Homeદેશ વિદેશસ્થાનિક તેમ જ અમેરિકામાં ફુગાવાલક્ષી દબાણ હળવું થતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત...

સ્થાનિક તેમ જ અમેરિકામાં ફુગાવાલક્ષી દબાણ હળવું થતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત બીજા સત્રમાં આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત નવેમ્બર મહિનામાં ઈંધણ, ખાદ્ય અને ઉત્પાદિત થયેલી ચીજોના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૨૧ મહિનાની નીચી ૫.૮૫ ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ગઈકાલે અમેરિકા ખાતે પણ જાહેર થયેલા ફુગાવાનો આંક બજારની અપેક્ષા કરતાં સારો આવ્યો હોવાથી વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત બીજા સત્રમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૪૪.૬૧ પૉઈન્ટની અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૫૨.૩૦ પૉઈન્ટની આગેકૂચ જળવાઈ રહી હતી.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૬૨,૫૩૩.૩૦ના બંધ સામે સુધારાના ટોને ૬૨,૬૮૫.૯૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૬૨,૫૯૧.૨૮ અને ઉપરમાં ૬૨,૮૩૫.૧૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૪૪.૬૧ પૉઈન્ટ અથવા તો ૦.૨૩ ટકા વધીને ૬૨,૬૭૭.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૮,૬૦૮ના બંધ સામે સુધારાના ટોને ૧૮,૬૭૧.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૮,૬૩૨.૯૦ અને ઉપરમાં ૧૮,૬૯૬.૧૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૫૨.૩૦ પૉઈન્ટ અથવા તો ૦.૨૮ ટકા વધીને ૧૮,૬૬૦.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે વૈશ્ર્વિક અર્થતંત્રોના ફુગાવના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવી રહ્યા હોવાથી વિશ્ર્વ બજારમાં ખાસ કરીને આઈટી શૅરોમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત નવેમ્બર મહિનામાં અમેરિકાનો ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો ૭.૧ ટકાના સ્તરે રહ્યો હોવાના નિર્દેશ સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારા માટે આક્રમક અભિગમ ન અપનાવતા વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવો આશાવાદ સપાટી પર આવતાં સ્થાનિક તેમ જ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણને ટેકો મળ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં સ્થાનિકમાં આજે જાહેર થયેલો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૨૧ મહિનાની નીચી ૫.૮૫ ટકાની સપાટીએ રહેતાં બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આજે મોડી સાંજે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પર સ્થિર થઈ હોવાનું મેહતા ઈક્વિટીઝ લિ.નાં રિસર્ચ વિભાગના રિસર્ચ એનાલિસ્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું.
દરમિયાન આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૨૧ શૅરના ભાવ વધીને અને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીના ૫૦ શૅર પૈકી ૩૪ શૅરના ભાવ વધીને અને ૧૬ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૧.૮૪ ટકાનો વધારો ટેક મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. આ સિવાય ટાટા સ્ટીલમાં ૧.૬૬ ટકાનો, એનટીપીસીમાં ૧.૬૩ ટકાનો, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા અને ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૪૪ ટકાનો અને પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૧.૨૭ ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૮૨ ટકાનો ઘટાડો નેસ્લેમાં જોવા મળ્યો હતો.
આ સિવાય આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૧૬ ટકાનો, ભારતી એરટેલમાં ૧.૧૩ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૦.૯૫ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૦.૮૯ ટકાનો અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૩૬ ટકાનો ઘટાડો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં બીએસઈ મેટલ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૧.૪૪ ટકાનો, બીએસઈ સીપીએસઈ ઈન્ડેક્સમાં ૧.૦૯ ટકાનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પીએસયુ ઈન્ડેક્સમાં ૧.૦૨ ટકાનો અને બીએસઈ કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૯૨ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે, આજે માત્ર પાંચ સેક્ટોરિયલ ઈન્ડેકસ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં બીએસઈ બેઝિક મટીરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, એફએમસી ઈન્ડેકસમાં ૦.૩૭ ટકાનો અને એનર્જી ઈન્ડેક્સમાં ૦.૦૩ ટકાનો ઘટાડો આવ્યો હતો.
દરમિયાન ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૧૯.૯૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૦૬ ટકા ઘટીને બેરલદીઠ ૮૦.૬૩ ડૉલર આસપાસ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસાના સુધારા સાથે ૮૨.૪૯ની સપાટીએ બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular