નવી દિલ્હી: સ્વદેશી બનાવટનાં પાંચ તેજસ લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ સંયુક્ત આરબ અમિરાતમાં યોજાનારી હવાઈ દળોની વિવિધ કવાયતોમાં સામેલ થશે. પરદેશમાં યોજાતી લશ્કરી વિમાનોની કવાયતમાં સ્વદેશી વિમાન સહભાગી થવાની આ પહેલી ઘટના છે. ‘એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લૅગ’માં સામેલ થવા માટે ભારતીય હવાઈ દળના ૧૧૦ જવાનોનો કાફલો શનિવારે સંયુક્ત આરબ અમિરાતના અલ દાહરા ઍરબેઝ ખાતે પહોંચ્યો હતો. ભારતીય હવાઈ દળના પાંચ તેજસ ઉપરાંત બે સી-૧૭ ગ્લોબમાસ્ટર-થ્રી ઍરક્રાફ્ટ સહભાગી થશે. આગામી ૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ સુધી યોજાતી ‘એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લૅગ’માં સંયુક્ત આરબ અમિરાત અને ભારત ઉપરાંત ફ્રાન્સ, કુવૈત, ઑસ્ટ્રેલિયા, બ્રિટન, બાહરીન, મોરોક્કો, સ્પેન, રિપબ્લિક ઑફ કોરિયા અને અમેરિકાના હવાઈ દળો ભાગ લેશે. આ કવાયતનો હેતુ લડાયક કાર્યવાહીના વિવિધ પ્રકારોમાં સહભાગી થવાનો છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સમાં ઉત્પાદિત તેજસ લાઇટ કૉમ્બેટ સિંગલ એન્જિન મલ્ટી-રોલ સુપર સોનિક ઍરક્રાફ્ટ છે. વિમાનો દ્વારા લશ્કરી કાર્યવાહીનાં જોખમો તોળાયેલાં હોય એવા પ્રદેશોમાં ચોક્સાઈ અને ચતુરાઈભરી કામગીરી તેજસ વડે કરી શકાય છે. (એજન્સી)