ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ વચ્ચે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ મહત્ત્વના સમાચાર છે આઈપીએલ-2023 વિશે. આઈપીએલની 16મી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. સિઝનીની પહેલી મેચ 31મી માર્ચના ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને આ મેચ વિશે એવું કહેવાઈ રહ્યું છે કે પહેલી જ મેચમાં ગુરુ શિષ્ય આમને સામને આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે અને ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે.
આઈપીએલની 16મી સિઝનમાં કુલ 12 સ્ટેડિયમમાં 74 મેચ રમાશે અને ત્રણ વર્ષ બાદ ટીમ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ રમતી જોવા મળશે. 31મી માર્ચથી શરુ થનારી આઈપીએલની ફાઈનલ મેચ 21મી મેના હશે.
આઈપીએલનું શેડ્યુલ જાહેર કરવાની સાથે સાથે સ્ટાર સ્પોર્ટસે પણ આજે આઈપીએલને 15 વર્ષ પૂરા થયા તેની ઊજવણી કરી હતી. આઈપીએલને કારણે જ ઈન્ડિયન ક્રિકેટ ટીમને હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા હોનહાર ખેલાડીઓ મળ્યા છે. 2022માં આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ વિનર રહી હતી. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને પરાજિત કરી હતી.