Homeટોપ ન્યૂઝઆવતા જ છવાઇ ગઇ રિઝર્વ બેંકની ડિજિટલ કરન્સી, પ્રથમ દિવસે 275 કરોડ...

આવતા જ છવાઇ ગઇ રિઝર્વ બેંકની ડિજિટલ કરન્સી, પ્રથમ દિવસે 275 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ થયા

ભારત સરકારે 01 ફેબ્રુઆરી, 2022ના રોજ સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં નાણાકીય વર્ષ 2022-23થી ડિજિટલ કરન્સી (CBDC) શરૂ કરવાની જાહેરાત કરી હતી. ભારત સરકારની એ જાહેરાત આજે હકીકત બની ગઇ છે.
RBIની ડિજિટલ કરન્સી પહેલી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. તેને CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) નામ આપવામાં આવ્યું છે. અત્યારે તો ડિજિટલ કરન્સી રોજિંદા પેમેન્ટ માટે શરૂ કરવામાં આવી નથી, પરંતુ તેનો ઉપયોગ સરકારી સુરક્ષાના વ્યવહારમાં થઈ રહ્યો છે. આરબીઆઇની ડિજિટલ કરન્સીની પ્રથમ ટ્રાયલમાં ભાગ લેવા માટે જે નવ બેંકોની પસંદગી કરવામાં આવી છે, તેમાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એચએસબીસીનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે, ઘણી બેંકોએ આ વર્ચ્યુઅલ મનીનો ઉપયોગ કરીને સરકારી બોન્ડ સાથે સંબંધિત લગભગ 50 વ્યવહારો કર્યા હતા. દરેક બેંકે સીબીડીસીમાં ઓછામાં ઓછા ચારથી પાંચ સોદા કર્યા છે.

ડિજિટલ કરન્સી કેવી રીતે કામ કરે છે?

દરેક સહભાગી બેંક પાસે ડિજિટલ કરન્સી એકાઉન્ટ હોય છે, જેને CBDC એકાઉન્ટ કહેવાય છે. તેની જાળવણી આરબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. બેંકોએ પહેલા તેમના ખાતામાંથી આ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે. જો કોઇ X બેંક કોઇ પણ Y બેંકમાંથી બોન્ડ ખરીદતી હોય તો X બેંકના CBDC ખાતામાંથી એ રકમ ડેબિટ કરવામાં આવશે અને Y બેંકના CBDC ખાતામાં ક્રેડિટ કરવામાં આવશે. તે જ દિવસે ડિજિટલ સેટલમેન્ટ થશે.
જો આ ટ્રાયલ સફળ થશે તો આરબીઆઇ અન્ય જથ્થાબંધ વ્યવહારોમાં પણ CBDCના ઉપયોગને માન્યતા આપશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, ભારતના ચલણના ઈતિહાસમાં આ એક ઐતિહાસિક ક્ષણ છે અને તે વેપાર કરવાની સમગ્ર રીતને બદલી નાખશે.
નોંધનીય છે કે વિશ્વના લગભગ 109 દેશો કાં તો ડિજિટલ કરન્સીનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે અથવા તેને લાગુ કરવાનું વિચારી રહ્યા છે. ભારત પણ આ દેશોમાંથી એક છે.
RBIના જણાવ્યા અનુસાર, ભારતમાં 100 રૂપિયાની નોટ છાપવા માટે 15-17 રૂપિયાનો ખર્ચ થાય છે. ચલણી નોટ વધુમાં વધુ ચાર વર્ષ સુધી ચાલે છે. સેન્ટ્રલ બેંકે હજારો કરોડ રૂપિયાની નવી નોટો છાપવાની છે. એવામાં ડિજિટલ કરન્સી આવશે તો સરકારના અબજો રૂપિયાની બચત થશે.

RELATED ARTICLES

Most Popular