Homeદેશ વિદેશઈન્દોર મંદિર દુર્ઘટના

ઈન્દોર મંદિર દુર્ઘટના

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રામનવમીના મહાપર્વ નિમિત્તે મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં આવેલા પટેલ નગરના શ્રી બેલેશ્ર્વર મહાદેવ અને ઝૂલેલાલના પ્રાચીન મંદિરમાં આયોજિત હવન વખતે સર્જાયેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા ૩૬ જણમાં ૧૧ જણ કચ્છી પાટીદાર સમાજના હતા અને તેને લીધે બૃહદ કચ્છમાં શોક ફેલાયો હતો.
મૃતકોમાં લક્ષ્મીબેન રતિલાલ દીવાણી (૭૦, ટોડિયા), દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી (૬૦, નખત્રાણા), કનકબેન કૌશલભાઈ રામાણી (૩૨, નખત્રાણા), ગોમતીબેન ગંગદાસ પોકાર (૭૦, રામપર સરવા), પુષ્પાબેન દિનેશભાઈ પોકાર (૪૯, હરીપર), કસ્તુરબેન મનોહરભાઈ રામાણી (૬૫, નખત્રાણા), પ્રિયંકાબેન પરેશભાઈ પોકાર (૩૦, હરિપર), શારદાબેન કેશવલાલ પોકાર (૫૫, રામપર ખીરસરા), રતનબેન નાનજીભાઈ રામાણી (૮૨, નખત્રાણા ), જાનીબેન ગંગદાસભાઈ રામાણી (૭૦, નખત્રાણા), વિનોદભાઈ ધનજીભાઈ ખીમાણી (૫૮, વિરાણી મોટી) તેમ જ નખત્રાણાના વતની અને પાટીદાર સમાજના આગેવાન લક્ષ્મીકાંત રામાણીના પત્ની દક્ષાબેન અને પુત્રવધૂ કનકબેનના મૃત્યુ નીપજ્યાં છે.
મંદિરના હવનમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓ ઉમટેલા. મંદિર પરિસરમાં આવેલી એક વાવ પર બનાવવામાં આવેલી છત તૂટી પડતાં ૫૦થી વધુ શ્રદ્ધાળુઓ ૬૦ ફૂટ ઊંડી વાવમાં ખાબકતાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામનારા ૩૬ મૃતકોમાંથી ૧૦ મહિલા સહિત ૧૧ મૃતકો મૂળ કચ્છી પાટીદાર સમાજના હોવાના અહેવાલો સામે આવતાં કચ્છ સહિત સમગ્ર બૃહદ કચ્છમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
રામનવમીના પાવન પર્વના દિવસે ઇન્દોરના શ્રી બેલેશ્ર્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના પરિસરમાં આવેલી ૨૦ બાય ૨૦ ફૂટ લાંબી-પહોળી અને ૫૦ ફૂટ ઊંડી પ્રાચીન વાવ પર ‘દબાણ’ સ્વરૂપે બનાવાયેલી છત અચાનક તૂટી પડતાં તેના પર રહેલા શ્રદ્ધાળુઓ અડધી પાણીથી ભરેલી વાવમાં ખાબક્યાં હતા.આ દુર્ઘટનામાં પાટીદાર સમાજની ૧૦ મહિલા અને ૧ પુરુષ સહિત ૧૧ લોકોના મૃત્યુ નીપજ્યાં છે, ચાર લોકો ઘાયલ થયાં છે. મધ્ય પ્રદેશની રાજધાની ઇન્દોરના પટેલ નગર વિસ્તારમાં રણપ્રદેશ કચ્છથી દાયકાઓ અગાઉ સ્થળાંતર કરીને વસી ગયેલાં કચ્છી પાટીદાર સમાજના મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. નખત્રાણા સ્થિત પાટીદાર આગેવાન ઈશ્ર્વરભાઈ ભગતે મૃતકોમાં પાટીદાર સત્યનારાયણ સમાજના પાંચ અને નવલખા સમાજના છ મળી ૧૧ના મૃત્યુ નીપજ્યાં હોવાના અહેવાલોની પુષ્ટિ કરી છે.
———-
પટેલોએ માનવતા મહેકાવી: આઠ મૃતકનાં ઑર્ગન ડોનેટ કર્યાં
ઈન્દોર: અહીંના મંદિરમાં વાવ પર બનેલી છત તૂટી પડવાની દુર્ઘટનામાં માર્યા ગયેલા કુલ ૩૬ લોકોમાં દક્ષ પટેલ, લક્ષ્મી પટેલ અને કનક પટેલ નામના ત્રણ પટેલ અને કચ્છી પાટીદાર સમાજના ૧૧ જણનો પણ સમાવેશ થતો હતો, તેમાંના આઠ જણનાં સગાંએ મૃતકોના આંખ, ચામડી સહિતના ઑર્ગન ડૉનેશન માટે સંમતિ આપી હતી. રામ નવમીના દિવસે બેલેશ્ર્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં
હવન દરમિયાન બનેલી આ ઘટનામાં માર્યા ગયેલાઓમાં ઈન્દ્રકુમાર, ભૂમિકા ખાનચંદાની, જયંતીબાઈ, દક્ષ પટેલ, લક્ષ્મી પટેલ, ભારતી કૂકરેજા, ઈન્દર ચાંદકી અને કનક પટેલનો સમાવેશ થાય છે.
આઠ મૃતકના પરિવારજનોએ આંખ અને ત્વચાનું દાન કરવાની લેખિત સંમતિ આપી હતી.
ભારે હૃદય સાથે પરિવારજનો મૃતકનાં ઑર્ગન ડોનેશન માટે રાજી થયા હોવાનું ઑર્ગન ડૉનેશન સંસ્થાના સાંદીપનિ આર્યાએ કહ્યું હતું. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -