ભારતીય નૌકાદળમાં સામેલ થયું INS Vikrant, PM મોદીએ કહ્યું- વિશ્વ ફલક પર ભારતના બુલંદ મનોબળનો હુંકાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS Vikrant આખરે ભારતીય નૌકાદળમાં(Indian Navy) સામેલ થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) તેને દેશને સમર્પિત કર્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આજે કેરળના દરિયા કિનારે દરેક ભારતીય નવા ભવિષ્યના સૂર્યોદયનો સાક્ષી છે. INS વિક્રાંત પર આયોજિત આ કાર્યક્રમ વિશ્વ ક્ષિતિજ પર ભારતના બુલંદ મનોબળનો હુંકાર છે.

INS Vikrantને નૌકાદળને સમર્પિત કરતા PM Modi

નૌકાદળના કાફલામાં આ યુદ્ધજહાજનો સમાવેશ કરાવતા પીએમ મોદીએ કહ્યું કે, વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, અદભુત છે. વિક્રાંત વિશેષ પણ છે અને વિક્રાંત વિશેષ પણ છે. વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી. તે 21મી સદીના ભારતના પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, એક તરફ લક્ષ્યો ઊંચા છે, સફર લાંબી છે, સમંદરની જેમ પડકારો અનંત છે તો ભારતનો જવાબ છે વિક્રાંત. વિક્રાંત એ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે. વિક્રાંત એ આત્મનિર્ભર ભારતનું એક અનોખું પ્રતિબિંબ છે. આજે 2 સપ્ટેમ્બર, 2022ની ઐતિહાસિક તારીખે વધુ એક ઈતિહાસ બદલવાનાર કાર્ય થયું છે આજે ભારતે ગુલામીની નિશાની, ગુલામીનો બોજ ઉતારી લીધો છે. ભારતીય નૌકાદળને આજથી નવો ધ્વજ મળ્યો છે.

ભારતની શાન INS Vikrant

પીએમ મોદીએ INS વિક્રાંત વિશે કહ્યું કે, આજે ભારત વિશ્વના એવા દેશોમાં સામેલ થઈ ગયું છે, જે સ્વદેશી ટેક્નોલોજીથી આટલું વિશાળ એરક્રાફ્ટ કેરિયર બનાવે છે. આજે INS વિક્રાંતે દેશને એક નવા આત્મવિશ્વાસથી ભરી દીધો છે, દેશવાસીઓમાં નવો આત્મવિશ્વાસ પેદા કર્યો છે. આજે વિક્રાંતને જોઈને સમુદ્રની આ લહેરો આહ્વાન રહી છે, અમર્ત્ય એક બહાદુર પુત્ર બનો, એક દ્રઢ પ્રતિજ્ઞા લો, એક વિશાળ પવિત્ર યાત્રા છે, બઢે ચલો બઢે ચલો. તેમણે વધુમાં કહ્યું કે, આઈએનએસ વિક્રાંતના દરેક ભાગમાં પોતાની એક આગવી ખૂબી છે, એક તાકાત, તેની પોતાની વિકાસ યાત્રા. તે સ્વદેશી સામર્થ્ય, સ્વદેશી સંસાધનો અને સ્વદેશી કૌશલ્યોનું પ્રતીક છે.
આ દરમિયાન રક્ષાપ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા. તેમણે કહ્યું કે ‘અમૃતકાલ’ની શરૂઆતમાં INS વિક્રાંતનું આગમન આગામી 25 વર્ષમાં રાષ્ટ્રની રક્ષા કરવાના આપણા સંકલ્પને દર્શાવે છે. INS વિક્રાંત એક મહત્વાકાંક્ષી અને આત્મનિર્ભર ભારતનું અસાધારણ પ્રતીક છે. ભારતીય નૌકાદળ હંમેશા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સંકટો સામે પ્રથમ પ્રતિક્રિયા આપવા તૈયાર છે. INS વિક્રાંતના સમાવેશ સાથે ભારતીય નૌકાદળની ક્ષમતા વધુ મજબૂત થશે.

INS વિક્રાંતની પાંચ ખાસિયતો:

1.આ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરમાં લગભગ અઢી હજાર કિલોમીટર લાંબા ઇલેક્ટ્રિક કેબલ લાગેલા છે. એટલે કે તેમાં લાગેલા કેબલને પાથરવામાં આવે તો તે કોચીથી દિલ્હી પહોંચી શકે છે.
2. વિક્રાંતની ટોપ સ્પીડ 28 નોટ્સ છે અને તે એક સમયે 7500 નોટિકલ માઈલ (14 હજાર કિમી)નું અંતર કાપી શકે છે, એટલે કે તે એક સમયે ભારત છોડ્યા બાદ બ્રાઝિલ પહોંચી શકે છે.
3. INS વિક્રાંતમાં 14 ડેક એટલે કે ફ્લોર અને 2300 કમ્પાર્ટમેન્ટ છે. તેના પર લગભગ 1700 નૌસૈનિક તૈનાત થઈ શકે છે. મહિલા અધિકારીઓ અને મહિલા અગ્નીવીરો માટે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર્સમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
4. વિક્રાંતના રસોડામાં એક દિવસમાં 4800 લોકો માટે ભોજન અને 10 હજાર રોટલી બનાવી શકાય છે.
5. INS વિક્રાંતમાં એક નાની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે, જેમાં 16 બેડ છે. આ ઉપરાંત 250 ઓઈલ ટેન્કર હાજર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.