પહેલી તારીખે કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજુ કર્યાના બીજા જ દિવસે સામાન્ય નાગરિકને મોંઘવારીને વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. જો કે આ ભાવ વધારો હાલ ગુજરાતમાં લાગૂ નહીં થાય.
નોંધવા લાયક બાબત તો એ છે કે 3 ફેબ્રુઆરીથી જ લાગુ થનાર ભાવ વધારાની જાહેરાત અમુલે છેક 2 ફેબ્રુઆરીની રાત્રે કરી હતી. આ ભાવ વધારો હાલ ગુજરાતમાં લાગૂ નહીં થાય પણ અન્ય રાજ્યોના નાગરીકો માટે દૂધ મોંઘુ બનશે. આ વધારા પછી, અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂ. 66, અમૂલ તાજા રૂ. 54 પ્રતિ લિટર, અમૂલ ગાયનું દૂધ રૂ. 56 પ્રતિ લિટર અને અમૂલ ભેંસના દૂધની કિંમત હવે રૂ. 70 પ્રતિ લિટર થશે. અમુલે દહીં અને અન્ય પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કર્યો છે.
કંપનીએ જણાવ્યું કે હવે ગ્રાહકોએ અમૂલ તાજા દૂધના અડધા લિટર માટે 27 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગોલ્ડના અડધા લિટર માટે 33 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગાયના અડધા લિટર દૂધ માટે 28 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ A2 ભેંસના અડધા લિટર દૂધ માટે 35 રૂપિયા ચૂકવવા પડશે.
છેલ્લી વખત અમૂલ કંપનીએ ઓક્ટોબર 2022માં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો અને આજે 3 ફેબ્રુઆરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એટલે કે ઓક્ટોબર 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી, દૂધની કિંમતમાં દર મહિને સરેરાશ 1 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી છે કે ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે અમૂલ દૂધની કિંમતમાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચારાની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે. કંપનીએ કહ્યું કે તેના કારણે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી ખેડૂતોના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 8-9 ટકાનો વધારો થયો છે.