લોસ એન્જેલસ પાસેના મોન્ટેરી પાર્કમાં ચીનના નવા વર્ષની ઉજવણી વખતે હુમલો
લોસ એન્જેલસ: અમેરિકાના કૅલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જેલસ શહેરથી ૧૬ કિલોમીટર દૂરના મોન્ટેરી પાર્કમાં ૧૦,૦૦૦ લોકોની મેદની વચ્ચે ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ જણ માર્યા ગયા હતા અને ૧૦ જણ ઘાયલ થયા હતા. ચીની નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અમેરિકન સમય પ્રમાણે શનિવારની રાતે લગભગ ૧૦ વાગ્યે કરવામાં આવેલા ગોળીબારમાં મરણાંક વધવાની શક્યતા પોલીસે દર્શાવી હતી. રંગભેદને કારણે હુમલો કરાયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
સંગીતના ઘોંઘાટમાં ગોળીબારનો અવાજ સંભળાયો નહોતો. કેટલાક લોકોને સહેજ અવાજ સંભળાયો તેમણે આતશબાજીમાં તડાફડી ફૂટતી હોવાનો અંદાજ માંડ્યો હતો. લગભગ ૬૦,૦૦૦ લોકોની વસતી ધરાવતા મોન્ટેરી પાર્કમાં બહુમતી વસતી એશિયન લોકોની છે. કોઈ માથા ફરેલ યુવાને મશીનગનમાંથી આડેધડ ગોળીબાર કર્યો હોવાનું મોન્ટેરી પાર્કની ગાર્વે એવન્યૂના કેટલાક દુકાનદારોએ જણાવ્યું હતું.
શનિ-રવિવાર એમ બે દિવસ ચીની નૂતન વર્ષના કાર્યક્રમો યોજાયા હતા. દક્ષિણ કૅલિફોર્નિયામાં યોજાતા મોટા ઉત્સવોમાં એક ચીની નૂતનવર્ષનો કાર્યક્રમ છે. એ નિમિત્તે શનિવારે સવારે ૧૦ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. ગાર્વે એવન્યૂમાં ગોળીબાર પછી લોકોની દોડધામ, પોલીસ જવાનોની હાજરી તથા ફાયર યુનિટ્સને દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. પોલીસે એ વિસ્તારને કોર્ડન કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે.
ચંદ્રની ગતિ પર આધારિત ચીની કૅલેન્ડરના નૂતનવર્ષની ઉજવણી દરમિયાન બનેલી ગોળીબારની ઘટનાની ખબર મળતાં ડઝનબંધ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગાર્વે એવન્યૂમાં કામ હાઉસ સી ફૂડ બાર્બેક્યુ રેસ્ટૉરાં ધરાવતા સેઉંગ વોન ચોઇએ જણાવ્યું હતું કે રાતે ત્રણ જણ દોડતા દોડતા મારા રેસ્ટૉરાં પાસેથી પસાર થયા ત્યારે તેમણે દરવાજો બંધ કરી દેવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક જણ મશીનગનમાંથી બેફામ ગોળીબાર કરી રહ્યો છે અને તેની પાસે ઘણી બધી કારતૂસો પણ છે. એ ગમે ત્યાં પહોંચીને ગોળીબાર કરી શકે છે.
લોસ એન્જેલસ કાઉન્ટી શૅરિફ ડિપાર્ટમેન્ટના સાર્જન્ટ બોબ બોએસે જણાવ્યું હતું કે વેપારધંધાથી ધમધમતી ગાર્વે એવન્યૂમાં ગોળીબાર કરનારા યુવાનની શોધ ચાલે છે. પ્રથમદર્શી રીતે રંગભેદને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનો અંદાજ રાખવામાં આવે છે. (એજન્સી)