આપણા દેશમાં લોકોના ભણતર, તેમની પાસેની ડિગ્રીઓ પરથી જજ કરવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે આપણા નેતાઓની પસંદગી કરીએ છીએ ત્યારે આ મહત્ત્વની વાત ભૂલી જઈએ છીએ. આ જ કારણ છે કે ભારતમાં ચૂંટણી લડનારા મોટાભાગના નેતાઓ ભણેલા-ગણેલા નથી, અરે કેટલાક નેતાઓને સ્થિતિ તો એટલી બધી દયનીય છે કે તેમને સરખી રીતે હિંદી કે અંગ્રેજી વાંચતા સુધ્ધા નથી આવડતું. પરંતુ તેમ છતાં તેઓ દેશના મોટા પદ પર બિરાજમાન છે. પરંતુ આજે આપણે અહીં ઓછું ભણેલાં કે અભણ નેતાઓને નહીં પણ દેશના સૌથી વધુ ભણેલાં-ગણેલાં નેતાની વાત કરીશું…
આ નેતા પાસે એટલી ડિગ્રીઓ હતી કે તેને એક ટેબલ પર રાખવાનું પણ અશક્ય હતું. જો તમે વિચારી રહ્યા હોવ કે આ નેતા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર હતા તો તમારો આ વિચાર ખોટો છે અને આ નેતાનું નામ છે ડો. શ્રીકાંત જિચકર અને તેમની પાસે 20થી વધુ ડિગ્રીઓ હતી.
14મી સપ્ટેમ્બર, 1954ના નાગપુરમાં જન્મેલા ડો. શ્રીકાંતે 1973થી 1990 વચ્ચે 42 યુનિવર્સિટીમાં પરીક્ષાઓ આપી હતી અને તેમાંથી 20માં તેમને સફળતા મળી હતી. મોટાભાગની પરીક્ષાઓમાં તેઓ ફર્સ્ટ ક્લાસથી પાસ થયા હતા, જ્યારે અમુકમાં તેમને ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. અરે તેમણે તો દેશની સૌથી અઘરામાં અઘરી પરીક્ષા ગણાતી આઈપીએસની પરીક્ષા પણ પાસ કરી હતી. એ વાત અલગ છે કે તેઓ વધુ દિવસો સુધી આ નોકરીમાં રહ્યા નહોતા અને ત્યાંથી રાજીનામું આપીને તેમણે આઈએએસની પરીક્ષા આપી હતી અને એ નોકરીમાં પણ તેમણે ચાર મહિનામાં જ રાજીનામુ આપીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ડો. શ્રીકાંતનું નામ નોંધાયેલું છે અને તેમને ભારતના સૌથી યોગ્ય વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ડો. શ્રીકાંત પાસે 20થી વધુ ડિગ્રીઓ હતી, જેમાં પોલિટિક્સ, થિયેટર, જર્નાલિઝમ પર રિસર્ચ પણ કરી ચૂક્યા છે.
1980માં તેમણે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જિતીને 26 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવાન વિધાનસભ્ય બન્યા હતા. રાજકારણમાં તેમની પકડ એટલી જોરદાર હતી કે તેમને એક મજબૂત પોર્ટફોલિયો આપવામાં આવ્યો હતો અને તેમને 1-2 નહીં પૂરા 14 ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યા હતા. 1986થી 1992 સુધી તેઓ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા હતા અને 1992થી 1998 સુધી તેમણે રાજ્યસભામાં સાંસદ તરીકે સેવા આપી હતી. 2004માં બીજી જૂનના દિવસે 60 કિલોમીટર દૂર રોડ એક્સિડન્ટમાં તેમનું નિધન થઈ ગયું હતું. મૃત્યુ બાદ પણ આ નેતાએ ભારતના રાજકારણમાં પોતાની અમિટ છાપ છોડી છે, જે આજ સુધી કોઈ પણ નેતા ભૂંસી શક્યું નથી….
વાત ભારતના સૌથી વધુ ભણેલાં-ગણેલાં નેતાની…
RELATED ARTICLES