કોઈના વખાણ સાંભળીને ખુશ થવા કરતાં પોતાની પીઠ થપથપાવીને રોજ ‘તને’ શાબાશી આપજે…!

37

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

પ્રિય નારી,
ગઈકાલે જ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ગયો. જેની ઉજવણી સમગ્ર વિશ્ર્વમાં ખૂબ જ ધામધૂમથી થઈ. તને પણ ઘણાંય લોકોએ શુભેચ્છાઓ આપી હશે. ચોકલેટ્સ, ગુલાબથી લઈને શોપિંગ મોલમાં ડિસ્કાઉન્ટ અને સ્પેશ્યલ ઓફર્સ પણ મળી હશે. વર્કિંગ પ્લેસ પર સરપ્રાઈઝ મળી હશે. સ્ત્રી હોવાના ફાયદાઓ પર જબરદસ્ત ભાષણો સાંભળવા મળ્યા હશે. ‘આજની નારી સબપે ભારી’ પ્રકારની દ્વિઅર્થી વાતોય કોઈ પાસેથી સાંભળી હશે. કિચનથી લઈને કોકપીટ સુધીની સ્ત્રીની સફરની સુફિયાણી અને લપસણી વાતો સાંભળવા મળી હશે. કદાચ આ બધું જોઈને તારી જાત પર ૧૦૦% ગર્વ થતો હશે અને થવો પણ જોઈએ, પરંતુ શું દરેક સ્ત્રી આ દિવસે બતાવવામાં આવતી ‘સ્ત્રી’ની જેમ જીવી રહી છે? શું બધી જ સ્ત્રીઓને સમાજમાં એટલો જ માન, મરતબો, મોભો મળી રહ્યો છે જેટલો આ દિવસે સ્ટેજ પરથી છૂટો ઘા કરવામાં આવે છે?
સ્ત્રી તરીકે જન્મ લેવો અને સક્ષમ સ્ત્રી તરીકે જીવવું આ બેયમાં ફર્ક હોય છે એ તો તું સારી પેઠે સમજતી હોઈશ. તું સમજણી થઈ ત્યારથી લઈને આજ સુધીમાં ડગલે ને પગલે તારા જીવનમાં ‘તું સ્ત્રી છો’ એવો અહેસાસ કરાવવામાં આવ્યો હશે. તારી સ્કૂલ કે કોલેજમાં થતાં પ્રવાસ વખતે ‘ભાઈઓ તો નથી આવવાના ને?’ આવું જાણ્યા પછી તને પ્રવાસમાં જવાની પરમિશન મળતી હતી. કદાચ એ પ્રવાસમાં જવા માટે થઈને તું ખોટું પણ બોલી હોઈશ. ભાઈ સાથે થતી હળવી નોકજોકમાં ભાઈની તરફદારી જ્યારે ઘરના લોકો દ્વારા થઈ હશે ત્યારે તને ચોક્કસ ખોટું લાગતું હશે. થેલીમાં આવતા ભાગના જ્યારે એકસરખા ભાગ થતાં ત્યારે દાદીમા દ્વારા કરવામાં આવતો લગરીક ફર્ક તને આજેય યાદ હશે. તું ભણવામાં ખૂબ હોશિયાર હતી પણ ભાઈને બહારગામ ભણવા મોકલવા માટે થઈને તારે ભણવાનું છોડવું પડેલું એ તો તું કેમ ભૂલી હોય શકે…! સાઇકલ ચલાવવાની તારી ઉંમરમાં નાના ભાઈને સાઇકલ લાવી આપેલી ને તું એકવાર એ લઈને નીકળી પડી પછી તારી જે હાલત થઈ એ તું ક્યારેય ન ભૂલી શકે…
તારા કેટલાક શોખ માટે તે અજમાવેલા તુક્કાઓ કે જુગાડ એ આજના સમયની અલ્ટ્રા મોડર્ન યુગની નારી પણ કરે છે હો…! એના પપ્પાને ગળે વળગાડીને પ્રેમ જતાવતાં ખચકાય છે. પણ મન અને ગામને રાજી કરવા ‘પપ્પા લવ યુ’ જેવા સ્ટેટસ મુકે છે. તને ખબર છે કોલેજમાં ભણતી છોકરી શોપિંગ મોલના ચેન્જિંગ રૂમમાં જઈને, પોતાના મનપસંદ કપડાં પહેરીને એ ફોટોઝ મોબાઈલના લોક કરેલ ફોલ્ડરમાં સાચવી રાખે છે. જ્યારે જ્યારે મન થાય ત્યારે પોતાના જ ફોટોઝ છૂપી રીતે નિહાળીને આનંદ મેળવી લે છે. પોતાની મનપસંદ રિલ્સ બનાવી બે ઘડી ગમ્મત કરી લે છે. કોલેજમાં ઉજવાતા વેસ્ટર્ન ડે માટે વેસ્ટર્ન કપડાં બેગમાં લઈ જઈને ત્યાં ચેન્જ કરીને ડે સેલિબે્રટ કરી લે છે. અરે હોનહાર અને બ્રિલિયન્ટ છોકરી પાસે મોબાઈલ ફોન નથી પણ છેલબટાઉ અને ટપોરીછાપ જેવા એના ભાઈઓ પાસે મોંઘામાં મોંઘા સ્માર્ટ ફોન છે. એનો પણ અફસોસ નથી. પણ જ્યારે એનાં સપનાઓની પાંખો કપાઈ જાય છે ને ત્યારે આધુનિક યુગની એ સ્ત્રી
તૂટે છે.
તું અત્યારે બધી જ રીતે સક્ષમ નારી હોઈશ. પણ તારે તારા ભૂતકાળમાંથી પ્રેરણા લઈને ભવિષ્ય માટે વિચારવાનું છે. તને સરસ સ્ટેજ મળ્યું છે પણ તારી આસપાસ જોવા મળતી અઢળક સ્ત્રીઓ જે રોજ રાત્રે પડખું ફરી ઓશિકાને પલાળે છે અને પછી સૂએ છે એના માટે વિચારવાનું છે. તું અડધી રાત્રે ગાડી લઈને મિત્રો સાથે રખડી શકે છે પણ ચાર-પાંચ વર્ષની નાદાન અને અણસમજુ બાળકીઓ પિંખાઈ રહી છે એના માટે લડવાનું છે. તું છ આંકડામાં કમાતી હોઈશ પણ જેને બે જોડી કપડાં કે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેય ઘરના લોકો પાસે કરગરવું પડે છે એને ન ભૂલતી. તારે ક્યાંય જવા માટે કોઈની પરમિશન લેવાની હવે જરૂર નથી પણ એવીય સ્ત્રીઓ છે જે વગર પરમિશને ઘર બહાર પગ પણ નથી મૂકી શકતી. તું પૂર્ણ રીતે સક્ષમ નારી છો પણ એવી સ્ત્રીઓનો વિચાર કરજે જે પતિ સાથે ખભો મિલાવીને એને આર્થિક ટેકો કરે છે. પતિ અવળા રસ્તે રૂપિયા વેડફે છે તોય બાળકો માટે થઈને મૂંગા મોંએ સહન કરે છે. તને ભલે ગરીમારૂપ સ્ત્રીના એવોર્ડ્સ મળેલા હોય, પણ એ એવોર્ડ્સ સામે મટકું માર્યા વગર જોઈને કહેજે કે તે કેટલી સ્ત્રીઓને ખરાં અર્થમાં આઝાદ થવામાં મદદ
કરી? તારી આસપાસની સ્ત્રીઓ માટે તે ખરા હૃદયથી શું કામ કર્યું? બ્રાન્ડેડ કપડાં, ચશ્મા, સેન્ડલ પહેરીને એવોર્ડ સ્વીકારતી વખતે ફાટેલી સાડી, મોં પર ઉદાસી, પગમાં તૂટેલા ચપ્પલ અને સમાજ દ્વારા બેડીઓમાં બંધાયેલી સ્ત્રીની છબી જો તારી નજર સામે ન આવી હોય તો ધૂળ છે એ એવોર્ડને…!
અને હા, તું આજે સન્માનપાત્ર વ્યવસાય સાથે સંકળાયેલી છો એના બેક સ્ટેજમાં રહેલ અભણ કે ઓછું ભણેલ ઘરની અન્ય સ્ત્રીઓના રોલને ક્યારેય નજરઅંદાજ ન કરતી. આજે તું તારું કામ ખૂબ સારી રીતે કરી શકે છે, સમાજમાં બે માણસ તારા કામના લીધે તને ઓળખે છે એ ઓળખાણ તને ઘરની જ કોઈક સ્ત્રીના લીધે મળી છે એ વાત ગર્વથી કહેતી ફરજે. દીકરાની વાટમાં ઘરમાં અવતરેલી તું ત્રીજી દીકરી હોઈશ અને અવારનવાર તારે આ સાંભળવું પણ પડતું હશે, પરંતુ આ વાતથી તારો જીવ બળ્યો હતો એટલે ભવિષ્યમાં એ જ વાતને લઈને અન્ય સ્ત્રી પોતાનો જીવ ન બાળે એની જવાબદારી તારા પર હશે.
વળી પુરુષો જ સ્ત્રીઓના માર્ગમાં અવરોધક હોય છે એવું મગજમાં ઠસાવતા પહેલાં તારા પપ્પા, ભાઈ, પતિ કે દીકરો એમ ઘરના પુરુષોનો વિચાર એક વાર ચોક્કસ કરી લેજે. હા, તારી અવગણના થઈ હશે, પરંતુ તારું અહિત એ લોકોએ ક્યારેય ઇચ્છ્યું નહીં હોય. જો તું ખરેખર આજના યુગની સશક્ત નારી છો તો સ્ત્રી હોવાના લાભોનો દુરુપયોગ ક્યારેય ન કરતી. તને મળેલા કાયદાઓ તને નડતાં અત્યાચારો માટે છે. એટલે ખોટી કનડગત બિલકુલ સહન ન કરીશ પણ એનો ખોટો ઉપયોગ કરી અન્યો પર અત્યાચાર કરવાનો પરવાનો તને હરગીઝ નથી. કુદરતે સ્ત્રી તરીકે જન્મ આપીને બીજો જીવ પેદા કરવા સક્ષમ બનાવી છે. એ પ્રક્રિયામાં પુરુષનો રોલ પણ છે જ. માટે જીવમાંથી જીવ પેદા કરવાની બાબતનો ગર્વ ચોક્કસ લેવો, પણ અભિમાન ક્યારેય ન કરવું. સ્ત્રી તરીકે તારી સાથે જ્યાં જ્યાં પણ અન્યાય થયો હોય એવું લાગ્યું છે એ પ્રકારનો અન્યાય તારાથી બીજી સ્ત્રીઓ સાથે ન થાય એની કાળજી રાખજે. તારામાં શક્તિનો ભંડાર ભર્યો છે. તું અત્યંત હિંમતવાન છો. તારામાં પ્રતિભા જન્મજાત પડેલી છે. કોઈના વખાણ સાંભળીને ખુશ થવા કરતાં પોતાની પીઠ થપથપાવીને રોજ તને ‘શાબાશી આપજે…!
લિ.
તારો પડછાયો
ક્લાઈમેક્સ:
આપવી છે સૌને આઝાદી, આ બંધન જેવું બધુંયે છોડી દેવું છે, મારે પણ જીવી લેવું છે…
ડૉક્ટર બોલે,માફ કરશો! અમે બચાવી ન શક્યા! એ પહેલાં મારે થોડું જીવી લેવું છે…
-અંકિતા મુલાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!