આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ગુજરાત ભરમાં ભવ્ય ઉજવણી, લાખો ગુજરાતીઓએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસ્વીરો

આપણું ગુજરાત

આજે ૨૧ જુનના દિવસે સમગ્ર વિશ્વમાં ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ છે. ત્યારે ગુજરાતીઓએ પણ વિવિધ સ્થળો પર યોગાભ્યાસ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ગુજરાત યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્ય રમત ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. લગભગ ૧૦,૦૦૦ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

કચ્છના ૭ આઇકોનીક સ્થળ પર યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. જિલ્લાના ધોળાવીરા, ધોરડો સફેદ રણ, માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, ભુજના પ્રાગ મહેલ, કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના સ્થળે યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.


સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોગચાર્ય પદ્મશ્રી ડો. ભારત ભૂષણ અને યોગગુરૂ આચાર્ય પ્રતિષ્ઠાજીના માર્ગદર્શન હેઠળ હજારો લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર સહિત ત્રણેક હજાર યોગ વિશારદ બાળકો, યુવાઓએ જોડાયા હતા.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ૩ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી RKC કોલેજ ખાતે કરવામાં આવી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ પણ યોગ કર્યા હતા.


સુરત શહેરમાં અલગ અલગ સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ કરવાના સમયે જ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વચ્ચે પણ લોકો યોગ કરતા દેખાયા હતા. મેયર, પાલિકા કમિશનર સહિતના અધિકારી પદાધિકારીઓએ ચાલુ વરસાદે યોગ કર્યા હતા.


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા હાજર રહ્યા હતા. BSF ના જવાનો એ પણ ઓફ યુનિટી ખાતે યોગાભ્યાસ કર્યો હતો.

વડોદરામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.રાજ્ય મહેસૂલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને વડોદરાથી લોકસભાના સાંસદ રંજન ભટ્ટ હાજર રહ્યા હતા.


પાટણ સ્થિત વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે આર્ક્યોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાણકી વાવ અંદર અને બહાર કેમ્પસમાં મોટી સંખ્યામાં લોકોની હાજર રહી યોગ કર્યા હતા.


મહેસાણા જિલ્લાકક્ષાનો યોગ દિવસ મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિર ખાતે યોજવામાં અવ્યો હતો. જ્યાં સવારે 5 કલાકે મોટી સંખ્યામાં લોકો યોગ કરવા જોડાયા હતા. પુરુષોત્તમ રૂપાલા પણ યોગના કાર્યક્રમમાં જોડાયા હતા.


નર્મદા નદી પર આવેલો ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર પ્રથમ વખત વિશ્વ યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોમવારે બપોરે ૧૨ કલાકથી મંગળવારે બપોરે ૧૨ કલાક સુધી ગોલ્ડનબ્રિજ વાહનો માટે બંધ કરી દેવાયો હતો.


જામનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ક્રિકેટ બંગલો ખાતે ઉજવવામાં આવ્યો હતો. તેમજ ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન અને શહેરના ઐતિહાસિક લાખોટા તળાવ ખાતે ૪ લાખથી વધુ લોકોએ યોગા કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના પ્રધાન બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.