ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો, 180 પેલેસ્ટિનિયનના મોત

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. 5 દિવસ સુધી ચાલેલું યુદ્ધવિરામના પૂર્ણ થતાની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (1 ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો કર્યો. શુક્રવારે ઇઝરાયલી બોમ્બમારામાં લગભગ 180 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.

શુક્રવારે યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ રોકેટ ફાયરિંગ, હવાઈ હુમલા અને જમીની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. ઇઝરાયેલી સૈન્યએ હમાસ પર દક્ષિણ ઇઝરાયેલ તરફ રોકેટ છોડવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ IDFએ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ સાથે ગાઝામાં લડાઈનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે.

પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે હમાસ સાથેના યુદ્ધવિરામના અંત પછી ગાઝા પર ઇઝરાયેલી બોમ્બમારામાં લગભગ 180 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જ્યારે 589 લોકો ઘાયલ પણ થયા હતા. હમાસનું કહેવું છે કે તેમણે દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલના શહેરો તરફ રોકેટ છોડવાનું ફરી શરૂ કર્યું છે. તે જ સમયે, પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટનું કહેવું છે કે ઇઝરાયેલની સેના રફાહ બોર્ડર ક્રોસિંગ દ્વારા ગાઝામાં પ્રવેશતા સહાયક ટ્રકોને રોકી રહી છે.

ઈઝરાયેલની સેના હવે ધીમે ધીમે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગ તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહેલા કતાર, ઇજિપ્ત અને અમેરિકાનું કહેવું છે કે તેઓ ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button