દેશમાં આતંકવાદીઓને ફરી સક્રિય કરવાના ભાગરુપે સંગઠનો ફરી સક્રિય બનીને હુમલો કરવાની વેતરણમાં હોવાથી દેશના મહત્ત્વના રાજ્યની સુરક્ષા સંસ્થાઓને સતર્ક રહેવાનો નિર્દેશ કર્યો છે.
ખાસ કરીને 26મી જાન્યુઆરીના Republic Day નિમિત્તે ગુપ્તચર એજન્સી દ્વારા પડોશી દેશ સાથેની સીમા નજીકના રાજ્યની તમામ એજન્સી સતર્ક રહેવાની સાથે સુરક્ષા સંબંધિત જરુરી પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
દેશના મહત્ત્વના રાજ્ય પૈકી પંજાબ, ચંદીગઢ, દિલ્હી અને હરિયાણા માટે ગુપ્તચર એજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ બધા રાજ્યના અલગ અલગ વિભાગના અધિકારીને ખાસ કરીને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈ-નોટના આધારે નિર્દેશ કરવામાં આવ્યો છે કે આ બધા રાજ્યના પોલીસ સ્ટેશન, આર્મી અને ગુપ્તચર એજન્સીની કચેરીઓ છે, ત્યાં મહતમ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે એની સાથે સાથે એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ભીડભાડવાળા તમામ જાહેર સ્થળોએ પણ સુરક્ષા વધારવાની અપીલ કરી છે.
આ ઉપરાંત, તમામ સંવેદનશીલ સ્થળોએ પણ ચેકિંગ વધારવાનો આદેશ આપ્યો છે. દેશના મહત્ત્વના સ્થળો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલા પ્રદેશો પર પણ હંમેશાં જોખમ તોળાયેલું રહે છે. તાજેતરમાં પંજાબના સરહદી વિસ્તારના પોલીસ સ્ટેશન પર આતંકવાદી હુમલો થયો હતો અને રાજૌરીમાં આતંકવાદી હુમલો પણ પણ કોઈ સંભવિત મોટા હુમલાનું ટેસ્ટિંગ હોઈ શકે છે, એમ અધિકારીએ શંકા વ્યક્ત કરી હતી.
ગુપ્તચર એજન્સીએ એલર્ટ જાહેર કર્યા પછી સરહદની રાજ્યના વિસ્તારોમાં પોલીસ સ્ટેશનમાં વધારાની ફોર્સ તહેનાત કરવામાં આવી રહી છે, જ્યારે રિર્ઝવ ફોર્સને પણ સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. સૌથી મોટી ચિંતાની બાબત એ છે પાકિસ્તાનથી સૌથી નજીક પંજાબ છે, જ્યાં 553 કિલોમીટરનો વિસ્તાર પાકિસ્તાનથી નજીક છે. સરહદી વિસ્તારમાં પઠાણકોટ, ગુરદાસપુર, ડેરા બાબા નાનક, તરનતારન અને ફિરોજપુર વગેરે સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અલબત્ત, પડોશી દેશ પંજાબની સાથે કાશ્મીરમાં પણ અશાંતિ ફેલાવી શકે છે, જેથી જરુરી કાર્યવાહીમાં અનેક શંકાસ્પદની ધરપકડ કરવાની સાથે આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવામાં ટીમ સક્રિય થઈ છે.