નવી દિલ્હીઃ ભારત-ચીન સીમા વિવાદ ઠંડો પડવાનું નામ નથી લઈ રહ્યું અને વિપક્ષ પણ સરકાર પર સકંજો કસવાની એક પણ તક છોડતું નથી. રાજ્યસભામાં પણ ચીનના મુદ્દે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું અને આ બધી ધમાલ વચ્ચે જ તિબેટિયનોના સૌથી મોટા ધર્મગુરુ દલાઈ લામાનું એવું નિવેદન સામે આવ્યું છે કે જેને કારણે ડ્રેગન કદાચ વધુ લાલ-પીળો થઈ શકે છે.
દલાઈ લામાએ એવું નિવેદન આપ્યું થે કે તે ચીન પાછા જવાના નથી અને આજીવન ભારતમાં જ રહેવા માગે છે. હિમાચલ પ્રદેશના કાંગડામાં હાજર દલાઈ લામાએ કહ્યું કે ચીન પાછા જવાનો કોઈ મતલબ નથી, મને ભારત પસંદ છે. કાંગડા કે જે પંડિત નહેરુની પણ મનપસંદ જગ્યા હતી એ જ મારું સ્થાયી નિવાસસ્થાન છે. આ નિવેદન તેમણે એવા સમયે આપ્યું હતું જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ક્યારેય ચીન પાછા જશે ખરા?
ચીન સાથેના વિવાદ પર બૌદ્ધ ભિક્ષુઓ ભારતીય સૈન્યને સમર્થન આપી રહ્યા છે. તવાંગમાં ચીની સૈન્ય સાથે થયેલી ઝડપ બાદ તવાંગમાં જ આવેલા પ્રસિદ્ધ મઠના ભિક્ષુ લામા યેશી ખાવોએ એવું કહ્યું હતું કે આ 1962 નથી, 2022 છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે. મોદીજી કોઈને નહીં છોડે. અમે લોકો ભારતીય સૈન્ય અને મોદી સરકારને પૂરું સમર્થન આપીએ છીએ. તવાંગ એ ભારતનું એક અભિન્ન અંગ છે અને અમને કોઈ ચિંતા નથી, કારણ કે અમને ખબર છે કે ભારતીય સેના સીમા પર તહેનાત છે.