ભારત-ચીન સરહદ પર ચીનની વધતી ગતિવિધિઓને ધ્યાનમાં લઈને ભારત સરકાર પણ એકદમ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને એની અસર હાલમાં જ થયેવી કેબિનેટની સીસીએસ મીટિંગમાં પણ જોવા મળી હતી. આ બેઠકમાં લદાખ બોર્ડર પર Shinkun La tunnel 2025 સુધી તૈયાર કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે અને આઈટીબીપીના જવાનોની ભરતીનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
ચીન તરફથી વધતાં જતાં જોખમને ધ્યાનમાં લઈને મોદી સરકાર દ્વારા ભારત-ચીન સરહદ પર ઓલ વેધર કનેક્ટિવિટી માટે Shinkun La tunnelના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ ટનલનું નિર્માણ ભારતની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. આ ટનલ બની ગયા બાદ કોઈ પણ ઋતુમાં આપણા જવાનો ત્યાં સરળતાથી આવ-જા કરી શકશે. એટલું જ નહીં જો જરૂર પડે તો આપણે પણ ગણતરીના સમયમાં જવાનો સુધી મદદ પહોંચાડી શકીશું.
લદાખની બોર્ડર પર બનનારી આ ટનલની લંબાઈ 4.1 કિલોમીટર જેટલી હશે અને તેને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ ટનલ બનાવવા માટે રૂપિયા 1,681 કરોડનો ખર્ચ થશે અને ડિસેમ્બર, 2025 સુધી તે બનીને તૈયાર થઈ જશે.
આ સિવાય આ બેઠકમાં આઈટીબીપીની સાત નવી બટાલિયનને બોર્ડર પર તહેનાત કરવામાં આવશે અને એ માટે 9,400 નવા જવાનોની ભરતીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.