ખાદી આત્મનિર્ભર ભારતની પ્રેરણા: મોદી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રિવરફ્રન્ટ ખાતે ૭૫૦૦ બહેનોએ ચરખો કાંતી ઈતિહાસ રચ્યો

‘ખાદી ઉત્સવ’: અમદાવાદમાં શનિવારે યોજાયેલા ‘ખાદી ઉત્સવ’ દરમિયાન ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (એજન્સી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ખાદી મહોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ૭૫૦૦ મહિલાએ ચરખા પર સૂત કાંત્યું હતું ત્યારે મોદીએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ખાદીઉદ્યોગને આત્મનિર્ભર ભારતના પ્રેરણાસ્ત્રોત તરીકે ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થયા ત્યારે ૭૫૦૦ મહિલાએ એકસાથે ચરખો કાંતી ઈતિહાસ બનાવ્યો છે. આ સાથે તેમણે અમદાવાદની સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજને પણ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અટલ બ્રિજ સાબરમતી નદીના બે કિનારાને જોડે છે, પરંતુ સાથે ડિઝાઈન અને ઈનોવેશનમાં પણ અભૂતપૂર્વ છે. આની ડિઝાઈનમાં ગુજરાતના પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
ખાદીને તેમણે આત્મનિર્ભર ભારતનાં સપના પૂરાં કરવાના પ્રેરણાસ્ત્રોત ગણાવી હતી. તેમણે ગુલામીના સમયને યાદ કરતાં જણાવ્યું હતું કે ઈતિહાસ સાક્ષી છે કે ખાદીનો એક દોરો આઝાદીના આંદોલનની તાકાત બની ગયો અને ગુલામીની સાંકડોને તોડી નાખી. ખાદીનો આ જ દોરો વિકસિત ભારતના પ્રણને પૂરો કરવાનું માધ્યમ, આત્મનિર્ભર ભારતનાં સપનાં સાકાર કરવા માટેની પ્રેરણા પણ બની શકે છે. તેમણે કોઈ પક્ષનું નામ લીધા વિના એમ પણ કહ્યું હતું કે આઝાદી સમયે જે ખાદીને ગાંધીજીએ દેશના સ્વાભિમાન તરીકે આગળ કરી તેને આઝાદી મળ્યા બાદ હીન ભાવનાથી જોવામાં આવી. આને લીધે ખાદી અને ખાદીથી જોડાયેલો ગ્રામઉદ્યોગ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો. ખાદીની આ સ્થિતિ ખાસ કરીને ગુજરાત માટે ખૂબ જ દુ:ખદાયક હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનની સાથે ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન પણ જોડ્યું. દેશભરમાં ખાદીનો પ્રચાર કરી લોકોને ખાદી સાથે જોડ્યા. તેમણે મહિલાઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે ખાદીઉદ્યોગની વધતી તાકાત પાછળ મહિલા શક્તિનું બહુ મોટું યોગદાન છે. મહેનત કરવાની ભાવના આપણી બહેન-દીકરીઓમાં ભરપૂર છે. આનો એક પુરાવો ગુજરાતના સખી મંડળોનો વિસ્તાર પણ છે.
તેમણે ખાદીને આરોગ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વની ગણાવી હતી. તેમણે દેશના લોકોને અપીલ કરી હતી કે આવનારા તહેવારોમાં ખાદી ગ્રામોદ્યોગથી બનેલી વસ્તુઓ ભેટસોગાદોમાં આપે. તમારી પાસે અલગ અલગ ફેબ્રિકનાં કપડાં હશે, તેમાં તમે ખાદીને જગ્યા આપો તો વોકલ ફોર લોકલ અભિયાનને ગતિ મળશે. તેમણે રમકડાં ઉદ્યોગ અંગે પણ જણાવ્યું હતું કે ગત દિવસોમાં આપણો રમકડાં ઉદ્યોગ પણ પાયમાલ થઈ ગયો હતો હવે સરકારના પ્રયાસોથી ધીમે ધીમે સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે.
વડા પ્રધાન બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ ભુજ ખાતે ભૂકંપનો ભોગ બનેલાની યાદમાં બનાવેલા સ્મૃતિવન સહિત અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે તેમ જ સભાને પણ સંબોધશે અને સાંજે ગાંધીનગર ખાતે અન્ય એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેમના અમદાવાદ આગમન બાદ તેમણે લગભગ એકાદ કલાક માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બંધબારણે ચર્ચા કરી હતી. આ ચર્ચા રાજ્યના વિવિધ પ્રકલ્પો વિશે હોય તેમ માનવામાં આવે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.