવા સેબીની મંજૂરી લઈ બેઠી છે અથવા મંજૂરી લેવાની તૈયારીમાં છે, કિંતુ ગ્લોબલ અનિશ્ર્ચિતતાના માહોલમાં હવે શું કરવું એ વિશે ક્ધફયુઝ છે. રોકાણકારો પણ આઈપીઓના કેટલાંક કડવા અનુભવોને ધ્યાનમાં રાખી તેમાં અરજી કરવા વિશે મૂંઝવણમાં છે.
સેબીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ઈંઙઘ દ્વારા રૂ. ૧.૪ લાખ કરોડ એકત્ર કરવા માગતી ૫૬ કંપનીઓના આઈપીઓને મંજૂરીઓ આપી છે, જ્યારે અન્ય પચાસેક કંપનીઓ કતારમાં છે એમને પણ મંજૂરી મળશે તો રકમમાં વધુ રૂ. ૮૧,૦૦૦ કરોડથી વધુનો ઉમેરો થશે. ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં દેશના પ્રાઈમરી માર્કેટમાં ૫૩ કંપનીઓએ તેમના પબ્લિક ઈસ્યુ દ્વારા રૂ.૧.૧૮ લાખ કરોડ એકત્ર કર્યા હતા. રોકાણકારોનો અદ્ભૂત પ્રતિસાદ રહ્યો હતો. આ વેગ ચાલુ નાણાકીય વર્ષમાં પણ જળવાઈ રહેવાની આશા નિષ્ણાતોએ વ્યકત કરી હતી, કિંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અને તેને પગલે સર્જાયેલા ગ્લોબલ વિપરિત સંજોગોએ આઈપીઓની કતાર પર કાતર ફેરવી નાંખવાનું કાર્ય કર્યું છે. તેમ છતાં હજી પચાસેક આઈપીઓ પાઈપલાઈનમાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં કંપનીઓએ પબ્લિક ઈસ્યુ દ્વારા રૂ.૩૧,૨૬૮ કરોડ એકત્ર કર્યા હતા જે તેના આગલા વર્ષની તુલનાએ ૩.૭ ગણા અધિક છે.
ઊંચી આશા સામે મળી ઊંચી નિરાશા
આંકડા દર્શાવે છે કે પ્રાઈમરી બજાર માટે એકત્ર કરેલી રકમની દૃષ્ટિએ સૌથી શ્રેષ્ઠ વર્ષ નાણાકીય વર્ષ ૨૦૧૮ હતું અને ત્યારે કંપનીઓએ લિસ્ટિંગ દ્વારા રૂ.૮૧,૫૦૦ કરોડ એકત્ર કર્યા હતા. ૨૦૨૧-૨૨ માં નવું ચિત્ર જોવા મળ્યું. અનેક ન્યુ ઈકોનોમીના આઈપીઓ, સ્ટાર્ટઅપ્સના અને નવા સાહસોના આઈપીઓ આવ્યા, ઉમ્મીદ જગાવી અને પછી નિરાશ કર્યા. આ ઉપરાંત એલઆઈસી, ઝોમેટો, નાયકા સહિત ઘણાં મેગા ઈસ્યૂ આવ્યા, પણ તેમણે મહદઅંશે રોકાણકારોને નિરાશ કર્યા. ઝોમેટો બાબતે તો હાલ એવા પણ વ્યંગ થઈ રહ્યા છે કે ઝોમેટોના સર્વિસ ચાર્જ પણ તેના શેરના ભાવ સામે વધુ છે. અર્થાત્ ઝોમેટો ખુદ રોકાણકારોના નાણાં આરોગી ગયું!. નાયકાના શેરના હાલ પણ કંઈક આવા જ થયા છે, જે રોકાણકારો માટે ખલનાયક જેવો બની ગયો. એલઆઈસીએ તો ભાવ બાબત આઘાત જ આપ્યા છે, જેની પાસે સૌથી વધુ આશા હતી એ જીવન વીમા નિગમના શેર ઈસ્યૂનું કદ સમય-સંજોગ જોઈ ઘટાડાયું તો પણ ભાવની બાબતે લિસ્ટિંગ કે પહેલે અને લિસ્ટિંગ કે બાદ ભી રડવાનો વારો આવ્યો છે.
ન્યુએજ કંપનીઓએ નારાજ કર્યા
નાણાકીય વર્ષ ૨૦૨૨માં નવાયુગની ડિજિટલ કંપનીઓ લિસ્ટેડ થઈ હતી, જેમાં પેટીએમ, નાયકા, પૉલિસી બજાર અને ઝોમેટોનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ મૂલ્યાંકનના પરંપરાગત માપદંડોને બદલી નાખ્યા અને ઘણા રોકાણકારો, ખાસ કરીને પ્રથમ વાર રોકાણ કરી રહ્યા હોય એવા રિટેલ રોકાણકારો ઊંચી કિંમત હોવા છતાં તેમાં રોકાણ કરવા આકર્ષાયા. આ નવા-પ્રથમવારના રોકાણકારો કડવા અનુભવ લઈ બેસી ગયા. હકીકતમાં આ નવા યુગની ડિજિટલ કંપનીઓએ પબ્લિક ઈસ્યુ દ્વારા સૌથી અધિક મૂડી એકત્ર કરી છે. પેટીએમે રૂ.૧૮,૩૦૦ કરોડ અને ઝોમેટોએ રૂ.૯,૩૭૫ કરોડ એકત્ર કર્યા. પેટીએમના ઈસ્યુએ સૌથી મોટા ઈસ્યુનો ઈતિહાસ રચ્યો, કારણ કે તેનો ઈસ્યુ ૨૦૧૦માં કોલ ઈન્ડિયાના રૂ.૧૫,૨૦૦ કરોડના પબ્લિક ઈસ્યુથી પણ મોટો હતો. બહુ થોડી કંપનીઓના અપવાદ સિવાય આ કંપનીઓને ખાનગી ઈક્વિટી અથવા વેન્ચર કેપિટલ કંપનીઓનો ટેકો હતો. તેમને રોકાણકારોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો અને આ શેર્સ બહુ ઊંચા પ્રીમિયમે લિસ્ટ થયા. ૨૦૨૧માં તેઓ સારા પ્રીમિયમે ટ્રેડ થતા હતા, પરંતુ ૨૦૨૨ના પ્રારંભ સાથે અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારશે એવી પ્રસરેલી ચિંતાને પગલે સેકંડરી બજાર અતિ ચંચળ બની ગયું, જેની ચંચળતા કે વોલેટિલિટી અને અનિશ્ર્ચિતતા હજી પણ ચાલુ છે. એના પગલે આ નવી ટેક કંપનીઓના શેર્સના ભાવમાં ઝડપી ઘટાડો આવ્યો અને તેને પરિણામે ચોથા ત્રિમાસિક ગાળામાં પબ્લિક ઈસ્યૂઓનો પ્રવાહ સૂકાઈ ગયો.
૨૦૨૨ના પ્રારંભમાં તેજીવાળાઓ સેકંડરી બજારને ઘમરોળવા લાગ્યા ત્યારે તેની ક્રમિક અસરે લાલચોળ થયેલા પ્રાઈમરી બજારને જોઈને પ્રમોટરો અને પીઈ કે વેન્ચર કેપિટાલિસ્ટો તેમની કંપનીઓ માટે સૌથી વધુ કિંમત માગવા લાગ્યા હતા. રિટેલ રોકાણકારો પણ સાવચેતી અને યોગ્યતાને તડકે મૂકીને આફરો સ્વીકારતા રહ્યા હતા, જે હવે સૌને મોંઘું પડી રહ્યું છે.
સેન્ટિમેન્ટ બદલાતું રહે ત્યારે…
ચોથા ત્રિમાસિક ગાળામાં પ્રાઈમરી બજાર સુસ્ત રહ્યું હોવા છતાં તે નાણાકીય વર્ષ ૨૦૨૩માં પણ તેજીમય રહેશે. સારી આર્થિક રિકવરી, રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલીમાં ઘટાડો અને એફઆઈઆઈના રોકાણની વાપસીની આશા રોકાણકારોના સેન્ટિમેન્ટને સુધારી રહી છે, એમ માર્કેટના અનુભવી-જાણકારો કહે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં આવેલા કેટલાંક ઈસ્યૂઓના સારા ભાવે થયેલા લિસ્ટિંગને પગલે રોકાણકારોના વિશ્ર્વાસમાં વધારો થયો છે. મજબૂત તેજીના પગલે પીઈ અને વીસી રોકાણકારોએ કંપનીઓના આઈપીઓ મારફત તગડી કમાણી કરી છે. આંકડા દર્શાવે છે કે પીઈ અને વીસી રોકાણકારોએ દેશની પ્રાઈમરી બજારમાંથી રૂ.૮૨,૭૦૦ કરોડ ઘરભેગા કર્યા છે, જે રકમ નાણાકીય વર્ષ ૨૦૨૧ની તુલનાએ ચાર ગણી છે. રોકાણકારો એ સમજવામાં નિષ્ફળ રહે છે કે બજારનું સેન્ટિમેન્ટ બદલાતું રહેતું હોય છે. સેન્ટિમેન્ટ ખરાબ હોય ત્યારે ઊંચી કિંમત ધરાવતી કંપનીઓની કામગીરી બજારની તુલનામાં અધિક ખરાબ રહે છે. નાણાકીય વર્ષ
૨૦૨૨માં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સે સેન્સેક્સ કરતાં સારી કામગીરી કરી, છતાં છેલ્લા છ મહિનામાં તે ૧૭ ટકા ઘટ્યો છે.
ન્યુએજ કંપનીઓ હજી કતારમાં
બજારના નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ લિસ્ટિંગ ઈચ્છતી ૫૬ કંપનીઓના ઈસ્યૂ વિશેનાં નિરીક્ષણો અને મંજૂરીઓ આપ્યાં છે. આ ૫૬ કંપનીઓ નાણાકીય વર્ષ ૨૦૨૩માં રૂ.૧.૪ લાખ કરોડ એકત્ર કરવા માગે છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૨ના ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂ.૧.૭૫ લાખ એકત્ર કરવાના લક્ષ્યાંક સામે માત્ર રૂ.૧૩,૫૩૧ કરોડ એકત્ર કરી શકી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે સરકાર ઊંચો લક્ષ્યાંક નક્કી કરશે એમ લાગે છે. નવા યુગની ઘણી કંપનીઓ તેમના આઈપીઓ લઈને આગામી મહિનાઓમાં બજારમાં આવશે, જેમાં અનેક જાણીતા નામોનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઈમરી બજારમાં તેજી રહેશે પરંતુ કેટલીક મૂળભૂત બાબતો રોકાણકારોની તેમ જ નીતિઘડવૈયાઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.
વિકસિત દેશોમાં વ્યાજદર વધવાના શરૂ થયા છે, જે હજી વધવાની ધારણા મુકાય છે, જેની અસર ઊભરતી બજારોમાં આવતા ભંડોળના પ્રવાહને થઈ શકે છે. આની વધુ અસર પ્રાઈમરી કરતાં સેકંડરી માર્કેટ પર થશે. હાલ આ માહોલ જોવા મળે છે.
આઈપીઓને પણ ફુગાવો નડી શકે
ઘરઆંગણે ઊંચા ફુગાવો અને યુએસમાં પણ ઊંચા ફુગાવાએ બધાની દશા બગાડી છે. જેને પગલે દેશ અને વિદેશમાં વ્યાજદરનો દોર શરૂ થયો છે. આર્થિક ચિત્ર અને માહોલ સતત બદલાઈ રહ્યા છે. આમ છતાં નવાં ક્ષેત્રો અથવા વિલક્ષણ કંપનીઓમાં રોકાણકારોને અધિક રસ પડશે. જોકે એવી કંપનીઓએ સફળ આઈપીઓ માટે વાજબી કિંમત રાખવી પડશે, જે કંપનીઓ ઊંચા ભાવ પડાવવાની લાલસા રાખશે તે આગળ જતા પસ્તાઈ શકે. રોકાણકારોએ અમે રહી ગયા એવી લાગણીથી બચીને દરેક આઈપીઓનું વિશ્ર્લેષણ કરવું જોઈએ. બજારમાં કંપનીઓની સાચી કિંમત વહેલામોડી નિર્ધારિત થતી જ હોય છે અને વધુ પડતી કિંમત ધરાવતા શેર્સનો ભાવ પ્રારંભિક ઉછાળો શમી ગયા બાદ નીચો આવે જ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં કુલ આઈપીઓના ૩૮ ટકા આઈપીઓ તેમની ઈસ્યૂ પ્રાઈસથી ૮ ટકાથી લઈને ૭૬ ટકા ઘટ્યા હતા. ભારતના આર્થિક સંજોગો સારા પણ છે અને નરસા પણ છે, જેના પર ગ્લોબલ અસરો પણ સતત ચાલી રહી છે. આવામાં રોકાણકારોએ માત્ર ફંડામેન્ટલ્સ આધારિત કંપનીઓના શેર પસંદ કરવા જોઈએ અને તે પણ લાંબા ગાળા માટે રાખવા જોઈએ.
————————————

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.