ભારતની ‘સિલિકોન વેલી’ જળબંબાકાર

દેશ વિદેશ

ભારતની ‘સિલિકોન વેલી’ જળબંબાકાર

બેંગલુરુમાં અતિવર્ષા
કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં અતિવર્ષાને કારણે શહેરના બેલાંદુર વિસ્તાર પાસે જળબંબાકાર થયેલા આઉટર રિંગ રોડ પરથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારની તસવીર. (પીટીઆઈ)

 

બેંગલુરુ : સોમવારે પડેલા મુશળધાર વરસાદને કારણે ભારતની આઈટી રાજધાની બેંગલુરુમાં ઠેર ઠેર પાણી ભરાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, જેના કારણે કથિત ગેરવહીવટ અને પ્રશાસન સામે લોકોમાં રોષ ફેલાયો હતો.
ઘણા લોકોએ તેમની ફરિયાદો ટ્વિટર પર કરી હતી. એક નાના વીડિયોમાં શહેરના એરપોર્ટનું પ્રવેશદ્વાર નજીકથી હવાઈ મુસાફરો પગની ઘૂંટી સમાન ભરાયેલાં પાણીમાંથી પસાર થતા દેખાયા હતા.
ટ્રાફિકની સમસ્યા વધી હતી અનેક વિસ્તરોમાં પાણી ભરાયાં હતાં. સવારે ઓફિસ જનારાઓ, શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ખસેડવા માટે બોટ અને ટ્રેક્ટર તૈનાત કરવામાં આવ્યાં હતાં.
ટ્વિટર પર અપલોડ કરાયેલા એક વિડિયોમાં, ભગવાન ગણેશનો પોશાક પહેરેલો એક માણસ ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થતો દર્શાવ્યો હતો, જ્યારે બેકગ્રાઉન્ડમાં વાહનવ્યવહાર ઠપ જોવા મળ્યો હતો. કાર અને બસો અન્ય જગ્યાએ સ્થિર પાણીમાં ડૂબી ગઈ હતી.
શહેરમાં અનેક તળાવો અને પાણીનાં નાળાં છલકાઈ ગયાં હતાં, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને અસર થઈ હતી જ્યાં પાણી ઘરોમાં પ્રવેશ્યું હતું.
રેઈનબો ડ્રાઈવ લેઆઉટ અને સરજાપુર રોડ પર સન્ની બ્રૂક્સ લેઆઉટ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે સવારે વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારાઓને લઈ જવા માટે ટ્રેક્ટર અને બોટનો ઉપયોગ કરાયો હતો. આઉટર રિંગ રોડ, જેમાં કેટલીક આઇ ટી કંપનીઓ આવેલી
છે, તેમાં પાણી ભરાઈ જવાનો અને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો અને લોકો ફસાયેલા જોવામાં આવ્યા હતા. એક ટ્વિટર યુઝરે કહ્યું કે તે આઉટર રિંગ રોડ પર પાંચ કલાકથી અટવાયેલો હતો.
મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓને તે જોવા માટે સૂચના આપી છે કે વહેલામાં વહેલી તકે પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પાણીનો નિકાલ થાય.
ભારે વરસાદને કારણે, બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડના યુનિટમાં પાણી ભરાઈ ગયું છે અને ત્યાંની મશીનરીને નુકસાન થયું હોવાનું નોંધતા, બોમ્માઈએ જણાવ્યું હતું કે તેઓ નિરીક્ષણ માટે ત્યાંની મુલાકાત લેશે.
જોકે, બોર્ડે સોમવાર અને મંગળવારે બેંગલુરુના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠામાં વિક્ષેપ આવવાની ચેતવણી આપી છે. (એજનસી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.