Homeદેશ વિદેશભારતની ડિજિટલ સ્ટ્રાઇક: ચીનની ૨૩૨ ઍપ પર પ્રતિબંધ

ભારતની ડિજિટલ સ્ટ્રાઇક: ચીનની ૨૩૨ ઍપ પર પ્રતિબંધ

નવી દિલ્હી: ભારતના હિતોને હાનિકારક એવા પાડોશી દેશો સામે સખતાઈભર્યા પગલાંમાં કેન્દ્ર સરકારે ચીનના સટ્ટા બેટિંગના ૧૩૮ અને ગેરકાયદે લોનના ૯૪ મળીને ૨૩૨ ઍપ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું રવિવારે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ ઍપને બ્લૉક કરવા સાથે પ્રતિબંધનો નિર્ણય ‘તાકીદે’ અને ‘તાત્કાલિક’ અમલમાં આવે એ રીતે લાગુ કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દેશના અનેક ભાગોમાં સટ્ટા બેટિંગ અને જુગાર ગેરકાયદે હોવાથી બેટિંગ પ્લેટફોર્મ્સની જાહેરાતોને પણ ગેરકાયદે ગણવાની ઍડવાઇઝરી માહિતી અને પ્રસારણ મંત્રાલયે બહાર પાડી હતી.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રાલયની ભલામણથી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયે ગયા અઠવાડિયે આ નિર્ણય લીધો હતો. એ ૨૩૨ ઍપ્સ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાને હાનિકારક હોવાનું ખાતરીપૂર્વક જણાતાં ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની ૬૯મી કલમ હેઠળ એ તમામને બ્લૉક કરીને તેમના પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો. વિવિધ વ્યક્તિઓ, કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા સંચાલિત મોબાઇલ ઍપ્સ દ્વારા નાની રકમોની લોન લેનારા સામાન્ય નાગરિકોએ કરેલી ખંડણીની ઊઘરાણી અને હેરાનગતિની ફરિયાદોને આધારે સરકારે આ પગલું લીધું હતું.
ઉક્ત મોબાઇલ ઍપ્સ ચીની નાગરિકોએ શરૂ કરીને તેમાં ભારતીયોને ડિરેક્ટર ઇન ઓપરેશન્સ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપલબ્ધ માહિતી પ્રમાણે નાણાંની તાકીદની જરૂરિયાત ધરાવતા લોકો લોન લેવા લલચાતા હતા અને તેમની પાસેથી ૩૦૦૦ ટકા સુધી વ્યાજ વસૂલવામાં આવતું હતું. દેવાદારો વ્યાજ ભરતાં હાંફી જતા હોવાથી મૂળ રકમ ચૂકવવાની મોટી મુશ્કેલી રહેતી હતી. તેથી ઉક્ત ઍપ્સ માટે કામ કરનારા માણસો દેવાદારને પરેશાન કરતા હતા. એ માણસો ધિરાણ લેનારાઓને હેરાન કરવા માટે બીભત્સ સંદેશા મોકલીને તેમના મોર્ફિંગ કરેલા અશ્ર્લીલ ફોટોગ્રાફ્સ તેમના પરિચિતો-સંપર્કના લોકોને મોકલીને શરમજનક સ્થિતિમાં મૂકવાની ધમકીઓ પણ આપતા હતા.
આંધ્ર-તેલંગણમાં કેટલાક સટ્ટા બેટિંગના ઍપ્સમાં પૈસા ગુમાવ્યા પછી આપઘાતના કિસ્સા બન્યા પછી આ પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. તેલંગણ, ઓડિશા, ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોની સરકારો અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઝ તરફથી ઉક્ત ઍપ્સ બાબતે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને ઉક્ત મોબાઇલ ઍપ્સ સામે પગલાં લેવાની ભલામણો કરવામાં આવી હતી. એ ફરિયાદોની ભૂમિકાના આધારે કેન્દ્રના ગૃહ મંત્રાલયે ૨૮ ચીની લોન લૅન્ડિંગ ઍપ્સની તપાસ કરવા માંડી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ૯૪ ઍપ્સ ઇ-સ્ટોર્સમાં ઉપલબ્ધ છે અને અન્ય ઍપ્સ થર્ડ પાર્ટી લિન્ક્સ દ્વારા સક્રિય છે. ઘણા ઍપ્સ હવે ડાઉનલોડ કરવા માટે સ્માર્ટ ફોન પર ઉપલબ્ધ નથી, પરંતુ સટ્ટા બેટિંગના ઍપ્સ અને ગેમ્સ ઇન્ડિપેન્ડન્ટ લિન્ક્સ અથવા વેબસાઇટ્સ દ્વારા ડાઉન લોડ કરાય છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular