નવી દિલ્હી: સરકારે એપ્રિલથી જૂન મહિનાના ત્રિમાસિક માટે પોસ્ટ ઑફિસની મોટાભાગની બચત યોજનાઓનાં વ્યાજદરમાં શુક્રવારે ૦.૭ ટકા જેટલો વધારો કર્યો હતો.
જોકે, પીપીએફ અને સેવિંગ્સ ડિપોઝિટ પરનો વ્યાજદર અનુક્રમે ૭.૧ ટકા અને ૪.૦૦ ટકા જાળવી રાખ્યો હતો.
બચત યોજનાઓ પરના વ્યાજદરમાં ૦.૧ ટકાથી ૦.૭ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
નેશનલ સેવિંગ્સ સ્કીમ (એનએસસી)ના વ્યાજદરમાં સર્વાધિક વધારો કરવામાં આવ્યો હતો. ૧ એપ્રિલથી ૩૦ જૂન ૨૦૨૩ના ત્રિમાસિક માટે એનએસસી પરનો વ્યાજદર અગાઉના સાત ટકાથી વધારીને ૭.૭ ટકા કરવામાં આવ્યો છે.
સુક્ધયા સમૃદ્ધિ સ્કીમનો વ્યાજદર અગાઉના ૭.૬ ટકાથી વધારીને ૮.૦૦ ટકા કરવામાં આવ્યો છે.
સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પરનો વ્યાજદર અગાઉના ૮.૦૦ ટકાથી વધારીને ૮.૨ ટકા અને કિસાન વિકાસ પત્ર પરનો વ્યાજર અગાઉના ૭.૨ ટકાથી વધારીને ૭.૫ ટકા કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં કરેલા રોકાણની રકમ હવે ૧૨૦ મહિનાને બદલે ૧૧૫ મહિનામાં પાકશે.
નાની બચત યોજનાઓ પરનો વ્યાજદર ત્રિમાસિક ધોરણે મુકરર કરવામાં આવે છે.
પોસ્ટ ઑફિસમાંની એક વર્ષની ટર્મ ડિપોઝિટ પર હવે એક વર્ષ માટે વાર્ષિક ૬.૬ ટકાને બદલે ૬.૮ ટકા, બે વર્ષ માટે ૬.૮ ટકાને બદલે ૬.૯ ટકા, ત્રણ વર્ષ માટે ૬.૯ ટકાને બદલે ૭.૦૦ ટકા અને પાંચ વર્ષ માટે ૭.૦૦ ટકાને બદલે ૭.૫ ટકા વ્યાજ આપવામાં આવશે.
પીપીએફ અને સેવિંગ્સ ડિપોઝિટ પરનો વ્યાજદર અનુક્રમે ૭.૧ ટકા અને ૪.૦૦ ટકા જાળવી રાખવામાં આવ્યો છે.
આરબીઆઈએ ગયા વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં રેપોરેટમાં ૨.૫ ટકાનો વધારો કરી ૬.૫ ટકા કર્યો હોવાને કારણે બૅન્કોને થાપણો પરનો વ્યાજદર વધારવાની ફરજ પડી છે.
આરબીઆઈએ ગયા મહિને રેપોરેટમાં પચીસ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો.
ગયા વર્ષના મે મહિનામાં ૪૦ બેઝિસ પૉઈન્ટ અને જૂન, ઑગસ્ટ, સપ્ટેમ્બર પ્રત્યેક મહિનામાં પચાસ બેસિસ પૉઈન્ટનો વધારો કરવામાં આવ્યા બાદ રેપોરેટમાં આ સતત છઠ્ઠો વધારો છે.
એકંદરે આરબીઆઈએ ગયા વર્ષના મે મહિના બાદથી અત્યાર સુધીમાં રેપોરેટમાં ૨.૫ ટકાનો વધારો કર્યો હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી)