ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં આજથી પ્લેઓફ મેચો રમાશે. IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો જામશે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડીયમમાં પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે. મેચ આજે સાંજે 7.30 કલાકે શરૂ થશે.
પ્રથમ ક્વોલિફાયરની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે, જ્યારે હારનાર ટીમ એલિમિનેટર મેચની વિજેતા ટીમ સાથે બીજી ક્વોલિફાયર રમશે. લીગ મેચના તબક્કામાં ગુજરાત અને ચેન્નઈ વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી, જે ગુજરાતે પાંચ વિકેટે જીતી હતી. આ સ્થિતિમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ એક અલગ જ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.
બીજી તરફ, આ મેચ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર રમાશે, ગુજરાતે લીગ સ્ટેજમાં ચેન્નઈને અમદાવાદમાં હરાવ્યું હતું. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમને ઘરઆંગણે રમવાનો ફાયદો થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, IPLના ઈતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઈટન્સ સામે એક પણ મેચ જીતી શકી નથી. IPL 2022માં ડેબ્યૂ કરનાર ગુજરાતની ટીમે અત્યાર સુધીમાં ચેન્નાઈ સામે ત્રણ મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે.
ગુજરાત ટાઈટન્સની ટીમ IPLમાં પ્રથમ વખત ચેન્નાઈના મેદાન પર રમશે. મેચ દરમિયાન વાતાવરણ ગરમ રહેવાની શક્યતા છે. સાંજે યોજાનારી મેચમાં ડ્યુ ફેક્ટર પણ જોવા મળી શકે છે
ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન – રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા અને યશ દયાલ. (ઈમ્પેક્ટ પ્લેયર- જોશુઆ લિટલ)
ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન – રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે અને મહેશ દીક્ષાના. (ઈમ્પેક્ટ પ્લેયર- મથીષા પથિરાના)
IPL 2023નો પ્રથમ ક્વોલિફાયર આજે રમાશે. આ પછી આવતીકાલે એટલે કે 24 મેના રોજ મુંબઈ અને લખનઉ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. ત્યારબાદ બીજી ક્વોલિફાયર 26 મે અને ફાઈનલ 28 મેના રોજ રમાશે.