નવી દિલ્હી: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ ગુરૂવારથી અમલી બને એ રીતે વ્યાજ દરના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ માટેના કામકાજના સમયને સાંજે ૫ાંચ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં, સવારે ૯.૦૦થી બપોરે ૩:૩૦ વાગ્યાની વચ્ચે કોન્ટ્રાક્ટનો વેપાર થાય છે.
એક્સચેન્જે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, સમયમાં ફેરફારનો ઉદ્દેશ્ય તેને અંતર્ગત બજારના સમય સાથે એકરૂપ કરવાનો છે. ફેબ્રુઆરી ૨૦૨૩ના એક્સપાયરી મહિના માટેના વ્યાજદર ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ એક્સપાયરી ડે એટલે કે ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. અન્ય વ્યાજ દર ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માટે ટ્રેડિંગના કલાકોમાં કોઈ ફેરફાર થશે નહીં.
વધુમાં, ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ પછીના એક્સપાયરી ડે સાથેના તમામ વર્તમાન એક્સપાયરી કોન્ટ્રેક્ટ્સ અને ત્યાર બાદ રજૂ કરાયેલા તમામ નવા એક્સપાયરી કોન્ટ્રાક્ટ્સ એક્સપાયરી ડેના સાંજે ૫ વાગ્યા સુધી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક્સચેન્જે જણાવ્યું હતું કે ફાઇનલ સેટલમેન્ટ પ્રાઈસ કોમ્પ્યુટેશન મિકેનિઝમમાં કોઈ ફેરફાર થશે નહીં.