વિશ્ર્વમાં જ્વેલરી ખરીદીમાં ચીન બાદ ભારત બીજા ક્રમે
નવી દિલ્હી: ભારતીયોએ ૬૧૧ ટન સોનાના આભૂષણ ખરીદીને વૈશ્ર્વિક ધોરણે ચીન બાદ સૌથી વધુ આભુષણ ખરીદનાર દેશનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ભાવના વધારા અને કસ્ટમ જકાતની વૃદ્ધિ છતાં જ્વેલરીમાં ભારતીયોની માગ ઝડપભેર વધી રહી છે.
૨૦૨૧માં ભારતે ૬૧૧ ટન સોનાના દાગીના ખરીદ્યા હતા અને ચીનની ૬૭૩ ટન પછીના બીજા ક્રમે રહ્યું હતું. ભારતમાં સોનાની જ્વેલરીની નિકાસ વર્ષ ૨૦૧૫માં ૭.૬ અબજ અમેરિકન ડોલરથી વધીને વર્ષ ૨૦૧૯માં ૧૨.૪ અબજ અમેરિકન ડોલર થઈ હતી જે ૨૦૨૫ સુધીમાં વધી ૨૦ અબજ ડોલરને આંબી જશે તેવો અંદાજ છે.
ગોલ્ડ જ્વેલરીમાં બ્રાઇડલ જ્વેલરીનું સૌથી વધુ પ્રભુત્વ છે અને ભારતમાં તેનો બજાર હિસ્સો ૫૦થી ૫૫ ટકા જેટલો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર પાછલા કેટલાક વર્ષોથી ગ્રાહકોની વર્તણૂકમાં બદલાવ પછી ભારતમાં સોનાના દાગીનાની માગ અને મહત્વનું છે ભારતીય સોનાના દાગીનાના વપરાશમાં દક્ષિણ ભારત પ્રભુત્વ ધરાવે છે, જે દેશની કુલ જ્વેલરી માગમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૨૧માં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં સોનાનો હિસ્સો ૨૩ ટકા હતો. વર્ષ ૨૦૨૧માં ભારતમાંથી સોનાની જ્વેલરીની નિકાસમાં સાદા સોનાના દાગીનાની નિકાસનો હિસ્સો ૩૮ ટકા હતો. છેલ્લા એક દાયકામાં ભારતની લગભગ ૯૦ ટકા જ્વેલરી નિકાસ માત્ર પાંચ મુખ્ય બજારોમાં થઈ છે.