વોશિંગ્ટન ડીસીમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા…

વોશિંગ્ટન ડીસી: યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં બુધવારે રાત્રે ગોળીબારની ચોંકાવનારી (Shooting in Washington DC) ઘટના બની હતી. એક અજાણ્યા શખ્સે ગોળીબાર કરીને ઇઝરાયલી દૂતાવાસ(Israel embassy) ના બે કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરી હતી. હત્યા બાદ હુમલાખોર ફરાર થઇ ગયો છે, વોશિંગ્ટન ડીસી પોલીસે વિસ્તારને ઘેરીને તપાસ શરુ કરી છે.
અહેવાલ મુજબ આ હુમલો કેપિટોલ યહૂદી સંગ્રહાલય (Jewish Museum) પાસે થયો હતો. ઇઝરાયલી અધિકારીઓ આ હુમલાને “યહૂદી વિરોધી આતંકવાદ(anti-Semitic terrorism)નું ઘૃણાસ્પદ કૃત્ય” ગણાવી રહ્યા છે. આ હુમલાને કારણે ઇઝરાયેલના રાજદ્વારીઓ અને શહેરમાં વસતા યહૂદી સમુદાયોમાં ડરનો માહોલ છે.
પોલીસે કાર્યવાહી શરુ કરી:
યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ હુમલાની પુષ્ટિ કરી છે. ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું, “આજે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક બે ઇઝરાયલી દૂતાવાસના કર્મચારીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરીશું.”
મૃતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, અને અધિકારીઓ મૃતકોના પરિવારોને સૂચના મળે ત્યાં સુધી વધુ વિગતો ગુપ્ત રાખી રહ્યા છે. આ ઘટના ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ના વોશિંગ્ટન ફિલ્ડ ઓફિસથી થોડા જ અંતરે બની હતી. લો ઇન્ફોર્સમેન્ટ વિભાગે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી હતી. મ્યુઝિયમની આસપાસ મોટા પાયે પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પોલીસે નાગરિકોને વોશિંગ્ટન ડીસીના ઉત્તરપશ્ચિમ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે. હાલમાં તપાસ ચાલુ છે અને શંકાસ્પદ શખ્સની શોધ કરવામાં આવી રહી છે.

ઇઝરાયેલે ઘટનાની નિંદા કરી:
યુનાઇટેડ નેશન્સમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને X પરની એક પોસ્ટમાં ગોળીબારની ઘટનાની નિંદા કરી, તેમણે આ ઘટનાને “યહૂદી વિરોધી આતંકવાદ(anti-Semitic terrorism)નું ઘૃણાસ્પદ કૃત્ય” કૃત્ય ગણાવી છે અને યુએસ અધિકારીઓને નિર્ણાયક પગલાં લેવાની અપીલ કરી છે.
ડેનોને કહ્યું, “અમને વિશ્વાસ છે કે યુએસ વહીવટીતંત્ર આ ગુનાહિત કૃત્ય માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેશે, ઇઝરાયલ તેના નાગરિકો અને પ્રતિનિધિઓનું રક્ષણ કરવા માટે વિશ્વમાં દરેક જગ્યાએ દૃઢતાથી કાર્ય કરતુ રહેશે.”
દરમિયાન, અમેરિકન જ્યુઈસ સમિતિ (AJC) ના CEO ટેડ ડ્યુશે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમની સંસ્થા સાંજે સંગ્રહાલયમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહી હતી. તેમણે કહ્યું: “અમારા સ્થળની બહાર આવી અકલ્પનીય હિંસા થઈ છે, તેનો અમને આઘાત લાગ્યો છે. અમે હાલમાં પોલીસ પાસેથી વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ અને અમારી ભાવના પીડિતો અને તેમના પરિવારો સાથે છે.”
શંકાસ્પદની તલાસ:
પોલીસે શંકાસ્પદ શખ્સ કે હુમલાના હેતુ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જોકે, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હુમલાખોરે હુમલા પછી “ફ્રી પેલેસ્ટાઇન” ના નારા લગાવ્યા હતા. સાક્ષીએ અહેવાલ આપ્યો કે શંકાસ્પદ વ્યક્તિ મદદ માંગવાના બહાને માટે મ્યુઝિયમમાં પ્રવેશ્યો હતો, પછી કેફિયાહ બતાવ્યો અને નારા લગાવ્યા હતાં, પોલીસ તેને બહાર કાઢ્યો હતો. જો કે અધિકારીઓએ સાક્ષીના નિવેદનની પુષ્ટિ કરી નથી, અને વધુ અપડેટ્સ આપવા માટે બુધવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાવામાં આવે તેવી શક્યતા છે.
આપણ વાંચો : ઇઝરાયેલ શું છુપાવી રહ્યું છે? બે બ્રિટિશ મહિલા સાંસદોને ઇઝરાયલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા