Homeરોજ બરોજયુએસની ચૂંટણીમાં ભારતની જીત કે હાર?

યુએસની ચૂંટણીમાં ભારતની જીત કે હાર?

રોજ બરોજ -અભિમન્યુ મોદી

અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પૂર્ણ થઈ અને ભારતીયો છવાઈ ગયા. અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત ૨૩ વર્ષીય સૈયદ સૌથી યુવા સાંસદ (કૉંગ્રેસ) તરીકે ચૂંટાયા છે.પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, અમી બેરા, વંદના સ્લેટર, શ્રી એસ.ઓ, ડૉ. વેંકટ સહિતના ડઝનેક ભારતીયો ચૂંટાયા તેનાથી તો સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ પણ ખુશ થવું જરૂરી છે? ભારતીયો અમેરિકન સ્વિંગ રાજ્યોમાં એક મહત્ત્વપૂર્ણ મત તરીકે ઉભરી આવ્યા છે, જ્યાં જીત કે હારનો નિર્ણય થોડા હજાર મતોથી થાય છે. યુએસ થિંક ટેન્ક કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના ૨૦૨૦ના અહેવાલ મુજબ, પસંદગીનાં સ્વિંગ રાજ્યોમાં ભારતીય અમેરિકન વસ્તી જીતના માર્જિન કરતાં મોટી છે, જેણે ૨૦૧૬માં હિલેરી ક્લિન્ટન અને ૨૦૨૦માં ટ્રમ્પને નજીવા ફેરથી બહાર કર્યા હતા.
ભારતીયોનો એક ગુણ છે. તેઓ જ્યાં જાય ત્યાંના થઈને રહે છે. દુનિયાને કોઈ પણ ખૂણે વસવાટ કરનારો ભારતીય પોતાની માતૃભૂમિ સાથેનો નાતો પણ અતૂટ રાખે છે અને જે ભૂમિ પર પગ મૂક્યો હોય તેની ધરતીમાં પણ ઊંડા મૂળિયા નાખવા પ્રયત્નીશીલ રહે છે. પોતાની સંસ્કૃતિ ટકાવી રાખીને પણ બીજા દેશની સંસ્કૃતિ, સામાજિક રીતરસમો તે અપનાવી લેતા અચકાતો નથી. અને આ રીતે તે જે તે દેશના સમાજમાં એકરસ થઈ ઉન્નતિના શિખરે પહોંચે છે.
મૂળ ભારતીય લોકો વિદેશમાં ચૂંટાય છે ત્યારે ભારતમાં વસતા લોકો ખુશ એટલા માટે થાય છે કે તેઓ માને છે કે જે ભારતને વિદેશના લોકો પછાત કહેતા હતા તે ભારતીય હવે તેમના પર શાસન કરી રહ્યો છે. બ્રિટનના વડા પ્રધાનપદે રહીને ભલે ઋષિ સુનક ભારત તરફી કોઇ નિર્ણય ના કરે, પરંતુ તેથી તેમનું મૂળ ભારતીયવાળું લેબલ ખસી નથી જવાનું. આ લોકોને વારંવાર ઇન્ડિયન અમેરિકન અને બ્રિટિશ ઇન્ડિયન કહેવડાવવું ગમતું નથી. અમેરિકાના એમી બેરા કહી ચૂક્યા છે કે મને કોઇ વારંવાર ઇન્ડિયન અમેરિકન કહે તે ગમતું નથી. આ લોકો વર્ષોથી વિદેશમાં રહેતા હોય છે. એમાંના કેટલાય ભાગ્યે જ ભારતનું નામ ગૌરવથી લેતા હોય છે. તેમનું સર્કલ પણ જે-તે દેશના લોકોનું જ બનેલું હોય છે.
હવે વિદેશમાં ભારતનું નામ ચમકતું થયું છે અને વિશ્ર્વમાં પાંચમા નંબરની ઇકોનોમી થયા પછી વિશ્ર્વનું રાજકારણ પણ ભારતની દરેક ચાલ પર નજર રાખી રહ્યું છે. અમેરિકામાં આજે હાઉસ ઓેફ રિપ્રેઝન્ટેટીવ્ઝની ચૂંટણી યોજાઇ છે. આ મધ્યસત્ર ચૂંટણીમાં પાંચ ભારતીયો ઊભા રહ્યા છે. આ બધાં નામો જાણીતાં છે. જેમકે એમી બેરા છ વખતથી અને પ્રેમિલા જયપાલ ચાર વર્ષથી સેનેટમાં છે. આ ચૂંટણીમાં એમી બેરા,રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના,પ્રમિલા જયપાલના ચૂંટાવાના ચાન્સ ઉજળા છે. આ બધા ડેમોક્રેટ ઉમેદવારો છે અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી એવા રિપબ્લિકનને હરાવી દેશે. આ જંગમાં જેને નવો ભારતીય ચહેરો કહી શકાય તે ઉદ્યોગપતિ થાણેદાર છે. તે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમની લોબી બહુ પ્રભાવશાળી છે. ભારતની ચૂંટણીની જેમ જ અમેરિકામાં ચૂંટણી લડાય છે, પરંતુ તેમાં થોડી શિસ્ત જોવા મળે છે. દરેક ઉમેદવાર પોતાની જવાબદારી નિભાવતા હોય છે અને પહેલાં પોતાની લોબી મજબૂત કરે છે અને પછી પ્રચાર કરે છે.
અમેરિકામાં ભારતીયોનું પ્રભુત્વ વધતું જાય છે. પહેલાં ભારતીયો અમેરિકાના રાજકારણમાં બહુ પડતા નહોતા, પરંતુ હવે તેમની સંખ્યા વધતાં રાજકારણનો મોહ વધવા લાગ્યો છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વખતે ભારતીય મતદારોને રીઝવવા પ્રયાસ કરાય છે. નવરાત્રિ અને ગણપતિ જેવા મહોત્સવમાં અમેરિકી સાંસદો ભાગ લઇ રહ્યા છે, જે બતાવે છે કે તેમને ભારતીયોના મતમાં રસ છે.
વિદેશમાં વસીને સમૃદ્ધ થયેલા લોકો રાજકારણમાં સક્રિય રહીને પોતાના સમાજમાં વગ ઊભી કરતા હોય છે. અમેરિકાના રાજકારણમાં ભારતીયોની સક્રિયતા જોતાં લાગે છે કે બ્રિટનની જેમ અમેરિકામાં પણ ભવિષ્યમાં કદાચ કોઇ ઇન્ડિયન મૂળની વ્યક્તિ અમેરિકન પ્રમુખ બની શકે છે. વિદેશના રાજકારણમાં ભારતીયોનું પ્રભુત્વ વધે તો ભારતને કોઇ લાભ થઇ શકે એવું માનવાની જરૂર નથી હોતી, પરંતુ આનાથી ભારતીયોનું ઓવરઓલ સન્માન વધે છે. ભારતીયોને ડર્ટી હિન્દુ કહેનારા હવે ડરતા ફરશેે, કેમકે હવે હિન્દુ તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા છે. એક સમયે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ એલાઉડ એમ લખનારા અને કહેનારા બ્રિટિશરોનેે હવે વાજતે ગાજતે ઋષિ સુનકને વડા પ્રધાન પદે બેસાડવા પડ્યા છે.
સમય બદલાઇ રહ્યો છે. જે લોકો ભારતને નબળો દેશ ગણતા હતા તેમને ભારતની કોર્ટમાં હાથ જોડીને ઊભા રહેવું પડયું છે. ભારતમાં કાયદાના રક્ષકો મેનેજેબલ છે એમ માનનારા ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલને કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાએ જંગી દંડ ફટકારીને ચૂપ કરી દીધું હતું. અહીં મહત્ત્વનું એ છે કે વિદેશમાં ભલે ભારતીયો રાજકારણમાં આગળ આવે, પરંતુ ભારતીયોની ઇમેજ પર જ્યારે છાંટા ઉડતા હોય ત્યારે ભારતીયોની વહારે આવે અને મેરા ભારત મહાન એમ બોલે ત્યારે ખરા. અમેરિકાના ભારતીય પ્રતિનિધિઓ પોતે મૂળ ભારતીય હોવાનું કહીને ભારતીયોના વોટ લે છે, પરંતુ તેઓ પરેશાન કરાતા ભારતીયોની વહારે આવે તે જરૂરી છે.
ભારતીયોનો આ પ્રભાવ રાતોરાત નથી વધી ગયો. છેલ્લા બે દાયકાથી અમેરિકામાં વસતા ઈન્ડિયનો પોતાની કુનેહથી જાહેરજીવનમાં પ્રગતિ કરતા જાય છે. તેમાં આધ્યાત્મિક ગુરુ દીપક ચોપરાથી લઈને મશહૂર હોટેલિયર સંતસિંહ ચટવાલ ફેમિલીનો પણ સમાવેશ થાય છે. બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશને ઈન્ડિયન કરીનો ટેસડો કરાવનાર આ ચટવાલ પરિવાર જ હતો. લ્યુસિયાના સ્ટેટના ગવર્નરપદ સુધી પહોંચેલા જિન્દાલની પ્રગતિ પણ સૌનું ધ્યાન ખેંચે તેવી છે.
૧૯૬૦ના દાયકામાં અમેરિકામાં માત્ર સોળ હજાર ભારતીયો હતા. આજે તેમની સંખ્યા વધીને ૪૦લાખ કરતાં વધી ગઈ છે. યુએસ ગવર્નમેન્ટની ઉચ્ચ સરકારી નોકરીઓમાં ૩૫૦થી વધુ ભારતીયો તેમની કુશાગ્ર બુદ્ધિ અને નિષ્ઠાને પ્રતાપે બિરાજે છે. તેથી જ હવે અમેરિકાના સમાજમાં ભારતીયોનું વજન વધી રહ્યું છે. ઇન્ડિયન લોકોને હવે સમાજમાં માન સન્માન મળે છે. તેથી જ અમેરિકાના ધોળિયાઓ પર પણ ભારતીયો પ્રભાવ પાડે છે. અમેરિકાની કુલ મોટેલોમાંથી ૪૪ ટકા હિસ્સો ભારતીય લોકોની માલિકીનો છે.
એક પરિવર્તન તાજેતરમાં એ જોવા મળે છે કે ઘણાં ભારતીયો ખાનગી અમેરિકન કંપનીઓમાંની આકર્ષક નોકરીને તિલાંજલિ આપી સરકારી તંત્રમાં જોડાવા લાગ્યા છે. ડૉ. થોમસ જ્યોર્જ પ્રથમ વેસ્ટિંગ હાઉસ કંપનીમાં નોકરી કરી હતી. પછી તેઓ ઊર્જા ખાતામાં પ્રોગ્રામ મેનેજર તરીકે જોડાયા. એક ખાનગી પેઢીમાં વકીલ તરીકેની સફળ કારકિર્દી ઘડનાર રાજ ગુપ્તા અત્યારે જોય ચેરિયનના ધારાશાસ્ત્રી અને સલાહકાર તરીકે જોડાઈ ગયા છે. અમેરિકામાં ખાનગી કંપનીની નોકરી ખૂબ કઠિન, સ્પર્ધાવાળી અને જોબ સલામતીની દ્રષ્ટિએ જોખમી ગણાય છે, જ્યારે સારા પગારવાળી સરકારી નોકરી બિલકુલ સલામત ગણાય છે.
અમેરિકામાં વસતા ભારતના લોકો જેટલું ઇન્ડિયન-અમેરિકન- ઇન્ડિયન-અમેરિકન કરે છે એટલો પ્રતિભાવ સત્તા પર આવેલા ઇન્ડિયન-અમેરિકન નથી કરતા. એ લોકો માટે તો અમેરિકા ફર્સ્ટ વાળી નીતિ હોય છે. તેમનું કુળ ભારતીય છે, પરંતુ તે પોતે તો અમેરિકામાં જ જનમ્યા છે. એટલે તેમને પોતાના કુળનું કનેકશન ભારતીય છે તે યાદ છે પણ તે નખ-શિખ અમેરિકન બની ગયા હોય છે. ત્યારે રાજકારણમાં પ્રવેશ્યા બાદ તેમના વિચારોમાં ભારત પ્રત્યે પરિવર્તન આવશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular