આઈપીએલ 31મી માર્ચથી શરૂ થઈ રહી છે, પણ એ પહેલાં જ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ટીમનો એક મહત્ત્વનો ખેલાડી ટીમમાંથી બહાર થઈ ગયો. ઈજાને કારણે આ ખેલાડી ટીમમાંથી બહાર થઈ ગયો છે.
સીએસકેની ટીમમાંથી બહાર થઈ જનારા ખેલાડી એટલે ન્યુઝીલેન્ડ ફાસ્ટ બોલર કાઈલ જેમ્સન. કાઈલને પીઠમાં સર્જરી કરાવવી પડશે અને તેને કારણે 9 મહિના કરતાં વધુ સમય સુધી તે ક્રિકેટથી દૂર રહેશે. આ જ કારણ છે કે તે આઈપીએલ-2023માં ટીમ સીએસકેમાં રમી શકશે નહીં.
જુન, 2022માં છેલ્લી ટેસ્ટ રમીને કાઈલ હાલની ઈંગ્લેન્ડ સામેની બે ટેસ્ટમાં કાઈલ પાછો પીચ પર ફરે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ ઈજા અને સર્જરીને ધ્યાનમાં લેતાં તેણે રમવા માટે હજી વધુ થોડા દિવસ રાહ જોવી પડશે.
ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે કાઈલ માટે આ અઘરો અને મુશ્કેલ સમય છે. કાઈલને એવી આશા હતી કે આરામ કરવાથી કદાચ દુઃખાવો સારો થઈ જશે, પણ હવે સર્જરી કરાવવી પડશે. અનેક દિગ્ગજ ખેલાડીઓએ પીઠની સર્જરી કરાવી છે અને એમાંથી સાજા થવા માટે સમય લાગે છે.
કાઈલને સીએસકેએ રૂપિયા એક કરોડમાં ખરીદ્યો હતો અને અત્યાર સુધી આઈપીએલની 9 મેચમાં 9 વિકેટ લીધી છે. 2021ની સિઝનમાં તે રોયલ ચેલેન્જન્સ બેંગ્લોર માટે રમ્યો હતો.