રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારો આપ્યા હતા. આ દરમિયાન ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કુમાર મંગલમ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કુમાર મંગલમ બિઝનેસ ક્ષેત્રે પદ્મ ભૂષણ મેળવનાર એકમાત્ર વ્યક્તિ છે. આ વર્ષે માત્ર કુમાર મંગલમ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મ ભૂષણ મળ્યું છે. આ સન્માન બાદ કુમાર મંગલમનું નામ પણ તેમના પરિવારમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં જોડાઈ ગયું છે. પદ્મ પુરસ્કાર મેળવનાર તેઓ તેમના પરિવારના ચોથા વ્યક્તિ બન્યા છે. આ પહેલા તેમની માતા રાજશ્રી બિરલાને પણ પદ્મ ભૂષણ એવોર્ડ મળી ચુક્યો છે. આ સાથે તેમના દાદા બસંત કુમાર બિરલા અને તેમના પરદાદા ઘનશ્યામ દાસ બિરલાને પણ પદ્મ ભૂષણ એવોર્ડ મળ્યો છે.
પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં 19 મહિલાઓઃ
આ વર્ષે 106 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદીમાં 19 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એમ ત્રણ કેટેગરીમાં પદ્મ પુરસ્કા આપવામાં આવે છે. પદ્મ પુરસ્કાર એ ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંનો એક છે, જેની સ્થાપના 1954માં કરવામાં આવી હતી. આ પુરસ્કારો કલા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓને માન્યતા આપવા માટે આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. આ પુરસ્કારો ભારતીય નાગરિકો તેમજ વિદેશી નાગરિકો બંનેને આપવામાં આવે છે.