ચંદ્ર પર ટૂંક સમયમાં જ રેપર, કોરિયોગ્રાફર, ફોટોગ્રાફર, અભિનેતાની એક ટીમ પહોંચવાની છે. જાપાની અરબપતિ યાસૂકા મીજાવાનાં ‘ડિયર મૂન’ મિશન માટે ક્રૂ મેમ્બર ફાઈનલ થઈ ગયા. તેઓએ ચંદ્ર પર જનારા કલાકારોનાં નામની જાહેરાત કરી દીધી છે. યાસૂકાની આ પ્રાઈવેટ પેસેન્જર ઉડાન ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનાં માધ્યમથી પૂરી થશે.
હજુ સુધી ચંદ્ર પર પહોંચવાની કવાયતમાં વૈજ્ઞાનિક, ડૉક્ટર, એન્જિનીયર, નર્સ, પ્રોગ્રામર, કેટરર, મેથેમેટિશિયન જેવા લોકો સામેલ થઈ ચૂક્યા છે પણ આ પહેલીવાર બનશે કે, ચંદ્ર પર કલાકારોનું ગ્રુપ યાત્રા કરશે.
યાસૂકાની ટીમમાં અમેરિકી ડિજે સ્ટિવ આઓકી, સાઉથ કોરિયાનાં ટોપ પોપ રેપર ચોઈ સેઉંગ હ્યૂન, ચેક રિપબ્લિકનાં ડાન્સર-કોરિયોગ્રાફર યેમી એડી, આયરલેન્ડની ફોટોગ્રાફર રિયાનન એડમ, યૂકેનાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર કરિમ ઈલિયા, અમેરિકી ફિલ્મ નિર્માતા બ્રેંડન હોલ અને ભારતનાં ગુજરાતી કલાકાર દેવ જોશી જેવા કલાકારોનાં નામ ક્રૂમાં સામેલ છે. બેકઅપ ક્રૂમાં તેઓએ યૂએસ ઓલિમ્પિક સ્નોબોર્ડર કેટલિન ફરગિંટન અને જાપાની ડાન્સર મિયૂને પસંદ કરી.
ગુજરાતી એક્ટર દેવ જોશી ‘બાલ વીર’માં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક લાંબીલચક પોસ્ટ મૂકીને દેવ જોશીએ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિનો આભાર માન્યો છે અને જીવનમાં એકવાર આવતી આવી અભૂતપૂર્વ ક્ષણ માટે ગૌરવ, આશ્ચર્ય અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.
જાપાની અરબપતિ યાસુકાએ ચંદ્ર પર જનારા રોકેટની તમામ સીટ વર્ષ 2018માં ખરીદી લીધી હતી. ગયા વર્ષે તેઓએ જાહેરાત કરી હતી કે, તે ચંદ્રયાત્રા માટે 8 લોકોને શોધી રહ્યા છે. આ પછી 3 લાખ જેટલા લોકોએ ચંદ્રયાત્રાનો લાભ લેવા માટે અરજીઓ મોકલી હતી. ચંદ્રયાત્રા માટે સ્ક્રિનીંગ, અસાઈમેન્ટ પછી મેડિકલ ટેસ્ટ અને પછી યાસુકા સાથેનો ઈન્ટરવ્યુ ફાઈનલ કરવામાં આવ્યો હતો.
આ ચંદ્રયાત્રા 2023નાં શરુઆતનાં અઠવાડિયામાં થવાની હતી પણ વિશ્વનાં તમામ લોકોને આ યાત્રાનો લાભ આપવા માટે આ ઉડાનને બીજા વર્ષમાં શેડ્યુલ કરવામાં આવી છે. જોકે, અમેરિકી રેગ્યુલેટર્સે હજુ સુધી આ યાત્રા માટે ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીનાં સ્ટારશિપ રોકેટને મંજૂરી આપી નથી. આ સ્ટારશિપને પૃથ્વીની આસપાસ ઓર્બિટલ યાત્રા માટે પણ મંજૂરી આપવામાં આવી નથી. ગયા વર્ષે થયેલા ટેસ્ટ લોન્ચ પછી તે ટેક્સાસમાં જ છે.