અમેરિકન બહુરાષ્ટ્રીય કોર્પોરેશન અને ટેક્નોલોજી કંપની, ઇન્ટેલ કોર્પોરેશનના સહ-સ્થાપક ગોર્ડન ઇ મૂરનું શનિવારે હવાઈમાં તેમના ઘરે અવસાન થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. દુનિયાની ડિજિટલ યુગની પ્રગતિમાં ગોર્ડન મૂરનું નોંધપાત્ર યોગદાન છે. મૂરે, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી. કરી હતી. કેલિફોર્નિયા સેમિકન્ડક્ટર ચિપ નિર્માતા ગોર્ડન મૂરને અમેરિકન સિલિકોન વેલીના પ્રણેતા પણ કહેવાય છે. મૂરે હંમેશા પોતાને ‘આકસ્મિક ઉદ્યોગસાહસિક’ તરીકે ઓળખાવતા હતા કારણ કે તેઓ હંમેશા શિક્ષક બનવા માંગતા હતા પરંતુ તેઓ ક્યારેય શિક્ષક બની શક્યા નહીં. તેમણે ઉભરતા માઇક્રોચિપ ઉદ્યોગમાં શરૂઆતમાં USD 500 રોકાણ કર્યું હતું, જેને કારણે ઇલેક્ટ્રોનિક્સને વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંના એક બનાવવામાં મદદ મળી હતી.
પોતાની એમૂલ્ય બુદ્ધિપ્રતિભાના જોરે તેઓ અબજોપતિ બન્યા હતા. તેમને લાખો લોકો માટે લેપટોપ કોમ્પ્યુટર સુલભ બનાવવા અને ટોસ્ટર ઓવન, બાથરૂમ સ્કેલ અને ટોય ફાયર ટ્રકથી લઈને ટેલિફોન, ઓટોમોબાઈલ અને એરક્રાફ્ટ સુધીની દરેક વસ્તુની અંદર માઈક્રોપ્રોસેસર મૂકવાનો શ્રેય આપવામાં આવે છે. મૂરે તેમની પત્ની બેટી મૂર સાથે મળીને સખાવતી કાર્યોમાં પણ ઘણું યોગદાન આપ્યું હતું. બંનેએ મળીને 2001માં ગોર્ડન અને બેટી મૂર ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી અને 175 મિલિયન ઇન્ટેલ શેરનું દાન કર્યું હતું. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીને USD 600 મિલિયન આપીને તેઓએ 2001માં તે સમયે યુનિવર્સિટીને સૌથી મોટી સિંગલ ભેટ આપી હતી. મૂર તેમના લાંબા સમયના સાથીદાર રોબર્ટ નોયસ સાથે મળીને જુલાઈ 1968માં ઇન્ટેલની સ્થાપના કરી હતી. 1990ના દાયકા સુધી વૈશ્વિક સ્તરે ઉત્પાદિત 80 ટકા કમ્પ્યુટર્સમાં માઇક્રોપ્રોસેસર્સ ઇન્ટેલના હતા.