જથ્થાબંધ ભાવાંકમાં ભારે ઘટાડો
નવી દિલ્હી: ખાદ્યસામગ્રી, ઈંધણ અને ઉત્પાદનની અન્ય વસ્તુઓના ભાવમાં ઘટાડો થતાં નવેમ્બર મહિનામાં ફુગાવા આધારિત (હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ) જથ્થાબંધ ભાવાંક ૨૧ મહિનાની સૌથી નીચી સપાટીએ એટલે કે ૫.૮૫ ટકા રહ્યો હતો. ફુગાવા આધારિત જથ્થાબંધ ભાવાંકમાં મે મહિનાથી સતત ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. ઑક્ટોબરમાં જથ્થાબંધ ભાવાંક ઘટીને સિંગલ ડિજિટ એટલે કે ૮.૩૯ ટકા પર આવી ગયો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગયા વર્ષના વ્યાપક બૅઝ અને ખાદ્યસામગ્રીના ઘટેલા ભાવોએ પણ નવેમ્બર, ૨૦૨૨માં જથ્થાબંધ ભાવાંકમાં થયેલા ઘટાડામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેબ્રુઆરી, ૨૦૨૧માં જથ્થાબંધ ભાવાંક ૪.૮૩ ટકા રહ્યો હતો.
અગાઉના વર્ષના એ જ સમયગાળાની સરખામણીએ ખાદ્યસામગ્રી, કાચી ધાતુ, ટેક્સ્ટાઈલ્સ, કેમિકલ્સ અને કેમિકલ ઉત્પાદનો, પેપર તેમ જ પેપરનાં ઉત્પાદનોના ભાવમાં થયેલા ઘટાડાએ નવેમ્બર, ૨૦૨૨માં ફુગાવાના દરમાં થયેલા ઘટાડામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાએ બુધવારે કહ્યું હતું.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું હતું કે ફુગાવાનો દર ઘટાડવા સરકાર સામાન્ય લોકો માટે કામ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ અને અધિકારીઓએ સમયાંતરે દરમિયાનગીરી કરીને યોગ્ય પગલાં લીધાં હોવાને કારણે આ પરિણામો મળી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
નવેમ્બરમાં ખાદ્યસામગ્રીનો ફુગાવાનો દર અગાઉના મહિનાના ૩.૩૩ ટકાની સરખામણીએ ૧.૦૭ ટકા રહ્યો હતો.
નવેમ્બરમાં ફળ અને શાકભાજીનો ફુગાવાનો દર ઑક્ટોબર મહિનાના ૧૭.૬૧ ટકાની સરખામણીએ (-૨૦.૦૮) ટકા રહ્યો હતો.
નવેમ્બરમાં ઈંધણ અને ઊર્જા ક્ષેત્રમાં ફુગાવાનો દર ૧૭.૩૫ ટકા તો ઉત્પાદન ક્ષેત્રમાં આ દર ૩.૫૯ ટકા રહ્યો હતો.
નાણાકીય નીતિ ઘડી કાઢવા આરબીઆઈ રિટેલ ફુગાવાના દરને ધ્યાનમાં લે છે.
આ અઠવાડિયાના આરંભમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ નવેમ્બર મહિનામાં ખાદ્યસામગ્રી સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં થયેલા ઘટાડાને કારણે ફુગાવાનો દર આરબીઆઈએ મુકરર કરેલી છ ટકાની ટોચમર્યાદા કરતા ઓછો રહ્યો હતો.
નવેમ્બરમાં ફુગાવાનો દર ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ રહ્યો હતો.
નવેમ્બરમાં ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) આધારિત રિટેલ ફુગાવાનો દર ઘટીને ૫.૮૮ ટકા થઈ ગયો હતો.
ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં નાણાકીય નીતિની કરવામાં આવનારી સમીક્ષામાં આરબીઆઈ વ્યાજદરમાં વધુ પચીસ બેસિસ પૉઈન્ટનો વધારો કરશે એવી અપેક્ષા નિષ્ણાતોને છે. (એજન્સી)