પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેંક(PNB) સાથે રૂ.13,000 કરોડનું કૌભાંડ કરનાર વોન્ટેડ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીને ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેહુલ ચોક્સીએ કરેલી અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI) અને ચોકસીની કાનૂની ટીમનું કોઈ નિવેદન આવ્યું નથી.
મેહુલ ચોક્સીના જાન્યુઆરી 2018માં દેશમાંથી ફરાર થયાના લગભગ 10 મહિના બાદ, ઇન્ટરપોલ દ્વારા તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. દેશ છોડ્યા બાદ ચોક્સીએ એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી લીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોકસીએ તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની સીબીઆઈની અરજીને પડકારી હતી. તેણે પોતાના કેસને રાજકીય કાવતરું ગણાવ્યું હતું. તેમણે ભારતમાં જેલોની સ્થિતિ, વ્યક્તિગત સુરક્ષા અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.આ મામલો પાંચ સભ્યોની ઇન્ટરપોલ કમિટીની કોર્ટ સમક્ષ લઇ જવામાં આવ્યો હતો, કોટે આરસીએન (રેડ કોર્નર નોટિસ) હટાવવા આદેશ કર્યો હતો.
આ મુદ્દે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. ખડગેએ ટ્વીટ કર્યું, “વિપક્ષી નેતાઓ માટે ED-CBI, પરંતુ મોદીજીના ‘અમારા મેહુલ ભાઈ’ માટે ઈન્ટરપોલમાંથી મુક્તિ!”