નવી દિલ્હીઃ નવમી જાન્યુઆરીને નોન રેસિડન્ટ ઈન્ડિયન ડે કે પછી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ જ દિવસે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવા કેટલાક ફેક્ટ્સ જે તમને ચોંકાવી નાખશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈન્દોરમાં એક કાર્યક્રમમાં ભાગ લઈને આ પ્રવાસી ભારતીયોનું સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલાં 17મા પ્રવાસ ભારતીય દિવસ સંમેલનમાં દુનિયાભરથી આવેલા ભારતવાસીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે લોકો કહે છે કે ઈન્દોર એક શહેર છે, પણ હું કહું છું ઈન્દોર એક દોર છે… જેણે પોતાનો વારસો જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, તેમણે વિદેશમાં રહેનારા ભારતીયોને એ દેશમાં ભારતના રાષ્ટ્રદૂત હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આજે એ લોકો તમામ પોતાની માટીને વંદન કરવા આવ્યા છે.
બેક ટુ પેવેલિયન આવીને નાગરિકતા છોડી રહેલા ભારતીયોની વાત કરીએ તો તમે નહીં માનો પણ રોજે આશરે 500 જેટલા ભારતીયો પોતાની નાગરિકતા છોડીને વિદેશી નાગરિકત્વ અપનાવી રહ્યા છે. આ આંકડા એવા સમયે બહાર આવી રહ્યા છે જ્યારે સરકાર એક તરફ વિદેશી ભારતીયોને પોતાના દેશ સાથે જોડવા માટેના શક્ય એ તમામ પ્રયાસો કરી રહી છે. બીજી બાજુ દર વર્ષે આશરે 1.80 લાખ ભારતીયો તેમની નાગરિકતા છોડીને વિદેશી બની રહ્યા છે. એમાંથી પણ 7 હજાર લોકો એવા છે કે જેમની નેટવર્થ રુપિયા 8 કરોડથી પણ વધુ છે. આ સિવાયના બાકીના લોકો પણ સારી કમાણી કરનારા વ્યાવસાયિકો છે.
Addressing the Pravasi Bharatiya Divas Convention in Indore. The Indian diaspora has distinguished itself all over the world. https://t.co/gQE1KYZIze
— Narendra Modi (@narendramodi) January 9, 2023
આટલી મોટી સંખ્યામાં જો ભારતીયો પોતાની નાગરિકતા ત્યજી રહ્યા હોય તો એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે કેમ તેઓ આવું કરી રહ્યા છે? તો 2020ના ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના રિપોર્ટ અનુસાર આખી દુનિયામાં હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ જ્યારે તેમની નાગરિકતા છોડે ત્યારે તેનું મુખ્ય કારણ ક્રાઈમ રેટમાં વધારો કે પછી દેશમાં વેપારની તકનો અભાવ હોય છે. ભારતીયો પોતાની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા અપનાવી રહ્યા છે તેના કારણોમાં મહિલા-બાળકો માટે સુરક્ષિત વાતાવરણ, લાઈસ્ટાઈલ ફેક્ટર્સ જેમ કે પ્રદૂષણ ફ્રી હવા, વધારે કમાણી, ઓછો ઈન્કમ ટેક્સ, સારી હેલ્થ કેર, બાળકો માટે સારું એજ્યુકેશન વગેરે વગેરે..
આ સિવાય નાગરિકતા છોડનારા લોકોની સંખ્યામાં વધારો થવાનું એક મહત્ત્વનું કારણ ભારતમાં નાગરિકતા સંબંધિત નિયમો છે. બંધારણ સુધારણા નાગરિકતા અધિનિયમ 1955 મુજબ, ભારતમાં કોઈ બેવડી નાગરિકતા નથી, એટલે કે ભારતની નાગરિકતા ધરાવનારી વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા માટે લાયક નથી. આવી સ્થિતિમાં જે લોકો વિદેશ ગયા તેમણે ત્યાં પોતાનો વ્યવસાય સ્થાપ્યો અને ત્યાંની નાગરિકતા મેળવી લે છે. આવી પરિસ્થિતિમાં ભારતમાં તેમની નાગરિકતા સમાપ્ત થઈ જાય છે.