Indigoનું પ્લેન ટેક ઓફ દરમિયાન સરકીને કાદવમાં ફસાઈ ગયું, તમામ 98 મુસાફરો સુરક્ષિત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગુરુવારે આસામના જોરહાટથી કોલકાતા જતી ઇન્ડિગોની ફ્લાઈટ ટેક ઓફ દરમિયાન રનવે પરથી લપસી નજીકના કિચડમાં ફસાઈ જતા ફ્લાઇટને રદ કરવામાં આવી હતી.
ઇન્ડિગોના અધિકારીએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં કેટલીક ટેકનિકલ સમસ્યા હતી જેને કારણે ફ્લાઇટને રદ કરવામાં આવી હતી. પ્લેનમાં 98 મુસાફરો હતા. બધા મુસાફરો સલામત હોવાની પણ તેમણે માહિતી આપી હતી. આ ફ્લાઈટ 6E-757 બપોરે 2.20 કલાકના તેના નિર્ધારિત સમય મુજબ પ્રસ્થાન કરવાની હતી પરંતુ આ ઘટના બાદ ફ્લાઇટ મોડી પડી હતી.
આસામના જોરહાટ એરપોર્ટની જાળવણી IAF (ઇન્ડિયન એરફોર્સ) દ્વારા કરવામા આવતી હોવાથી મુસાફરોને ઉતારવા અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમની મદદ લેવામાં આવી હતી, પરંતુ લગભગ છ કલાક સુધી સમસ્યાને સુધારી શકાઇ નહોતી. ત્યાર બાદ ફ્લાઇટને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બનાવની તપાસ માટે એક આંતરિક ટીમની રચના કરવામાં આવી છે.
નોંધનીય છે કે આજકાલ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાવાની ઘટનામાં ઘણો વધારો થયો છે, જેને કારણે પ્રવાસીઓની સલામતી અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. DGCAએ આવી ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે અને એરલાઇન્સ સામે પગલા લેવાનો નિર્ણય લીધો છે.
આવા જ એક પગલામાં સુરક્ષિત અને વિશ્વાસપાત્ર હવાઇ પરિવહન સેવા સ્થાપિત કરવામાં અસમર્થ રહેનારી સ્પાઇસ જેટ એરલાઇન્સ સામે તાજેતરમાં જ DGCAએ કાર્યવાહી કરી હતી અને તેની 50 ટકા જેટલી ફ્લાઇટ્સ આઠ અઠવાડિયા સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.