રૂપિયા પાછા ટ્રાન્સફર કરવાને બદલે સામેની વ્યક્તિને પોલીસ સ્ટેશને બોલાવો!
યોગેશ સી. પટેલ
મુંબઈ: નાગરિકોને છેતરીને રૂપિયા પડાવવા માટે સાયબર ઠગ દ્વારા નવી તરકીબ અજમાવવામાં આવી રહી હોવાથી તમારા બૅન્ક ખાતામાં ભૂલથી રૂપિયા જમા થાય તો તરત ચેતી જવાની સલાહ પોલીસે આપી છે. ઇરાદાપૂર્વક ‘ભૂલ’ કરીને રૂપિયા પાછા મેળવવા માટે એક લિંક મોકલીને ઠગ ટોળકી દ્વારા તમારું બૅન્ક ખાતું ખાલી કરી નાખવામાં આવે છે. આ રીતે રૂપિયા પાછા ટ્રાન્સફર કરવાને બદલે સામેની વ્યક્તિને પોલીસ સ્ટેશને આવવાનું કહેવા સંદર્ભે સાયબર પોલીસે એક એડ્વાઈઝરી બહાર પાડી છે.
પોલીસની માર્ગદર્શિક અનુસાર સાયબર ઠગ દ્વારા પહેલાં ઇરાદાપૂર્વક તમારા બૅન્ક ખાતા અથવા ઑનલાઈન પેમેન્ટ ઍપ પર અમુક રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રીતે તે તમારા સંપર્કમાં આવે છે. રૂપિયા ટ્રાન્સફર કર્યાની ગણતરીની મિનિટમાં ઠગ તમને કૉલ કરીને રૂપિયા ભૂલથી તમારા એકાઉન્ટમાં જમા થઈ ગયા હોવાનું કહે છે. પછી એ રૂપિયા પાછા ટ્રાન્સફર કરવાની વિનંતી કરે છે.
સાયબર ઠગ તમારા મોબાઈલ પર એક મેસેજ મોકલે છે અને તેમાં તેના બૅન્ક ખાતાની વિગતો હોવાનું કહે છે. મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરતાં જ તમારો મોબાઈલ હૅન્ગ થઈ જાય છે. આ તકનો લાભ ઉઠાવી ઠગ તમારા એકાઉન્ટને હૅક કરી બધી રોકડ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. આ રીતે છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યા પછી સાયબર પોલીસે એડ્વાઈઝરી બહાર પાડીને ઠગ ટોળકીથી સતર્ક રહેવાનું કહ્યું છે. જો કોઈ તમને ભૂલથી મોકલાયેલા રૂપિયા પાછા ટ્રાન્સફર કરવાનું કહે તો તેને અનુસરવાને બદલે આઈડી પ્રૂફ સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં આવીને રૂપિયા લઈ જવાનું કહેવું. આ અંગે પોલીસ સ્ટેશનના અધિકારીને પણ જાણકારી આપવી. આ રીતે છેતરાયેલા લોકોએ સાયબર પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવવાની પણ અપીલ કરવામાં આવી છે.