બૉલ્ડ: ઇન્દોરમાં ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના સ્પિનર નેટહન લિયોનની બૉલિંગમાં બૉલ્ડ થતો ચેતેશ્ર્વર પૂજારા. (પીટીઆઈ)
ઇન્દોર: ઇન્દોર ખાતે રમાઇ રહેલી બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ઑસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. ઇન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ચાર વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. આ સાથે ઑસ્ટ્રેલિયાએ ૪૭ રનની લીડ મેળવી લીધી હતી. અગાઉ ટીમ ઇન્ડિયા પ્રથમ દાવમાં ૧૦૯ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પીટર હેન્ડ્સકોમ્બ સાત અને કેમરુન ગ્રીન છ રન બનાવીને રમતમાં છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત અને ગિલની જોડીએ પ્રથમ વિકેટ માટે ૨૭ રન જોડ્યા હતા. મોટો શોટ રમવાના પ્રયાસમાં કેપ્ટન રોહિત ૧૨ રનના સ્કોર પર સ્ટમ્પ આઉટ થયો હતો. આ પછી સતત વિકેટ પડવા લાગી હતી. ગિલ ૨૧, પૂજારા એક અને કોહલી ૨૨ રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ભરતની ૧૭ અને અક્ષરની ૧૨ રનની ઇનિંગ્સે ભારતને થોડી સારી સ્થિતિમાં પહોંચાડ્યું હતું. અશ્ર્વિન ત્રણ રન બનાવીને આઉટ થયો હતો અને ઉમેશે ૧૭ રનની ઇનિંગ રમીને ભારતના સ્કોરને ૧૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. સિરાજ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો અને ભારતીય દાવ ૧૦૯ રનમાં સમેટાઈ ગયો હતો.
જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ૧૨ રનમાં પડી હતી. રવીન્દ્ર જાડેજાએ ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. જો કે, આ પછી ખ્વાજા અને લાબુશેને ૯૬ રનની ભાગીદારી કરીને ઑસ્ટ્રેલિયાને મેચમાં મજબૂત સ્થિતિમાં મુક્યું હતું. લાબુશેન ૩૧ અને ખ્વાજા ૬૦ રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન સ્મિથે ૨૬ રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે ૪૭ રનની લીડ મળી છે. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ચારેય વિકેટ લીધી હતી.
ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ ૫૨ બોલમાં ૨૨ રન બનાવ્યા હતા જ્યારે આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલના સ્થાને આવેલા શુભમન ગીલ ૨૧ રન બનાવ્યા હતા. પ્રથમ સેશનમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ ભારતે બીજા સત્રમાં ૨૫ રન ઉમેરીને બાકીની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ઑસ્ટ્રેલિયા તરફથી સ્પિનર કુહનમેને ૧૬ રનમાં પાંચ વિકેટ લીધી હતી. ઓફ સ્પિનર નાથન લિયોને ૩૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.