નવી દિલ્હી: નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. ૧૫,૯૨૦ કરોડને આંબી ગઈ છે જે અત્યાર સુધીની સૌથી વધારે નિકાસ છે એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે જણાવતા આ એક નોંધનીય સિદ્ધિ હોવાનું જણાવ્યું હતું. સંરક્ષણ ક્ષેત્રમાં જે સુધારા કરવામાં આવ્યા છે, તેના પગલે આ સારાં પરિણામ મળી રહ્યાં છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજનાથ સિંહના ટ્વિટનો જવાબ આપતાં જણાવ્યું હતું.
૨૦૨૧-૨૨ દરમિયાન દેશની સંરક્ષણ નિકાસ રૂ. ૧૨,૮૧૪ કરોડની હતી એમ સત્તાવાર આંકડામાં જણાવાયું હતું. ‘ભારતની સંરક્ષણ નિકાસ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં રૂ. ૧૫,૯૨૦ કરોડ નોંધાઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધારે છે. દેશ માટે આ એક નોંધનીય સિદ્ધિ છે’ એમ રાજનાથ સિંહે ટ્વિટર પર જણાવ્યું હતું. ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણારૂપ નેતાગીરી હેઠળ
આપણી સંરક્ષણ નિકાસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે’ એમ રાજનાથ સિંહે જણાવ્યું હતું.
ભારતે ૨૦૨૦-૨૧માં રૂ. ૮,૪૩૪ કરોડના લશ્કરી હાર્ડવેરની નિકાસ કરી હતી. ૨૦૧૯-૨૦માં આ નિકાસ રૂ. ૯,૧૧૫ કરોડની હતી, જ્યારે ૨૦૧૮-૧૯માં એ નિકાસ રૂ. ૧૦,૭૪૫ કરોડની હતી, એવી આંકડાકીય માહિતી રાજનાથ સિંહે પૂરી પાડી હતી.
૨૦૧૭-૧૮માં રૂ. ૪,૬૮૨ કરોડ અને ૨૦૧૬-૧૭માં આ નિકાસ રૂ. ૧,૫૨૧ કરોડની હતી.
સરકારે અત્યારે સંરક્ષણ હાર્ડવેરનું ઉત્પાદન રૂ. ૧,૭૫,૦૦૦ કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે અને ૨૦૨૪-૨૫ આ નિકાસ રૂ. ૩૫,૦૦૦ કરોડ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે.
છેલ્લાં કેટલાંક વર્ષમાં સરકારે ઘરઆંગણે સંરક્ષણ સાધનોનું ઉત્પાદન વધે એ માટે અનેક પ્રકારનાં પગલાં ભર્યાં છે.
દરમિયાન સંરક્ષણ ખાતાએ ગોવા અને કોચીમાંના નેવલ એરક્રાફ્ટ યાર્ડ્સ (એનએવાય)ને આધુનિક બનાવવા માટે એક કંપની સાથે રૂ. ૪૭૦ કરોડનો કરાર કર્યો છે. (પીટીઆઈ)