ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે(ICC) શુક્રવારે જાહેરાત કરી કે તેણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કર્યું છે. યુક્રેનિયન બાળકોના ગેરકાયદે દેશનિકાલ માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. હેગ સ્થિત આઇસીસીએ જણાવ્યું કે બાળકોના અધિકારોના હનન માટેના રાષ્ટ્રપતિ કમિશનર મારિયા લ્વોવા-બેલોવા સામે પણ સમાન આરોપો માટે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
રશિયા ICCનું સભ્ય નથી. આવી સ્થિતિમાં ICC વોરંટને કેવી રીતે લાગુ કરવાની યોજના ધરાવે છે તે સ્પષ્ટ નથી. ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર II એ બે વ્યક્તિઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. યુક્રેનની પરિસ્થિતિના સંદર્ભમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર વ્લાદિમીરોવિચ પુતિન અને મારિયા અલેકસેવેના લ્વોવા-બેલોવા સામે વોરંટ જાહેર કરાયું છે.”
કોર્ટે કહ્યું કે વ્લાદિમીર પુતિન બાળકોના ગેરકાયદેસર દેશનિકાલ અને યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોમાંથી રશિયન ફેડરેશનમાં બાળકોના ગેરકાયદેસર સ્થાનાંતરણના યુદ્ધ અપરાધ માટે કથિત રીતે જવાબદાર છે.
રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ વોરંટ અંગે મીડિયાને જણાવ્યું હતું કે, “રશિયા અન્ય ઘણા દેશોની જેમ આ કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી. રશિયા ICCનું સભ્ય પણ નથી, તેથી કાયદાકીય દૃષ્ટિકોણથી, આ કોર્ટના નિર્ણયો શૂન્ય બરાબર છે.”
રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્વિટર પર વોરંટની તુલના ટોઇલેટ પેપર સાથે કરી હતી.