વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાવા જઈ રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મેચ માટે મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3,500 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દર 37 સીટ્સ માટે એક પોલીસ કર્મચારી ફરજ પર રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સ્ટેડીયમની લગભગ 85,000 સીટો ભરાઈ જવાની શક્યતા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટેડિયમની 1.32 લાખ કેપેસિટીને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 12,000 પોલીસ કર્મચારીઓ છે, જેના લગભગ 30%થી વધુ એટલે કે ત્રીજા ભગાના પોલીસકર્મીઓ મેચ દરમિયાન સુરક્ષા માટે સ્ટેડીયમમાં તૈનાત કરાયા છે. કુલ તૈનાત પોલીસકર્મીઓ માંથી લગભગ 40% (1,300 કર્મચારીઓ) ટ્રાફિક નિયંત્રણ માટે ફરજ પર રહેશે અને 60% (2,200 કર્મચારીઓ) સ્ટેડિયમની અંદર અને બહાર સુરક્ષા માટે ફરજ પર રહેશે.
આ ઉપરાંત 8 બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) તૈનાત કરી છે. તમામ પાર્કિંગ લોટ અને એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર એન્ટી-સેબોટેજ ટીમ હાજર રહેશે. ટ્રાફિક પોલીસ બુધવારે શહેરની આસપાસના ટ્રાફિક વિશે ગૂગલ મેપ્સને અપડેટ કરવા માટે નવી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું પણ શરૂ કરશે.
અમદાવાદ ફાયર વિભાગના 25 કર્મચારીઓ હાજર રહેશે. 5 એમ્બ્યુલન્સને નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં સ્ટેન્ડબાય રખવામાં આવી છે.
INDvsNZ: અમદાવાદના ત્રીજા ભાગના પોલીસકર્મીઓ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં તૈનાત
RELATED ARTICLES